ગામને સ્માર્ટ વિલેજ બનાવવા તનતોડ મહેનત કરી રહ્યા છે, આ મહિલા સરપંચ

મોડાસાના સરડોઈને સ્માર્ટ વિલેજ બનાવવાની કામગીરી પૂરજાેશમાં- આ ઉપરાંત ગામના મુખ્ય અને આંતરિક રસ્તામાં સાફ સફાઈ, પીવાના પાણીનું આયોજન, વિવિધ યોજનાના સહાય ફોર્મ સહિત કામગીરી પુરજાેશમાં ચાલી રહી છે.
મોડાસા, મોડાસા તાલુકાના સરડોઈના નવ નિયુક્ત સરપંચ ઉષાબા જગદત્તસિંહજી પૂવાર અને તેમની ટીમ દ્વારા ચૂંટણીમાં આપેલ વચનને અનુરૂપ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. ગામના મુખ્ય અને આંતરિક રસ્તામાં સાફ સફાઈ, પીવાના પાણીનું આયોજન, વિવિધ યોજનાના સહાય ફોર્મ સહિત કામગીરી પુરજાેશમાં ચાલી રહી છે.
સરપંચ ઉષાબાના જણાવ્યા મુજબ, મારા પતિ અને પૂર્વ સરપંચ જયદત્તસિંહજી પુવારનું સરડોઈ ગામને સ્માર્ટ વિલેજ બનાવવાનું જે સ્વપ્ન છે, તે સ્વપ્ન પૂર્ણ થાય અને ગામ લોકોની સુખાકારી વધે તે દિશામાં પંચાયત આગળ વધી રહી છે. તેમણે ગ્રામજનોને પાણીનો બગાડ ન કરવા અને સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી.
આસપાસના ગામના નાગરિકો પણ સરડોઈમાં થઈ રહેલા વિકાસના કામની પ્રશંસા કરે છે. ગામ અને આજુબાજુના ગામના નાગરિકોને પણ વિવિધ પ્રકારની સરકારી સહાય યોજના, સ્પર્ધાત્મક પરીક્ષા અને રોજબરોજના કામગીરીમાં તકલીફ ન પડે તેનું આયોજન પૂર્વ સરપંચ જયદત્તસિંહજી પૂવાર દ્વારા કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે સરડોઈમાં જન સેવા કેન્દ્ર પણ ચાલુ કર્યું છે.
પૂર્વ સરપંચ જયદત્તસિંહજી પૂવાર કે જેઓ મોડાસાની ખ્યાતનામ તત્વ ઈજનેરી કોલેજના ડિરેક્ટર પણ છે, તેમણે ગુજરાત ટેકનાલોજીકલ યુનિવર્સિટીના અભ્યાસક્રમને અનુલક્ષીને વિશ્વકર્મા પ્રોજેક્ટ હેઠળ વિદ્યાર્થીઓને સરડોઈ ગામની મુલાકાતે બોલાવ્યા હતા.
આ મુલાકાતમાં તત્વ ઇજનેરી કોલેજના વિદ્યાર્થીઓની સાથે આચાર્ય ડો.કિરન દરજી, વિવિધ શાખાના અધિકારીઓ, પ્રા.રાકેશ શાહ અને સંસ્થાના ક્ચેરી અધિક્ષક પણ જાેડાયા હતા અને સરડોઈ ગામને સ્માર્ટ વિલેજ બનાવવાની દિશામાં આગળ વધવા માર્ગદર્શન આપ્યું હતું.