ગામડી ગામની આસ્થા સખી મંડળની બહેનોએ ઇકો ફ્રેન્ડલી માટીની ગણેશજીની મૂર્તિઓનું નિર્માણ કર્યું
પર્યાવરણની રક્ષા કાજે આસ્થા સખી મંડળની બહેનોની આગવી પહેલ-૩ થી ૪ બહેનોની સાથે કરેલ શરૂઆતથી આજે ૪૦ થી ૫૦ બહેનો જોડાઇ છે
આણંદ ગણેશ મહોત્સવના તહેવારની ઉજવણી દરમિયાન ગણેશજીની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવે છે અને સ્થાપના બાદ તમામ મૂર્તિઓને પ્રણાલિગત નદી, તળાવમાં વિસર્જન કરવામાં આવે છે. સામાન્ય રીતે આવી મૂર્તિઓ ખાસ કરીને પી.ઓ.પી. (પ્લાસ્ટર ઓફ પેરિસ)માંથી બનાવવામાં આવતી હોય છે જેમાં કેમિકલયુકત રંગોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જેના કારણે પાણીમાં વિસર્જન કરવામાં આવતાં પાણીજન્ય જીવો નાશ પામતા હોય છે તેમજ કેમિકલયુકત પાણી પર્યાવરણને પણ નુકશાન થતું હોય છે.
આમ પર્યાવરણ અને પાણીજન્ય જીવોના રક્ષણ માટે સરકારશ્રી દ્વારા ઇકો ફ્રેન્ડલી માટીની ગણેશજીની મૂર્તિઓની સ્થાપના કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે જેથી પર્યાવરણ અને પાણીજન્ય જીવોની રક્ષા થઇ શકે.
આ માટે આણંદના ગામડી ગામની આસ્થા સખી મંડળની બહેનોએ આગવી પહેલ કરીને ઇકો ફ્રેન્ડલી માટીના ગણેશજીની મૂર્તિઓનું નિર્માણ કરીને આણંદ ખાતેના વૃંદાવન ગ્રાઉન્ડમાં ઇકો ફ્રેન્ડલી માટીના ગણેશજીની મૂર્તિઓના વેચાણ અર્થે સ્ટોલ ઉભો કર્યો છે જેને ખૂબ જ પ્રોત્સાહક પ્રતિસાદ સાંપડી રહ્યો છે.
આસ્થા સખી મંડળના કોમલબેન ચૌહાણએ એક મુલાકાતમાં પાણીને પ્રદૂષણથી મુકત રાખવા, પર્યાવરણની જાળવણી તેમજ પાણીજન્ય જીવોના રક્ષણ માટે અમારી મંડળની બહેનોએ માટીના ગણેશજીની મૂર્તિઓ બનાવવાનું શરૂ કર્યું છે. ૩ થી ૪ બહેનોથી શરૂ કરેલ આ કાર્યમાં આજે ૪૦ થી ૫૦ બહેનો જોડાયેલી છે તેમ જણાવતાં તેમણે કહ્યું કે આ મૂર્તિઓ બનાવવાનો પ્રારંભ અમે જાન્યુઆરી માસથી કરીએ છીએ. મંડળે શરૂઆત ૫૦ થી ૬૦ મૂર્તિઓ બનાવવાની કરી હતી અને આજે અમે અંદાજે નાની-મોટી થઇ ૫૦૦ થી ૧૦૦૦ મૂર્તિઓ બનાવીએ છીએ.
આ મૂર્તિઓ બનાવવાની કામગીરી સાથે જોડાયેલ બહેનોને રોજી પેટે ૧૦૦ થી ૧૫૦ રૂપિયા મળી રહી છે. અમારૂં આ મંડળ ગણેશજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવવાની સાથે સાડી પેચ વર્કની પણ કામ કરે છે. આ ઉપરાંત અમારૂં મંડળ મિશનલ મંગલ સાથે જોડાયેલ હોઇ ર થી ૩ લાખની લોન સબસીડી સાથેની મળવાની સાથે રીવોલ્વીંગ ફંડ મળેલ છે. બહેનોને લોન પણ મળે છે. બહેનો દ્વારા રૂા.૧૦૦/-ની બચત કરવામાં આવે છે. તેમજ રૂા. ૧૫,૦૦૦ રીવોલ્વીંગ ફંડ પેટે મળે છે. ૧૦ બહેનોનું એક મંડળ હોય છે તે રીતે આ મંડળની સાથે ૧૦૦ મહિલાઓ જોડાયેલ હોઇ ૧૦ મંડળો જોડાયેલા છે.
શ્રીમતી કોમલબેનએ ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓનું વેચાણ કેવું રહે છે તેના જવાબમાં કહ્યું કે, ચાલુ વર્ષે ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓની માંગ સારી છે, લોકોમાં જાગૃતિ આવી છે જેથી એક જ દિવસમાં ૯૦ ટકા જેટલું વેચાણ થવા પામ્યું છે.
ખંભાતથી આણંદ ખાતે ઇકો ફ્રેન્ડલી માટીના ગણેશજીની મૂર્તિ ખરીદવા આવેલ દેવેન્દ્રભાઇ બ્રહ્મભટ્ટને પૂછતાં તેમણે કહ્યું કે જેઓ છેલ્લા આઠ વર્ષથી પી.ઓ.પી.ની મૂર્તિ ખરીદતા હતા જે પી.ઓ.પી.ની મૂર્તિ કેમિકલયુકત હોઇ પ્રદૂષણ માટે ખરાબ હતી તેમજ પાણીમાં રહેતા નાના-નાના જીવજંતુઓને પણ નુકશાન થતું હતું પાણીમાં મૂર્તિ જલ્દી ઓગળતી ન હોવાથી પર્યાવરણને પણ અસર થાય છે
જયારે માટીની મૂર્તિના કારણે પર્યાવરણ કે પાણીને નુકશાન થતું નથી તેટલું જ નહીં પણ ઘરે જ પાણીમાં, કૂંડામાં કે તુલસી કયારામાં મૂર્તિને વિસર્જન કરી શકાય છે અને આસ્થા પણ જળવાઇ રહેતી હોઇ હવેથી અમે ઇકો ફ્રેન્ડલી માટીના ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવાનું નકકી કર્યું છે અને આજે હું આ ઇકો ફ્રેન્ડલી માટીની ગણેશજીની મૂર્તિ લઇ રહ્યો છું. આમ આસ્થા સખી મંડળની બહેનોએ એક આગવી પહેલ કરીને અનેક સખી મંડળની મહિલાઓને પ્રેરણા પૂરી પાડી છે. (સંકલન : દિપક ભટ્ટ)