ગાડીઓના કાચ તોડનારા હુમલાખોરોએ રોજના ૯૦૦થી વધુ પાસની માંગણી કરી હતી
નવા વાડજ હુમલાના કેસમાં ચોંકાવનારો ખુલાસો: મંડળીના મફતિયા પાસ ન આપતાં તોડફોડ કરાઈ
અમદાવાદ,કોઈપણ ક્રાઈમની ઘટના બને ત્યારે હંમેશા અધૂરું સત્ય સામે આવતું હોય છે જ્યારે પૂરેપૂરી હકીકત કયાંકને કયાંક સમય જતાં દફન થઈ જતી હોય છે. જૂના વાડજમાં શુક્રવારની રાતે માથાભારે તત્ત્વે મચાવેલા હાહાકારની ઘટનાએ પોલીસને દોડતી કરી દીધી અને લોકોમાં દહેશત ઊભી કરી દીધી હતી. દહેશત ફેલાવતી આ ઘટનામાં પોલીસે ઘરમાં ઘૂસીને આરોપીઓને ઝડપી પાડયા છે.
પોલીસ સમક્ષ સામે આવ્યું હતું કે, એક મહિના પહેલાં થયેલી બબાલનો બદલો લેવા માટે ટોળાએ હુમલો કર્યો હતો પરંતુ પોલીસ પાસે રહેલી આ હકીકત અધૂરી છે. આ હુમલા પાછળની સાચી હકીકત મંડળી ગરબાના મફતિયા પાસ હોવાનું સામે આવ્યું છે. હુમલો કરનાર ટોળાના લીડરે મંડળીના આયોજક સાથે સંકળાયેલા લોકો પાસેથી રોજના ૯૦૦ મફતિયા પાસની માગણી કરી હતી, જે આપવાનો ઈન્કાર કરી દેવાતા આખી બબાલ ઊભી થઈ છે.
ઓગણજ ખાતે આવેલા મંડળીના ગરબા અમદાવાદના સૌથી પ્રખ્યાત હતા. જેના કારણે એક પાસની કિંમત બે હજારથી લઈને પાંચ હજાર સુધી હતી. છેલ્લા દિવસોમાં મંડળીના ગરબામાં ખેલૈયાઓ વચ્ચે માથાકૂટ થતાં ફાયરિંગ પણ થયું હતું. જેના કારણે વિવાદ પણ થયો હતો. મંડળી ગરબાનું આયોજન ત્રણ ચાર મહિના પહલાંથી આયોજકો દ્વારા શરૂકરી દેવાયું હતું. આભારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર મંડળીના ગરબામાં ભાગીદારી લેવા માટે કનુ ભરવાડ સહિતના લોકો આવ્યા હતા. જો કે, આયોજકો સાથે સંકળાયેલા સની સરદાર અને લકી સરદારે ઈન્કાર કરી દીધો હતો. ભાગીદારીનો ઈન્કાર કરી દેવાતા દુશ્મનાવટનું બીજ રોપાયું હતું.
કનુ ભરવાડે આયોજકો પાસે રોજના ૯૦૦ મફતિયા પાસની માગણી કરી હતી. જે આપવાનો ઈન્કાર કરી દેવાયો હતો. એક પાસની કિંમત બે હજાર રૂપિયા હોઈ રોજના ૧૮ લાખ રૂપિયાના પાસ કનુ ભરવાડ સહિતના લોકોએ માંગ્યા હતા. આ બબાલના કારણે ર૦ સપ્ટેમ્બરના રોજ કનુ ભરવાડ પર હુમલો થયો હતો. નવા વાડજ વિસ્તારમાં રહેતા કનુ ભરવાડે વાડજ પોલીસ સ્ટેશનમાં લકી સરદાર, સની સરદાર, રાજુ ડાભોડી, જેબુભાઈ નામની ચાર વ્યક્તિ વિરૂદ્ધ હુમલાની ફરિયાદ કરી હતી.
લકી સરદાર સહિત ચારેય લોકો નવા વાડજ વિસ્તારમાં આવેલી રામ કોલોનીમાં રહે છે. ર૦ સપ્ટેમ્બરના રોજ કનુ ભરવાડ એક્ટિવા લઈને તેના મિત્ર કૈયુર પટેલને મળવા માટે નવા વાડજ ઓઝોન આંગન પાસે જવા માટે નીકળ્યો હતો. ઓઝોન આંગન પાસે કનુ પહોંચ્યો ત્યારેલકી સરદાર, સની સરદાર સહિતના લોકો ત્યાં બેઠા હતા. કનુને જોતાની સાથે તમામ લોકોએ તેની સાથે બબાલ શરૂ કરી દીધી હતી.
કનુ ભરવાડે બબાલ કરવાની ના પાડતા લકી સરદાર વધુ ઉશ્કેરાયો હતો અને મારામારી કરવાની શરૂ કરી દીધી હતી. દરમિયાનમાં લકી અને સનીના કાકા રાજુ ડાભોડી સહિતના લોકો પણ દોડી આવ્યા હતા અને કનુ ભરવાડને મારવા લાગ્યા હતા. તમામ લોકોએ ભેગા થઈને કનુ ભરવાડને પાઈપોથી માર માર્યો હતો. કનુએ તેન મિત્ર જેબુ ભરવાડને બોલાવતા તે કાર લઈને આવી ગયો હતો. કનુ કારમાં બેસી જતાં લકી સરદાર સહિતના લોકોએ કારનો કાચ તોડી નાંખ્યો હતો.
મંડળીના પાસ નહીં આપ્યા બાદ કનુ ભરવાડ પર હુમલો થતાં તેણે બદલો લેવાનું નક્કી કરી લીધું હતું. શુક્રવારની રાતે કનુ ભરવાડ તેના ૩૦થી વધુ મિત્રને લઈને લકી સરદાર સહિતના લોકો ઉપર હુમલો કરવાના ઈરાદા સાથે ઘાતકી હથિયાર લઈને બાઈક પર નીકળી ગયો હતો. કનુ ભરવાડ સહિતના લોકોએ રામ કોલોનીમાં હાહાકાર મચાવી દીધો હતો. ૩૦ કરતાં વધારે લોકોનું ટોળું એક સાથે સોસાયટીમાં ઘૂસ્યું હતું અને એકાએક કારમાં તોડફોડ મચાવવાની શરૂ કરી દીધી હતી. ટોળાએ અંદાજે ૧પથી વધુ ગાડી તેમજ રિક્ષાના કાચ તોડી નાંખ્યા હતા અને બેફામ ગાળો બોલવા લાગ્યા હતા.
કનુ ભરવાડ અને તેની સાથે આવેલા લોકોએ રીતસરનો આતંક મચાવતા સોસાયટીમાં રહેતા તમામ લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. રહીશોમાં ભયનો માહોલ ફેલાતા વાડજ પોલીસની ટીમ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધીને હુમલાખોરોને ઘરમાં ઘૂસી ઘૂસીને ઝડપી પાડયા છે અને બાદમાં તેમનું જુલૂસ પણ કાઢયું હતું.