‘ગામડાંનો સામાન્ય વ્યક્તિ શાહુકારોની ચુંગાલમાંથી મુક્ત થયો’
વડાલી, સાબરકાંઠા વહીવટી તંત્ર અને રાષ્ટ્રીયકૃત તથા ખાનગી બેંકો દ્વારા હિંમતનગર શહેરના પ્રથમ સ્કેવર ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત લીડ બેંક ઓફ બરોડા દ્વારા લોન વિતરણ અને ક્રેડિટ આઉટ રીચ કાર્યક્રમ સાંસદ દિપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં યોજાયો હતો.
આઝાદીના ૭પ વર્ષના અમૃત મહોત્સવ અંતર્ગત બેંકો દ્વારા ૭પ સપ્તાહમાં રૂા.૬૮૦ કરોડનું વિવિધ યોજનાના લાભાર્થીઓને ધિરાણ આપવામાં આવ્યું. આ પ્રસંગે સાંસદ દિપસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, ગામડાના સામાન્ય વ્યક્તિથી કારીગર વર્ગને ઓછા વ્યાજે લોન આપીને શાહુકારોના ચુંગાલમાંથી મુકત કર્યા છે.
આ પ્રસંગે જિલ્લા કલેકટર હિતેષ કોયાએ જણાવ્યું હતું કે, બેંકો અને વહીવટી તંત્ર દ્વારા થતી બેઠકમાં ડી.એલ.સી.સી. મિટિંગમાં જુદા જુદા ધારાધોરણ નકકી કરી જરૂરી ધિરાણ અને એનપીએની ચર્ચા થાય છે. સાબરકાંઠા જિલ્લો ૯૧ ટકાથી વધુ ધિરાણ આપી અગ્રેસર રહ્યો છે. મુદ્રા યોજનામાં ર૮૯૯૪ લાભાર્થીઓને રૂા.૧૮૪ કરોડ લોન મળી છે.
જિલ્લાનો ધિરાણનો રેસીઓ ૯૧ ટકા છે જેનો મતલબ એ થાય છે કે બેન્કર્સ ડિપોઝીટ લેવામાં જ નહી ધિરાણ આપવામાં આગળ રહ્યા છે. કાર્યક્રમમાં વિવિધ યોજના લાભાર્થીઓ પોતાના પ્રતિભાવો રજુ કર્યા હતા તેમજ શ્રેષ્ઠ બેંક મિત્ર અને ધિરાણ આપવા શ્રેષ્ઠ કામગીરી કરનાર સ્ટાફનું સન્માન કરવામાં આવ્યું હતું.