ગાડીમાં ઊંઘી જવાનું કહીને નીકળેલો પતિ મહિનો ઘરે ન આવ્યો
અમદાવાદ: શહેરમાં અને મુંબઈ ખાતે રહેતા પતિ પત્નીનો ઝઘડો હવે પોલીસમથકે પહોંચ્યો છે. ઘટના એમ છે કે લગ્ન બાદ પતિની નોકરી મુંબઈમાં લાગતા દંપતી પુત્રી સાથે મુંબઈ ગયું હતું. ત્યાં અણબનાવ બનતા રહેતા હતા તેવામાં જ પતિ ઘરેથી નીકળી ગયો હતો અને ગાડીમાં સુઈ જશે તેમ કહી એકાદ માસ સુધી આવ્યો ન હતો. બાદમાં યુવતીને જાણ થઈ કે તેનો પતિ એકાદ માસ અન્ય જગ્યાએ રહ્યો હતો. બાદમાં તે પિયર જતી રહી હતી અને લોકડાઉન બાદ સાસરે જતા સાસુ સસરાએ યુવતીને ન આવવા દેતા આખરે પોલીસ ફરિયાદ નોંધાવતા વસ્ત્રાપુર પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
બોડકદેવ માં રહેતી ૩૧ વર્ષીય યુવતી એ એમ ફાર્મ સુધી અભ્યાસ કર્યો છે. હાલ તે તેના માતા પિતા સાથે રહે છે. થોડા સમય પહેલા તેના લગ્ન માટે બંધન મેરેજ બ્યુરો માં પ્રોફાઈલ બનાવી હતી. બાદમાં વર્ષ ૨૦૧૨ માં એક યુવક સાથે તેની સગાઈ થઈ હતી. વર્ષ ૨૦૧૩ માં તેના એસજી હાઈવે પર આવેલા એક વિશાળ પાર્ટી પ્લોટમાં લગ્ન થયા હતા. બાદમાં તેને તે જ વર્ષે ગર્ભ રહ્યો હતો. આ યુવતી ગર્ભવતી થતા તેની તબિયત સારી રહેતી ન હતી. જેથી કામ ન થતા તેની સાસુ તેને મહેણાં મારતી અને કામ ન કરવું હોય તો પિયર જતી રહે તેવું કહેતા હતા.
બાદમાં તેને એમ.ફાર્મ.ની પરીક્ષા વખતે પણ મા ના ઘરે જતા રહેવા સાસુએ દબાણ કર્યું હતું. વર્ષ ૨૦૧૪ માં આ યુવતીના પતિને મુંબઈમાં એક મોટી કંપનીમાં નોકરી લાગતા તે તેની પુત્રી સાથે ત્યાં ભાડે પતિ સાથે રહેવા લાગી હતી. પણ પતિએ થોડા જ સમયમાં નાની વાતોમાં ઝઘડા કરી તેને માર મારવાનું ચાલુ કર્યું હતું.
એક દિવસ ઝઘડો એટલી હદે પહોંચી ગયો હતો કે યુવતીનો પતિ ઘરેથી નીકળી ગયો અને કોઈ બીજા ઘરે રહીશ તેવું કહ્યું હતું. બાદમાં યુવતીએ પતિને ફોન કરતા તે ગાડીમાં જ સુઈ જશે તેમ કહી તેની સાથે ગેરવર્તન કર્યું હતું. એકાદ માસ સુધી યુવતીનો પતિ ઘરે આવ્યો નહોતો અને મની ઓર્ડરથી માત્ર બે હજાર મોકલી આપ્યા હતા.
બાદમાં યુવતી તેના પિયર આવી ગઈ હતી અને લોકડાઉન પૂરું થતા તે સાસરે ગઈ પણ સાસુ સસરા એ હડધૂત કરી ન આવવા દેતા આખરે યુવતીએ તેના સાસરિયાઓ સામે વસ્ત્રાપુર પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે આઈપીસી ૩૨૩, ૨૯૪(હ્વ), ૪૯૮(ટ્ઠ), ૧૧૪ મુજબ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.