Western Times News

Gujarati News

ગામડાં મજબૂત થશે, તો જ દેશ મજબૂત થશે: સહકાર રાજ્યમંત્રી

સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં અમદાવાદના સાયન્સ સિટી ખાતે નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશનના રજત જયંતી સમારોહની ઉજવણી સંપન્ન

કેન્દ્રીય સાયન્સ ઍન્ડ ટેકનોલૉજી રાજ્યમંત્રી શ્રી ડૉ. જિતેન્દ્ર સિંઘ પણ વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહ્યા

 વડાપ્રધાનશ્રીના વિકસિત ભારત @૨૦૪૭ના નિર્માણમાં NIFના માધ્યમથી ગ્રામીણ ભારતના નાગરિકો પણ પોતાનું યોગદાન આપે: કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી ડૉ. જિતેન્દ્ર સિંઘ

 ગ્રામીણ ક્ષેત્રોમાં આધુનિક ટેક્નોલૉજીના ઉપયોગ થકી વિકસિત ભારતના સંકલ્પને વેગ મળશે: કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રી

અમદાવાદ સાયન્સ સિટી ખાતે નેશનલ ઈનોવેશન ફાઉન્ડેશનના રજત જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત કેન્દ્રીય સાયન્સ ઍન્ડ ટેકનોલૉજી રાજ્યમંત્રી શ્રી ડૉ. જિતેન્દ્ર સિંઘની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સહકાર રાજ્યમંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે વિશિષ્ટ યોગદાન આપનારા દેશના વિવિધ ગ્રામીણ વિસ્તારોના ઇનોવેટર્સને એવૉર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહેલા કેન્દ્રીય સાયન્સ એન્ડ ટેક્નોલોજી રાજ્યમંત્રી શ્રી ડૉ. જીતેન્દ્રસિંઘે વિકસિત ભારતના નિર્માણમાં દરેક નાગરિકને યોગદાન આપવાની અપીલ કરતાં જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત @૨૦૪૭ના નિર્માણમાં ગ્રામીણ ક્ષેત્રોના નાગરિકો પણ નેશનલ ઈનોવેશન ફાઉન્ડેશન-NIF જેવી સંસ્થાઓના માધ્યમથી પોતાનું યોગદાન આપે.

કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રીએ કહ્યું કે નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન જેવી સંસ્થાઓ વડાપ્રધાનશ્રીના ‘વિકાસ ભી વિરાસત ભી’ના સૂત્રને અનુસરીને કાર્ય કરે છે. આપણે જ્યારે વિકસિત ભારતની ચર્ચા કરીએ છીએ, ત્યારે વેલ્યૂ એડિશન કરવું ખૂબ જરૂરી છે. ગ્રામીણ ક્ષેત્રોમાં શહેરો જેવી જ ટેક્નોલોજીનો આવિષ્કાર કરવો પડશે, તો જ વિકસિત ભારતના સંકલ્પને ઝડપથી સાકાર કરી શકાશે.

કેન્દ્રીય મંત્રીશ્રીએ NIFના કાર્યની પ્રસંશા કરતાં કહ્યું કે ગ્રાસરૂટ લેવલે આટલું સરસ સંશોધન કાર્ય થઈ રહ્યું છે, તેની સાફલ્ય ગાથાઓને બહાર લાવવાનું કામ આ સંસ્થાએ કર્યું છે. NIF એ દેશના અંતરિયાળ વિસ્તારોના ઇનોવેટર્સને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. સંશોધન માટે ભલે ડિગ્રી ન હોય, પરંતુ નવો વિચાર હોય, તોપણ તમે ઇનોવેટર બની શકો છો એમ જણાવી શ્રી સિંઘે કહ્યું કે ભારતમાં ખેતી અને મસ્ત્યઉદ્યોગ જેવાં અનેક ક્ષેત્રો છે, જ્યાં ડિગ્રી વિના પણ સંશોધન કરી શકાય છે. તેમણે એશિયા-ઇન્ડિયા ઇનોવેશન, ઇન્ડિવિડ્યુઅલ ફોકસ, ઇનોવેશન ઇકોસિસ્ટમ અને ગ્રાસરૂટ ઇનોવેશન સ્ટાર્ટઅપ પર ભાર મૂક્યો હતો.

