ગામડાઓમાં રસી આપવા રાત્રિ કેમ્પનું આયોજન થયું
અમદાવાદ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ ખાતે બેઠક કરીને વેક્સીનના પ્રથમ ડોઝની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે સૂચના આપી હતી. જે અનુસંધાને અમદાવાદ ગ્રામ્યમાં વેક્સીનેશનનો પ્રથમ ડોઝ પૂર્ણ કરવા માટે હેલ્થ વિભાગની ટીમ સજ્જ બની છે. આ માટે ૨૦૦ જેટલા રસીકરણ કેન્દ્રો પર રસી આપવામાં આવી રહી છે. એક દિવસમાં ૩૦ હજાર લોકોને વેક્સિન આપવાનો ટાર્ગેટ છે. રસી આપવામાં માટે અમદાવાદ ગ્રામ્યમાં મેગા ડ્રાઇવ કરવામાં આવી હતી અને એક જ દિવસમા ૩૦,૧૯૭ લોકોને વેક્સીન આપી છે.
અત્યારસુધીમાં અમદાવાદ ગ્રામ્યમાં વેકસીન આપવાની ૮૬% કામગીરી પૂર્ણ થઈ છે. ૮૮ ગામમાં ૧૦૦ ટકા વેક્સીનેશનની કામગીરી પૂર્ણ થઈ છે. હાલ ગુજરાતમાં વેક્સીનની કામગીરીમાં અમદાવાદ જિલ્લો મોખરે છે. આ મામલે અમદાવાદ સીડીએચઓ શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, અમદાવાદ ગ્રામ્ય વિસ્તારોમાં વેક્સીનનો પ્રથમ ડોઝની કામગીરી પૂર્ણ કરવા માટે હેલ્થ વિભાગની ટીમો કાર્યરત છે.
૧૯૧ વેક્સીન કેન્દ્રો પર એક જ દિવસમાં ૩૦,૧૯૭ લોકોને વેક્સીન આપી છે. અમદાવાદ જિલ્લામાં પ્રથમ ડોઝ આપવાની ૮૬% કામગીરી પૂર્ણ થઈ છે. ૧૧ લાખ ૮૩ હજારની સામે ૧૦ લાખ ૨૦ હજાર લોકોને પ્રથમ ડોઝ આપાયો છે. ૨ લાખ ૭૦ હજાર લોકોને બીજાે ડોઝ પણ આપી દેવામાં આવ્યો છે. સાથે જ તંત્ર તરફથી લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ સમયસર પ્રથમ ડોઝ લઈ લે.
અમદાવાદ ગ્રામ્યમાં ઝડપથી રસીકરણ કામગીરી પૂર્ણ કરવા માટે નાઈટ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. હજી પણ જરૂર પડશે તો નાઈટ કેમ્પ કરવામાં આવશે. જાે દિવસ દરમિયાન વેકસીન લઈ ન શકે તેવા લોકો માટે રાતે કેમ્પ કરીને રસી આપવામાં આવી રહી છે.
તંત્ર તરફથી અમદાવાદ જિલ્લાના ગામડામાં રાત્રે કેમ્પ કરવામાં આવ્યા હતા. જેમાં લોકોએ સારો પ્રતિસાદ આપ્યો છે. વેક્સીનની ૧૦૦% કામગીરી પૂર્ણ કરવા માટે અમદાવાદ રૂરલ હેલ્થ વિભાગની ટીમ રાત-દિવસ પ્રયાસ કરી રહી છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૧૩ કેસ નોંધાયા છે.
જેની સામે ૧૦ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૧૦,૦૮૧ થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર ૯૮.૭૬ ટકા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૭,૪૮,૦૫૧ વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યારસુધીમાં ૪,૭૦,૦૯,૨૧૬ ડોઝ કોરોના વેક્સીનના આપવામાં આવ્યા છે.SSS