ગાઈડલાઈન્સનું પાલન નહીં થાય તો લોકડાઉન : ઉદ્ધવ
મુંબઈ: ધીરે ધીરે ભારતમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા અને એક્ટીવ કેસની સંખ્યા ઘટી રહી છે. પરંતુ કોરોના વાયરસ સંપૂર્ણ રીતે નાશ નથી પામ્યો. છતાં કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરવાની શરતે કેન્દ્ર સરકારે આપેલી છૂટછાટ બાદ પણ લોકોમાં કોરોના મામલે ગંભીરતા ઓછી થઈ ગઈ છે. લોકો માસ્ક વગર અને સોશિયલ ડીસ્ટન્સીંગનું બરાબર પાલન નથી કરી રહ્યા.
આ કારણે મહારાષ્ટ્રમાં છેલ્લાં અઠવાડિયામાં કોરોના સંક્રમીત દર્દીઓની સંખ્યા વધી રહી છે. આ મામલે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાજ્યની જનતા માટે ચીમકી ઉચ્ચારી હતી અને કહ્યું હતું કે, લોકો કોરોના ગાઈડલાઈન્સનું પ્રોપર પાલન નથી કરી રહ્યા અને તેના કારણે સંક્રમણ વધતું જાય છે.
લોકોને છૂટછાટ આપ્યા છતાં પણ લોકો ગંભીરતા સમજી રહ્યા નથી. જાે આમ જ ચાલુ રહેશે તો રાજ્યમાં ફરી એક વાર લોકડાઉન લાગુ કરવાની ફરજ પડશે.
મહારાષ્ટ્રમાં છેલ્લાં એક અઠવાડિયાથી સરેરાશ ૩,૫૮૧ કોરોના પોઝીટીવ કેસ સામે આવી રહ્યા છે. અત્યારે કોરોના સંક્રમિત કુલ ૩૬,૨૦૧ એક્ટીવ કેસ છે. જાન્યુઆરી મહિનાની દરરોજ કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા કરતા, ફેબ્રુઆરી મહિનામાં કેસની સંખ્યા વધી રહી છે.