ગામની દરેક વ્યક્તિ યુટ્યુબ ચેનલ પર પ્રતિભા રજૂ કરે છે
ચેન્નાઈ, તમિલનાડુના પાલામારનેરી ગામના લોકોને આ નવી કહેવત ખૂબ જ સારી રીતે લાગુ પડે છે. તિરૂચિરાપલ્લી અને થંજાવુર વચ્ચે કાવેરી નદીના કિનારે આવેલું આ ગામ આજકાલ ખૂબ જ ચર્ચામાં છે.
પાલામારનેરી ગામના શાળાએ જતા બાળકથી માંડીને ઘરડાં દાદીમા પણ તેમના ગામની થીમ આધારિત ચેનલ માટે તેમને સોંપવામાં આવેલા કામ કરે છે. આ ચેનલનું સત્તાવાર નામ તો ‘પાલામારનેરી પંજાયતુ’ છે પરંતુ સમગ્ર થંજાવુર જિલ્લામાં તે ગામ સિનેમા વિલેજ તરીકે પ્રખ્યાત છે. આ ગામના દરેક લોકો ચેનલ દ્વારા પોતાની નૃત્યથી માંડીને ખેતી સહિતની પ્રતિભાઓ વિશ્વ સમક્ષ રજૂ કરે છે.
આ લોકપ્રિય યુટ્યુબ ચેનલના સંસ્થાપક કલૈયારાસનના કહેવા પ્રમાણે તેમને પોતાની ચેનલ ચલાવવા માટે ચમકદાર શહેરોના પ્રખ્યાત લોકોને નોકરીએ રાખવાનું પોસાય તેમ નથી.
આ કારણે તેઓ તેમના ગામના લોકોને જ વીડિયો બનાવવા માટે જરૂરી કૌશલ્ય શીખવે છે અને આકરી મહેનત બાદ સંતોષજનક પરિણામો મેળવે છે. સિનેમા વિલેજના વીડિયોમાં, ખાસ કરીને ૧૯૮૦ના દાયકાના તમિલ લોકગીતોની કોરિયોગ્રાફ સિક્વન્સમાં પાલામારનેરી પંચાયતથી થોડે દૂર આવેલી ગ્રાન્ડ એનિકટ નહેરને સુંદર રીતે દર્શાવવામાં આવે છે. તમિલ સિનેમાના ગોલ્ડન એરાને દર્શાવતા આ ગીતોમાં ડાંગર-કેળના ખેતરો, વહેતા પાણી વગેરેએ સૌ પ્રથમ નેટિઝન્સનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.
ખેતમજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા દંપતીના ત્યાં જન્મેલા કલૈયારાસને જ્યારે પોતાની યુટ્યુબ ચેનલ શરૂ કરવાનું નક્કી કર્યું ત્યારે તે દરરોજ ૭ કિમી સાઈકલ ચલાવીને પુથાલુર જતો અને ત્યાંથી એક કલાકની રેલવેની મુસાફરી દ્વારા ત્રીચી (તિરૂચિરાપલ્લી) પહોંચીને એડિટિંગ શીખતો હતો.
તે સમયે કોઈની મદદ વગર આગળ વધવામાં પ્રારંભિક ખર્ચનો સામનો કરવો પણ મુશ્કેલ બન્યો હતો. જાેકે તેના અનન્ય એડિટિંગ અને સિનેમેટોગ્રાફીની શૈલી, પૌરાણિકતા અને સૌંદર્યના સંયોજન વગેરેએ તેના દર્શકોને જકડી રાખવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. સોશિયલ મીડિયામાં લોકપ્રિય થયા બાદ આજુબાજુના ગામના લોકો પણ તેના પાસે શીખવા માટે આવી રહ્યા છે.
