ડાંગ જિલ્લાના ગામની દીકરીએ ડ્રેનેજ સાફ કરવાનું અનોખું યંત્ર બનાવ્યું
પિતાવિહોણી દીકરીના ડ્રેનેજ સફાઇ મશીન બનાવવાની ખાસ સિદ્ધિઃ ગ્રામ્ય દિકરી આશા જાપાનમાં યંત્ર દર્શાવશે –યંત્રની રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી થતાં જાહેર સન્માન
અમદાવાદ, ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં આવેલ દગડીઆંબા ગામે રહેતી આશા પવારે ડ્રેનેજ સાફ કરવાનું અનોખુ યંત્ર બનાવીને રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામતાં તેનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. આદિવાસી પંથકની દિકરી આશાનું ડ્રેને જ સફાઇ કરતું આ યંત્ર હવે દેશ અને દુનિયાની નજરે ચઢતાં હવે તેણી જાપાન જવાની તૈયારીઓમાં લાગી ગઈ છે અને ત્યાં પણ તેના સંશોધનના ઓજસ પાથરશે.
તેની આ અનોખી સિધ્ધિ બદલ આશા પવારનું નવસારી વિરવાડી હનુમાન ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં આવેલ દગડીઆંબા ગામે રહેતી આશા પવાર જે પિતાની છત્રછાયા બાળપણથી ગુમાવી ચુકી છે. છેવાડાના આદિવાસી જિલ્લાની આશા પવારે ન તો ડ્રેનેજ જોઈ છે કે ભૂગર્ભ ડ્રેનેજ પરંતુ આ વિદ્યાર્થીનીએ શાળાના વિજ્ઞાન મેળામાં ગટર સાફ કરવા માટેનું યંત્ર બનાવ્યું હતું.
જેની પસંદગી રાષ્ટ્રીય કક્ષાએ થઈ છે. દેશમાંથી આવેલ ૮૫૦ કૃતિઓમાંથી ૬૬ પસંદ કરવામાં આવી હતી, જેમાં દગડીઆંબા ગામની શાળાની ગટરસાફ કરતું યંત્ર પણ પસંદ કરવામાં આવ્યું છે જેને લઈને વિરવાડી હનુમાન ટ્રસ્ટ દ્વારા આદિવાસી પંથકની આ દિકરી આશાનું સમ્માન કરવામાં આવ્યું હતું. એક વર્ષમાં આપણા ભારત દેશમાં સર્વે મુજબ અંદાજીત ૩૦ હજાર સફાઈ કામદારો ગટરમાં ઉતારવાના કારણે મૃત્યુ પામતા હોય છે, જે ન બને તે માટે આશાએ એક આશ બાંધી હતી અને તેમાં સફળતા મળતા આશા પવારે મશીન બનાવ્યું છે, જેના થકી ગટરનું પાણી કે કચરો સીધો બહાર આવી શકે છે.
જે પ્રોજેકટને તૈયાર કરવા માટે દાગડીઆંબાના શિક્ષકે પણ આશાને સારો સહકાર આપ્યો હતો, તો સાથે વિરવાડી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તેને દત્તક લઈને વધુ પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. અનેક બાળકીઓમાં રહેલી શક્તિઓને ખીલાવવા માટે સદાય અગ્રેસર રેહતા લોકોએ આ દીકરીને સન્માનિત કરી છે જેના કારણે અન્ય દિકરીઓમાં આ પ્રકારના સંશોધનાત્મ કાર્યો કરવાની પ્રેરણા મળી રહે.