Western Times News

Gujarati News

ગામના સરપંચ અને ઉપસરપંચે જ ગેરકાયદેસર રીતે સ્મશાનનો કબ્જાે કર્યો

પ્રતિકાત્મક

સેલોદ ગામે સ્મશાનની જગ્યા પર ગેરકાયદેસર કબ્જાે કરાતા વિરોધ

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સેલોદ ગામે આદિવાસી સમાજના સ્મશાનની જગ્યા પર ગામના એક ઈસમ જે મામલતદારનો હોદ્દો ધરાવે છે તે અને સેલોદ ગામના સરપંચ અને ઉપસરપંચ દ્વારા ગેરકાયદેસર રીતે ખોદકામ કરીને કબ્જાે કરવાનું કૃત્ય કરાયુ હોવાના આક્ષેપ સાથે આજે ગ્રામજનો તથા પંચાયતના ચૂંટાયેલા સભ્યો એ ઝઘડિયા મામલતદારને લેખિતમાં આવેદન આપી કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરી હતી.

આવેદનમાં જણાવાયા મુજબ સેલોદ ગામે નદીના કિનારે ૫ એકર જેટલી જગ્યા ધરાવતા આ સ્મશાનમાં આદિવાસી સમાજ દ્વારા મૃતકોની અંતિમવિધિ કરવામાં આવે છે.ગામના નવનીતભાઈ પરસોત્તમભાઈ પટેલ નામની વ્યક્તિ જે મામલતદારનો હોદ્દો ધરાવે છે,તેમના દ્વારા સ્મશાનની આ જગ્યામાં જેસીબી થી ખોદકામ કરીને જમીનનો કબ્જાે લેવાનું કૃત્ય કરાયુ છે.

આ આક્ષેપ સાથે ગ્રામજનોએ વધુમાં જણાવ્યું હતુકે સેલોદના સરપંચ રેશ્માબેન ભગત અને ડેપ્યુટી સરપંચ અલ્પેશ પટેલની જાણમાં તેમજ તેમની મદદગારી હેઠળ આ કૃત્ય કરાયું હોવાનું જણાવાયુ હતુ.ઉપરાંત સ્મશાનમા દફન કરેલ કબરોની લગોલગ ખોદકામ કરીને ગ્રામજનોની લાગણી દુભાય તેવું કૃત્ય કરાયુ છે.

આ ઈસમ મામલતદાર જેવા હોદ્દા પર હોઈ સત્તાનો દુરુપયોગ કરીને જમીન માફિયા જેવી પ્રવૃત્તિ કરતા હોવાનો આક્ષેપ કરીને ગ્રામજનોએ વધુમાં જણાવ્યુ હતુ કે ખોટી લોભામણી વાતો કરીને વિવિધ પ્રોજેક્ટના નામે ઝઘડિયા જીઆઈડીસીની કંપનીઓ માંથી રૂપિયા કઢાવીને પોતાના રોટલા શેકતા હોય છે.

ઉપરાંત લોકોને ગેરમાર્ગે દોરીને ગામના લોકોમાં ફાટ ફુટ પાડવાની તથા ગામની એકતા તોડવાની પ્રવૃત્તિ કરતા હોવાનું પણ આવેદનમાં જણાવાયુ હતું.નવનીતભાઈ દ્વારા તમારાથી થાય તે કરીલો,મારો વાળ પણ વાંકો નહિ થાય એમ કહીને ધમકી અપાતી હોવાના આક્ષેપ સાથે આ કથિત માથાભારે અધિકારીને તાકીદે હોદ્દા પરથી દુર કરાય તેવી ગ્રામજનોએ માંગ કરી હતી

અને આ બાબતે કાયદેસર તપાસ હાથધરીને પગલા લેવાની પણ આવેદનમાં માંગ કરવામાં આવી હતી.ગ્રામજનો દ્વારા તથા પંચાયતના ચુંટાયેલા સભ્યો દ્વારા આવેદન પત્ર ની નકલ સાસંદ મનસુખભાઈ વસાવા જિલ્લા કલેકટર ભરૂચ, નાયબ કલેકટર ઝઘડિયા સર્કલ ઓફિસર ઝઘડિયા, તલાટી કમ મંત્રી સેલોદને રવાના કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.