ગાંધી રોડ પર યુવક લુંટાયો
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં આંગડિયા પેઢીના કર્મચારીઓને લુંટી લેવાની ઘટનાઓના પગલે પોલીસતંત્ર સતર્ક બનેલુ છે દિવાળીના સમયમાં આવી સંખ્યાબંધ ફરિયાદો નોંધાઈ હતી આ દરમિયાનમાં ગઈકાલે મોડી સાંજે શહેરના ગાંધી રોડ પર દુકાનમાં કામ કરતા એક કર્મચારીને જાહેર રોડ પર આંતરી લુંટારુ ટોળકીએ તેની પાસેથી રોકડ રૂપિયા ભરેલુ પાકિટ લુંટી લેતા સનસનાટી મચી ગઈ છે.
આ અંગે કાલુપુર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં અનેક આંગડિયા પેઢીઓ આવેલી છે જેના મારફતે રોજ કરોડો રૂપિયાનો નાણાંકિય વ્યવહાર થતો હોય છે અને દેશભરમાં રૂપિયા પહોંચાડવામાં આવતા હોય છે. આંગડિયા પેઢીના કર્મચારીઓ કિંમતી માલસામાનની હેરાફેરી કરતા હોય છે આ ઉપરાંત વહેપારીઓ પર બીજા વહેપારીઓને રૂપિયા મોકલવા માટે આંગડિયા પેઢીનો ઉપયોગ કરતા હોય છે. શહેરના ખાડિયા વિસ્તારમાં નાગજી ભુદરની પોળમાં રહેતો રાજેશ પાસવાન નામનો ર૬ વર્ષનો યુવક બિહારથી રોજીરોટી મેળવવા અમદાવાદ આવ્યો હતો અને અમદાવાદમાં તે છેલ્લા ઘણા સમયથી વાસણની દુકાનમાં કામ કરે છે. રાજેશ પાસવાન દુકાનમાં કામ કરવા ઉપરાંત આંગડિયા પેઢીમાં પણ રૂપિયા પહોંચાડવાનું કામ કરે છે.
ગઈકાલે સાંજે વાસણની દુકાનમાં કામ કરતા મહિલા એકાઉન્ટન્ટ નીતાબેન ચાવડાએ રાજેશ પાસવાનને એક પાકિટ આપ્યુ હતું અને તે પાકિટમાં રૂ.દોઢ લાખ મુકેલા હતા આ રૂપિયા રતનપોળમાં જવેરી ચેમ્બર્સમાં આવેલા રાજેશ મોહન આંગડિયાની પેઢીમાં જમા કરાવવા માટે મોકલયો હતો. રાજેશ પાસવાન રૂપિયા ભરેલુ આ પાકિટ લઈ નીકળ્યો હતો. સાંજના પ.૩૦ વાગ્યાની આસપાસ તે ગાંધી રોડ પર પહોચ્યો હશે ત્યારે એક શખ્સ તેની નજીક આવ્યો હતો. રાજેશ પાસવાન કશુ સમજે તે પહેલા જ તેના હાથમાંથી રૂપિયા ભરેલુ પાકીટ લુંટીને આ લુંટારુ પલાયન થઈ ગયો હતો. અચાનક જ બનેલી આ ઘટનાથી રાજેશ પાસવાન ગભરાઈ ગયો હતો અને બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતાં.
એકત્ર થયેલા લોકો આ અંગેની જાણ કાલુપુર પોલીસને કરતા પોલીસ અધિકારીઓ આવી પહોંચ્યા હતા બીજીબાજુ વાસણની દુકાનના માલિક પણ આવી પહોંચ્યા હતાં પોલીસ અધિકારીઓએ તાત્કાલિક ઘટના સ્થળની આસપાસના સીસીટીવી કુટેજ મેળવીને આરોપીઓને ઝડપી લેવાનો આદેશ આપ્યો છે. રાજેશ પાસવાને આ અંગે ફરિયાદ નોંધાવતા કાલુપુર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.