Western Times News

Gujarati News

ગાઝામાં હજારો લોકોએ ઢોલ-નગારાં વગાડીને ઉજવણી કરી,પેલેસ્ટાઇનના લોકોએ આતશબાજી કરી

ગાઝા: ઈઝરાયેલ અને હમાસ(ઈઝરાયેલ તેને આતંકી સંગઠન માને છે)ની વચ્ચે ૧૨ દિવસ સુધી ચાલેલા યુદ્ધ પછી ગુરુવારે રાતે(ભારતીય સમય મુજબ ૨ વાગ્યે) સીઝફાયરની સહમતી થઈ છે. આજે તેની અધિકારિક જાહેરાત થઈ શકે છે. ઈઝરાયેલની સરકાર અને હમાસ બંને એની પુષ્ટિ કરી ચૂક્યા છે. સીઝફાયરનો પ્રસ્તાવ ઈજિપ્ત તરફથી મૂકવામાં આવ્યો હતો, જેની પર પેલેસ્ટાઈનની સરકાર પણ સહમત છે.
એ પછી પેલેસ્ટાઈનના સૌથી શક્તિશાળી આતંકી સંગઠન ઈસ્લામિક જિહાદે પણ આ ર્નિણય અંગે સહમતી વ્યક્ત કરી છે. આ સીઝફાયરને હમાસ પોતાની જીત માની રહ્યું છે. પેલેસ્ટાઈનની ગાઝાપટ્ટીમાં હમાસના લડાકુઓએ ઢોલ-નગારાં વગાડીને ઉજવણી કરી તો બીજી તરફ વેસ્ટ બેન્કમાં મોડી રાતે આંતશબાજી થતી રહી.

હમાસની પોલિટિકલ વિંગના ખલીલ અલ હાયાએ કહ્યું હતું કે લોકો ઉજવણી કરે એમાં કંઈ ખોટું નથી. આ જીતની ખુશી છે. ઈઝરાયેલની એરસ્ટ્રાઈકમાં નાશ પામેલાં ઘરોને બનાવવાનું કામ ઝડપથી શરૂ કરવામાં આવશે. યુદ્ધના ૧૦મા દિવસે ગાઝાપટ્ટીમાંથી ૧ લાખ ૨૦ હજાર લોકો પલાયન કરી ચૂક્યા છે.

ઈઝરાયેલ અને હમાસના યુદ્ધમાં અત્યારસુધીમાં ૨૩૨ લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે, તેમાં ૬૫ બાળકો સામેલ છે. યુદ્ધમાં અત્યારસુધીમાં ૧૯૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે. સૌથી વધુ નુકસાન ગાઝાપટ્ટીમાં થયું છે. અહીં લગભગ ૨૨૦ લોકોનાં મૃત્યુ થયાં. અહીંથી હમાસ અત્યારસુધી ઈઝરાયેલ પર રોકેટ હુમલા કરતું રહ્યું છે. હમાસના હુમલામાં ઈઝરાયેલના ૧૨ લોકોનાં મૃત્યુ થયાં છે. તેમાં ૨ બાળકો, ૧ સૌનિક, ૧ ભારતીય મહિલા અને થાઈલેન્ડના ૨ લોકો પણ સામેલ છે. હમાસે ઈઝરાયેલ પર કુલ ૪ હજાર ૩૦૦ રોકેટ છોડ્યા હતા.
સીઝફાયરની પુષ્ટિ કરતા ઈઝરાયેલ તરફથી એક નિવેદન જાહેર કરવામાં આવ્યું. એમાં કહેવામાં આવ્યું કે સુરક્ષા મામલાઓ પર કેબિનેટની બેઠક થઈ.

એમાં ચીફ ડિફેન્સ સ્ટાફ, ઈન્ટર્નલ સિક્યોરિટી ચીફ અને જાસૂસી એજન્સી મોસાદના ચીફ પણ સામેલ થયા. એમાં ઈજિપ્તના એ પ્રસ્તાવ પર વિચાર કરવામાં આવ્યો, જેમાં હમાસની સાથે ચાલી રહેલો સંઘર્ષ રોકવાની ઓફર આપવામાં આવી હતી. સીઝફાયર માટેની કોઈ શરત રાખવામાં આવી નથી. આ બાબતે બંને પક્ષ સહમત છે. સીઝફાયર શુક્રવારથી શરૂ થશે. તેના સમય વિશેની માહિતી પછીથી આપવામાં આવશે.

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુતેરેસે સીઝફાયરનું સ્વાગત કર્યું. તેમણે કહ્યું હતું કે ઘણા દિવસો સુધી ચાલેલું યુદ્ધ રોકાયું એની ખુશી છે. આ યુદ્ધ અટકાવવામાં ઈજિપ્ત અને કતારનું યોગદાન ખરેખર પ્રશંસનીય છે. ગુતેરસે યુદ્ધમાં મૃત્યુ પામનારા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. તેમણે કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સમદાયે યુદ્ધમાં નાશ પામેલા ઈન્ફ્રાસ્ટ્રકચરને ફરીથી ડેવલપ કરવા માટે સાથ આપવો જાેઈએ.
અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઇડને ૨ વખત નેતન્યાહુ સાથે વાત કરી હતી. જર્મનીના વિદેશમંત્રીએ પણ ઈઝરાયેલના પીએમ સાથે વાત કરી હતી. સાઉદી અરબ અને ઈજિપ્તના પ્રભાવનો પણ બાઈડને ઉપયોગ કર્યો. એને કારણે ઈઝરાયેલની સાથે હમાસ પર પણ ભારે દબાણ પડી રહ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.