ગાડીનું થર્ડ પાર્ટી વિમા પ્રિમીયમ 23 ટકા અને ટુ-વ્હીલરનું 35 ટકા વધશે
મુંબઈ, કેન્દ્ર સરકાર એક તરફ મોંઘવારીને કાબૂમાં લેવા નવા-નવા કદમ ઉઠાવી રહી છે તો બીજી તરફ એક પછી એક ડામ આપવાનું પણ ચાલુ રહ્યું હોય તેમ 1લી જૂનથી હવે વાહનોના થર્ડ પાર્ટી વિમા પ્રિમીયમમાં વધારો થશે.કેન્દ્ર સરકારે પ્રિમીયમ મોંઘુ કરતાં નવા દર નોટીફાઈ કર્યા છે.શિક્ષણ સંસ્થાઓની બસો, વાહનોને 15 ટકાના ડીસ્કાઉન્ટની જોગવાઈ કરવામાં આવી છે.
કેન્દ્ર સરકારે છેલ્લી ઘડીએ થર્ડ પાર્ટી વિમા પ્રિમીયમમાં વધારાનું નોટીફીકેશન જાહેર કરતાં વિમા કંપનીઓમાં પણ દોડધામ થઇ ગઇ છે. કારણ કે નવા દર લાગુ થવાને માત્ર એક સપ્તાહ જેવો સમય બાકી છે. વિમા કંપનીઓએ નવા દર આધારિત આખી સિસ્ટમ અપગ્રેડ કરવી પડશે.
ઉપરાંત જે વાહન ધારકોએ અગાઉ જ પ્રિમીયમ ભરી દીધા હોય તેની પાસેથી પણ તફાવતની રકમ વસૂલ કરવી પડશે. કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે થર્ડ પાર્ટી વિમા પ્રિમીયમના દરોમાં બદલાવ કરવામાં આવતો હોય છે. વિમાના વાર્ષિક દાવાના આધારે આ નિર્ણય થતો હોય છે.
છેલ્લા બે વર્ષથી આ પ્રિમીયમમાં કોઇ વધારો કરવામાં આવ્યો ન હતો. પરિણામે ઓટો ક્ષેત્રના પ્રિમીયમનો હિસ્સો 33 ટકાથી ઘટીને 30 ટકા થઇ ગયો હતો. જ્યારે મેડીકલ વિમાનો હિસ્સો 30 ટકાવાળો વધીને 33 ટકા થયો હતો. હવે ઓટો ક્ષેત્રનાં પ્રિમીયમનો હિસ્સો પણ વધવાની ગણતરી રાખવામાં આવી રહી છે.
1લી જૂનથી લાગુ પડનારા નવા થર્ડ પાર્ટી વિમા પ્રિમીયમ અંતર્ગત કારના પ્રિમીયમમાં 23 ટકા તથા 75 સીસીથી વધુના ટુ-વ્હીલરના પ્રિમીયમમાં 35 ટકા સુધીનો વધારો થશે. 75 સીસીથી ઓછીનાં ટુ-વ્હીલરમાં 175 ટકા જેવો ધરખમ વધારો થવાનો છે.