ગામમાં ચાલતો હતો ક્રિકેટનો કરોડોનો સટ્ટો, 20.40 લાખ જપ્ત
બાયડના વાત્રક રોડ પર આવેલા જનમંગલ કોમ્પલેક્ષમાં આવેલી એક ઓફિસમાંથી બાયડ પોલીસે બે સટોડિયાઓને રંગેહાથ ઝડપી પાડ્યા
(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) અરવલ્લી જીલ્લામાં IPL ક્રિકેટની મોસમમાં સટોડિયાઓ ફરી સક્રિય થયા હોય તેવી બાતમીના આધારે બાયડના વાત્રક રોડ પર આવેલા જનમંગલ કોમ્પલેક્ષમાં આવેલી એક ઓફિસમાંથી બાયડ પોલીસે બે સટોડિયાઓને રંગેહાથ ઝડપી પાડ્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
વધુ પ્રાપ્ત માહિતી મુજબ, બાયડ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર શિલ્પા પરમારે બાતમીના આધારે બાયડના વાત્રક રોડ પર આવેલા જનમંગલ કોમ્પલેક્ષમાં આવેલી એક ઓફિસમાં રવિવારે રાત્રે દરોડો પાડી ઓફિસમાં બેસીને ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે ઓનલાઈન સટ્ટો રમતા બે વ્યક્તિઓને રંગેહાથ ઝડપી પાડયા છે
વધુ પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ, બાયડના જનમંગલ કોમ્પલેક્ષની ઓફિસમાંથી પોલીસે સંતોષીનગર, નિઝામપુરા, વડોદરાના રહીશ જયેશ હીરાલાલ ઠક્કર અને વાઘોડિયા જી. વડોદરાના જ સચિન ઠાકોરભાઈ શાહને આબાદ રંગેહાથ ઝડપી લઈ જેલ હવાલે કર્યા છે.
બાયડ પોલીસને અન્ય બે આરોપીઓ લાલો અને બંટી હાથ ના લાગતાં તેમની સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે. બાયડ પોલીસને સ્થળ પરથી દરોડામાં ૧૯, ૨૦૦/-રૂપિયાની રોકડ, ઓગણીસ લાખ રૂપિયાની વૈભવી કાર નં. GJ-12 FA 1161,
તથા ૧,૦૫૦૦૦/-રૂપિયાના ચાર મોબાઇલ,ટીવી સેટઅપ બોક્સ, રિમોટ સહિત કુલ રૂપિયા ૨૦,૪૦,૯૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરી સમગ્ર પ્રકરણમાં બાયડ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર શિલ્પા પરમારે જાતે ફરિયાદી બની ગુનો નોંધી વધુ તપાસ માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.