Western Times News

Gujarati News

ગામમાં કચરો ફેંકનારને ૨૦૦નો દંડ ફટકારાય છે

ફોટો મોકલનારાને ૫૦ રૂપિયાનું ઈનામ: નાંદોદના વડીયા ગામની પંચાયતની બે દિવસ પૂર્વે અનોખી ડ્રાઈવ

વડોદરા, તમારા પાડોશી અથવા આસપાસના લોકો જાહેરમાં કચરો નાખતો હોય તો ફોટો પાડીને મોકલો અને ૫૦ રૂપિયા કમાઓ! નર્મદા જિલ્લામાં એક આદિવાસી ગામ કચરા મુક્ત રહે તે સુનિશ્ચિત કરવા અનોખો પ્રયોગ શરૂ કર્યો છે. વડીયા ગ્રામ પંચાયત વિસ્તારમાં જાહેરમાં કચરો ફેંકનાર પાસેથી ૨૦૦ રૂપિયા દંડ વસૂલવાની સાથે જે વ્યક્તિ જાહેરમાં કચરો ફેંકનારનો ફોટો પાડીને મોકલશે તેને ૫૦ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે. નાંદોદ તાલુકાના વડીયા ગામની પંચાયતે બે દિવસ પહેલા આ ડ્રાઇવ શરૂ કરી હતી અને હવે તેના પરિણામો મળી રહ્યા છે.

ગામના સરપંચ મહેશ રાજવાડીએ જણાવ્યું હતું કે, અમે અભિયાન શરૂ કર્યું છે જેમાં લોકોને જાહેર સ્થળોએ કચરો ફેંકતા ફોટોગ્રાફ્સ ક્લિક કરવાનું કહેવામાં આવી રહ્યું છે. અમે એક વોટ્‌સએપ નંબર જાહેર કર્યો છે જેના પર લોકો ફોટા મોકલી શકે છે. ફોટા મોકલનારને અમે ૫૦ રૂપિયાનું ઇનામ આપીશું. તેમજ જાહેર સ્થળોએ અથવા તેમના ઘરની નજીક કચરો નિકાલ કરતા પકડાયેલા લોકોને ૨૦૦ રૂપિયા દંડ વસૂલવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.

‘અમારી પાસે ડોર-ટુ-ડોર કચરો ઉપાડવાની વાન સેવા છે જે બે વર્ષ પહેલા વડાપ્રધાનની સ્વચ્છતા અભિયાન ડ્રાઇવ હેઠળ શરૂ થઈ હતી. તેમજ દરેક ઘરમાં ડસ્ટબિન આપવામાં આવી હતી. પરંતુ અમે જોયું કે ઘણા લોકો ખુલ્લામાં કચરાનો નિકાલ કરે છે. રજવાડીએ અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે, ગંદકીના કારણે ગામનો દેખાવો બગડી ગયો છે, સાથે સાથે રોગોનું જોખમ પણ વધ્યું છે.

રસપ્રદ વાત એ છે કે, લગભગ ૩૫૦૦ની વસ્તી ધરાવતા આ ગામના મોટાભાગના રહેવાસીઓએ નવી પેનલ્ટી સિસ્ટમ સ્વીકારી છે. પંચાયત દ્વારા ગામમાં જાહેર સ્થળોએ કચરા ન ફેંકવાના ચેતવણી આપતા પોસ્ટર ચોંટાડવામાં આવી રહ્યા છે. સ્થાનિકોએ ફોટા ક્લિક કરવાનું અને વોટ્‌સએપ નંબર પર મોકલવાનું શરૂ કરી દીધું છે. ગામના તલાટી દેવેન્દ્ર જોશીએ જણાવ્યું હતું કે બુધવારે કેળાના વેપારીને જાહેર સ્થળે કચરો નિકાલ કરતા હોવાના ફોટા મળ્યા પછી અમે તેને દંડ ફટકાર્યો હતો.

તલાટીએ વધુમાં ઉમેર્યું કે, આ ડ્રાઈવ ગામલોકોને એક સંદેશ છે કે, તેમની પર નજર રાખવામાં આવી રહી છે. આ ડ્રાઇવ તેમની ટેવો બદલવામાં ઘણી સારી રીતે મદદ કરશે. અમે કચરા વેન ચાલકને અનુકૂળ સમયે દરેક ઘરમાંથી કચરો ઉપાડવા સૂચના આપી છે.’SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.