કલૈયારાસનની યુટ્યુબ ચેનલના આશરે ૫ લાખ સબસ્ક્રાઈબર્સ છે અને તેને ૧૩ કરોડથી પણ વધારે વ્યૂ મળી ચુક્યા છે જેના કારણે અથાગ પરિશ્રમ બાદ આવકનો એક નિયમિત સ્ત્રોત પણ ઉભો થયો છે. ફિલ્મી ગીતો ઉપરાંત તે પોતે રચેલા ગીતો દ્વારા ગામડાના સાંસારિક જીવન, પ્રેમ, વાસના, દગો, ખોવાયેલા પ્રેમ, ખેતીની તકલીફો વગેરે રજૂ કરે છે. વીડિયોગ્રાફર અને એડિટર બાદ કલૈયારાસન પોતાના વીડિયો માટે ગીતકાર અને પ્રોડ્યુસર પણ બન્યો છે. એકતરફા પ્રેમની થીમ પરના તેના એક ગીતે ૧.૫ કરોડ વ્યૂ મેળવ્યા છે.
કલૈયારાસનના કહેવા પ્રમાણે એક સમયે લોકગીતો વગેરે ગ્રામીણ મજૂરોના મનોરંજનનું એકમાત્ર માધ્યમ હતું પરંતુ આ લોકકલાને આધુનિક માધ્યમોમાં પણ સ્થાન મળવું જાેઈએ. થંજાવુર અશિક્ષિત લોકકલાકારો અને ગાયકોથી ભરેલું છે. ગામના લોકો કલૈયારાસનને ભગવાન સમાન માને છે.
લોકોના કહેવા પ્રમાણે જાે કલૈયારાસન ન હોત તો તેમને ખબર જ ન પડેત કે તેમના બાળકો પણ ફિલ્મ સ્ટાર્સની માફક ગાઈ અને નાચી શકે છે. શૂટિંગના દિવસે ગામમાં ઉત્સવ જેવો માહોલ સર્જાય છે. મહિલાઓ અને બાળકો એકબીજાને જાતે બનાવેલા પોશાક પહેરાવી તૈયાર થવામાં મદદ કરે છે જ્યારે ઉંમરલાયક લોકો ભોજનની તૈયારી કરે છે અને પિકનિક જેવું વાતાવરણ બની જાય છે.
કલૈયારાસને જણાવ્યું કે, ગામના મોટા ભાગના લોકો પાસે કોઈ જમીન નથી અથવા તો તેઓ ખેતમજૂરી-શહેરોમાં કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. યુવાનો કમાવવા માટે ગામની બહાર જાય છે પરંતુ તેમના મનમાં હંમેશા પોતાના ગામ જાય ત્યારે વીડિયોનો હિસ્સો બનવા માટેની ઉત્તેજના વ્યાપેલી હોય છે.
ગામલોકોના સહિયારા પ્રયત્ન વડે ચાલતી આ યુટ્યુબ ચેનલના કારણે લોકોના મનમાં રહેલો કેમેરા સામે ઉભા રહેવાનો ડર દૂર થયો અને તેમનામાં છુપાયેલી પ્રતિભા બહાર આવી છે.
ત્રીજા ધોરણમાં ભણતો અલ્વિન મોટો થઈને ડાન્સ સ્ટેપની કોરિયોગ્રાફી કરવા માગે છે અને ઈસુના ઉપદેશના વીડિયો તૈયાર કરવા માગે છે. ૧૬ વર્ષીય બાલા વીડિયોમાં લોકપ્રિય તમિલ કોમેડિયન સેંથિલની મિમિક્રી કરે છે. કોરોનાના કારણે દેવું થઈ જતાં પરિવારની મદદ માટે તે હાલ ઈંટોના ભઠ્ઠામાં કામ કરે છે પરંતુ જલ્દી જ તે ફરી શૂટનો હિસ્સો બનવા માગે છે અને ઉદાસ થાય ત્યારે પોતાની અભિનયની સુખદ યાદોને મનમાં વાગોળી લે છે.
બી.કોમ.ના બીજા વર્ષની વિદ્યાર્થીની બોમ્મી પણ થંજાવુર પટ્ટામાં તેની ગાયકીને લઈ લોકપ્રિય બની ગઈ છે અને કલૈયારાસને લખેલા એક ગીત માટે તેને ૧૦ લાખ વ્યૂ મળ્યા છે.SSS