ગાડી ભાડે આપતાં પહેલાં વિચારજો, ગાડી પણ ગઈ અને ભાડુ પણ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/02/bolerocar.jpeg)
પ્રતિકાત્મક
મહિને તગડું ભાડુ આપીને ગાડી ભાડે રાખનાર સામે વિશ્વાસઘાતની ફરિયાદ
અંકલેશ્વરના કાર માલિક સાથે ઠગાઈ: મહિને ૧૮ હજારનું ભાડું નકકી કર્યું, ગાડી પણ ગઈ અને ભાડુ પણ, અંતે મામલો પોલીસમાં
અંકલેશ્વર, વડોદરાના ઈસમે ગાડી ભાડે રાખવાનો કરાર કરી ગાડી પરત ના કરી અને ભાડું પણ ના ચુકવી છેતરપિંડી કરી ફરાર થઈ ગયા હોવાની ઘટનાની પોલીસ ફરિયાદ અંકલેશ્વર શહેર પોલીસ મથકે નોંધાવા પામી છે.
જેમાં લોનના હપ્તા બાકી પડતા ઓ.એલ.એકસ પર ગાડી વેચવા કાઢતા ઠગ ભગત ભટકાયા હતા. ૩ વર્ષનો ગાડીનો ભાડા કરાર કરીને મહિને ૧૮૦૦૦ રૂપિયા આપવાનું કહી કરાર મુજબ ભાડું અને ગાડી પરત ના અપાતા આખરે અંકલેશ્વર શહેર પોલીસ મથકે બલેરો ગાડીના માલિક દ્વારા છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.
અંકલેશ્વરના રામકુંડ ખાતે આવેલ તપસ્વીનગર ખાતે રહેતા કેયૂર પરમારએ ગાડી હપ્તા બાકી રહેતા ગાડી વેચવા માટે ઓ.એલ.એક્સ. પર વેચવા માટે મૂકી હતી તે દરમિયાન વડોદરા શ્રીજી ધામ એપાર્ટમેન્ટ ખાતે રહેતા વિરલ પટેલ તેમનો સંપર્ક કર્યો હતો
અને ગાડી પ્રાથમિક વેચાણની વાત કર્યા બાદ તેના મિત્ર દિગ્વિજયસિંહ ચૌહાણ કંપની કોન્ટ્રાકટરમાં ગાડી મૂકી આપશે. તેઓ વિશ્વાસ સંપાદન કર્યો હતો અને વડોદરા વાઘોડિયા ખાતે કરાર માટે પણ તેમને બોલાવ્યા હતા.
વિરલ પટેલ અને દિગ્વિરાજસિંહ ચૌહાણ અંકલેશ્વર આવી કરાર કરી ગયા હતા અને કરારમાં માસિક ૧૮૦૦૦ હજાર રૂપિયા ભાડું નકકી કર્યું હતું અને ર મહિના સુધી રૂપિયા ના આપે તો ગાડી પરત આપવાની નકકી કરાયું હતું જે મુજબ ઓકટોબર ર૦ર૧ સુધીનું તુટક તુટક ભાડુ આપ્યા બાદ બંધ કરી દીધું હતું.
નવેમ્બર સુધી ભાડું ના આપતા કેયુરભાઈ પરમારે ફોન કરી ભાડું માંગતા તેને પ્રાથમિક તો ભાડું આપવાનું કહી વાયદા બતાવ્યા કર્યા હતા. ત્યારબાદ અંતે ભાડું કે, ગાડી પણ પરત ના કરતા અંતે શહેર પોલીસ મથકે કેયુરભાઈ પરમાર દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે વિરલ પટેલ અને દિગ્વિરાજસિંહ ચૌહાણ વિરૂદ્ધ છેતરપિંડી કરી વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ આરંભી હતી.