આ તકે રાજ્યના સહકાર તથા લઘુ અને મધ્યમ ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ કાર્યક્રમમાં ઉપસ્થિત ઇનોવેટર્સને બિરદાવતાં કહ્યું કે IIT, IIM પાસઆઉટ તો ઠીક ગ્રેજ્યુએશન વિના પણ ઈનોવેશન થઈ શકે છે, તે NIFના આજના કાર્યક્રમમાં હાજર ઇનોવેટર્સ પાસેથી શીખી શકીએ છીએ. તેમણે જણાવ્યું કે NIFના ઇનોવેટિવ કાર્ય વિશે પ્રથમવાર જાણી મને પણ આશ્ચર્ય થયું હતું,પરંતુ આજે NIFની સફળતા જોઈને આનંદ થાય છે.

શ્રી વિશ્વકર્માએ કહ્યું કે આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વની મહત્ત્વની ઈકોનૉમી બનવાની સાથે વિકસિત બનવાના માર્ગે ઝડપથી આગળ વધી રહ્યો છે અને આઈ.ટી. સહિતના અનેક ક્ષેત્રે નોંધપાત્ર ઓળખ ઊભી કરી છે. મંત્રીશ્રીએ B2B મોડેલ પર ભાર મૂકતા જણાવ્યું કે ગામડાં મજબૂત થશે, તો જ દેશ મજબૂત થશે. રણમાં વૃક્ષો ઉછેરવા, બારેમાસ ફ્રૂટ્સ આવે એવા ઘણાં ઇનોવેટિવ કાર્યો ગામડાંના ખેડૂતોએ કર્યાં છે. ગુજરાતના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે, તે માટે રાજ્ય સરકાર અને રાજ્યપાલશ્રીએ અભિયાન શરૂ કર્યું છે. તેમણે ઇનોવેટરની પ્રોડક્ટ્સને ખેડૂતો સુધી પહોંચાડવાનો અનુરોધ કરતાં કહ્યું કે ગામડાઓમાં આધુનિક ટેકનોલોજી પહોંચાડી શહેરો તરફના સ્થળાંતરને પણ અટકાવી શકાશે.

આ પ્રસંગે NIFના ચેરમેનશ્રી પ્રો. અનિલ સહસ્ત્રબુદ્ધેએ રજત જયંતી મહોત્સવની વિગતો આપતાં જણાવ્યું કે આ બે દિવસીય ઉજવણીમાં નેશનલ ઈનોવેશન ફાઉન્ડેશનની ૨૫ વર્ષની વિકાસયાત્રાની ચર્ચા કરવામાં આવી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં
આવનારાં ૨૫ વર્ષમાં NIF નવી ઊંચાઈઓ હાંસલ કરશે એવો વિશ્વાસ વ્યક્ત કરી તેમણે કહ્યું કે છેલ્લાં ૨૫ વર્ષમાં NIF બીજમાંથી વૃક્ષ બન્યું છે એનો વિશેષ આનંદ છે. રાજ્યમંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માએ દેશભરમાંથી આવેલા ઇનોવેટર્સના વિવિધ સ્ટોલ્સની મુલાકાત લઈ, તેમની સાથે વાર્તાલાપ કર્યો હતો. આ પ્રસંગે મંત્રીશ્રી તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે NIFના રજત જયંતી વર્ષ નિમિત્તે બહાર
પાડવામાં આવેલી પોસ્ટલ ટિકિટ, કૉફી ટેબલ બુક તથા દ્વિ-માસિક સામયિકનું વિમોચન કરવામાં આવ્યું હતું તેમજ વિશિષ્ટ યોગદાન આપનારા ઇનોવેટર્સને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગુજરાત સર્કલના ચીફ પોસ્ટ માસ્ટર શ્રી કૃષ્ણકુમાર યાદવ, NIFના ડાયરેક્ટર શ્રી ડૉ. અરવિંદ રાનડે, ડૉ. ગુલશન રાય સહિત દેશભરમાંથી અગ્રણી ઇનોવેટર બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.