Western Times News

Gujarati News

ગાયત્રી પરિવાર દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક હટાવો  પર્યાવરણ બચાવો-વિશેષ સંદેશો  અપાયો

મોડાસા : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ પર મોડાસા ગાયત્રી પરિવારના ભાઈઓ બહેનો દ્વારા સ્વચ્છતા અંગેની જાગૃતિ તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિક હટાઓ માટે તથા પ્લાસ્ટિકના કચરાથી થતાં પર્યાવરણને નુકશાનથી બચવા આજે રેલીની સાથે સૌએ સ્વયં રસ્તાઓ પર પડેલા પ્લાસ્ટિકના કચરાને ઉપાડી આમજનતાને સંદેશો આપવામાં આવ્યો.

ગાયત્રી પરિવારના અગ્રણી કાર્યકર્તા હરેશભાઈ કંસારા ના જણાવ્યાનુસાર ભારતના વડાપ્રધાનશ્રીએ સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રની જનતાને પ્લાસ્ટિકના કચરાથી પર્યાવરણને બચાવવામાં જાગૃતિ માટે મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિથી વિશેષ આંદોલન શરૂ કરવા આહવાન કર્યું હતું તેમજ ગાયત્રી પરિવાર હમેશા સ્વચ્છતા અંગેની જાગૃતિ માટે સ્વયં ઉદાહરણ બની આમ જનતાને જાગૃતિ માટે સંદેશો આપવા સતત પ્રયત્નશીલ રહે છે.

સ્વચ્છતા અભિયાન માટે આજના વિશેષ દિવસ પર ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે સૌ ભાઈઓ બહેનો એકત્રિત થયા. આજના દિવસે સિંગલ યુઝ પ્લાસ્ટિક હટાઓ માટે સ્વયં ઉદાહરણ બની સૌએ પોતાના જીવનમાં ઉપયોગ ન કરવા સંકલ્પ કર્યો.

ગાયત્રી ચેતના કેન્દ્રથી આઈ.ટી આઈ સમગ્ર માલપુર રોડ પર પડેલ પ્લાસ્ટિકના કચરાને આ પીતવસ્ત્ર ધારીઓએ પોતાના હાથે ઉપાડી આ માર્ગને પ્લાસ્ટિકના કચરા મુકત બનાવી આમ જનતાને સિંગલ યુઝ પ્લાસ્ટિક બંધ કરવા, પ્લાસ્ટિકના કચરાથી પર્યાવરણને થતાં નૂકશાનને બચાવવા લાઉડસ્પીકર દ્વારા સતત સંદેશો આપવામાં આવ્યો.

આ રેલી સાથે પ્લાસ્ટિકનો કચરો ઉપાડવાના આજના આ કાર્યક્રમના શુભારંભમાં મોડાસા નગરપાલિકાના પ્રમુખશ્રી સુભાષભાઈ શાહ તથા ગાંધીનગરથી સ્વચ્છ ભારત મિશનના પ્રોજેકટ ઓફિસરશ્રી (અર્બન) અમીબેન દ્વારા મશાલ પ્રગટાવી હતી. મોડાસા નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી પ્રણવભાઈ પારેખ,  નગરપાલિકાના કારોબારી અધ્યક્ષશ્રી રુપેશભાઈ ઝાલા આ અભિયાનમાં સામેલ રહી કાર્યક્રમની સફળતા માટે ઉત્સાહમાં વધારો કર્યો હતો.

ગાયત્રી પરિવારના વિશેષમાં ધર્માભાઈ પટેલ, કાન્તિભાઈ ચૌહાણ, કિરીટભાઈ સોની, અરવિંદભાઈ કંસારા , સોમાભાઈ બારોટ, મુકેશભાઈ સુરાની, અમૃતભાઈ પટેલ,કેશુભાઈ શર્મા, નવીનભાઈ ત્રિવેદી, પરેશભાઇ ભટ્ટ સહિત અનેક પરિજનો તથા મહિલા મંડળની બહેનો જોડાઈ આ  અભિયાનમાં સ્વયં પ્લાસ્ટિક કચરો ઉપાડી જનજાગૃતિ માટે સંદેશો પુરો પાડ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.