ગાયના દૂધથી ડાયાબિટીસ થવાની વાત અફવા છે

પ્રતિકાત્મક
નવી દિલ્હી: દૂધને સંપૂર્ણ આહાર માનવામાં આવે છે. માણસ સમગ્ર જીવનકાળ દરમિયાન દૂધને પચાવી શકે તેવી ક્ષમતા ધરાવે છે. લેક્ટોસએ મગજના વિકાસ માટે અત્યંત જરૂરી છે. જાેકે, કેટલાક લોકો માટે લેક્ટોસને પચાવવું મુશ્કેલ છે. દૂધમાંથી મળતું કેલ્શિયમ હાડકાને મજબુત કરવા માટે ખુબ જ જરૂરી છે. સ્નાયુઓના વિકાસ માટે દૂધમાંથી મળતું પ્રોટીન ખુબ જ લાભદાયી છે. દૂધના અઢળક લાભ હોવા છતાં દૂધ સ્વાસ્થ્ય માટે હાનીકારક છે અને તેનાથી ડાયાબિટીસ થાય છે કે નહી એ બાબત પર ચર્ચા થઇ રહી છે પરંતુ વૈજ્ઞાનિકોએ આ બાબતને સંપૂર્ણપણે નકારી દીધી છે. ડેટા પરથી એ બાબત સાચી ઠરી છે કે દૂધ પીવાથી ડાયાબિટીસ થતુ નથી
પરંતુ ડાયાબિટીસ સામે લડવાની તાકાત મળે છે. બહારના દેશોમાં નવજાત શિશુને સ્તનપાન કરવાના બદલે પહેલા ૬ મહિના માટે ગાયનું દૂધ પીવડાવામાં આવે છે. જેનાથી તેમની રોગપ્રતિકારક શક્તિ પર અસર થાય છે. ગાયનું દૂધ હાનીકારક નથી પરંતુ પહેલા ૬ મહિનામાં બાળકને સ્તનપાન દ્વારા જે પ્રોટીન મળવું જાેઈએ એ ખુબ જ જરૂરી છે. ગાયનું દૂધ પીવાથી ટાઇપ ૧ ડાયાબિટીસ થવાના અહેવાલોને સાયન્ટીફીક સિદ્ધાંતોએ નકારી દીધા છે. વાત કરીએ ટાઇપ ૨ ડાયાબિટીસની તો એવો કોઈ પુરાવો નથી કે જે દર્શાવે કે દૂધ પીવાથી ડાયાબિટીસ થાય છે. ડાયાબિટીસના દર્દીઓની સંખ્યામાં ભારત વિશ્વમાં બીજા સ્થાને છે
કારણ દૂધ નથી પરંતુ ભારતની અધધ વસ્તી છે કે જે વિશ્વમાં બીજા ક્રમાંકે છે. નાની વયે પુરતા પ્રમાણમાં કસરત ના કરવાથી અને જંક ફૂડ ખાવાથી વજનમાં વધારો થાય છે અને લાંબાગાળે તે ડાયાબિટીસ થવાનું કારણ બને છે. ભારત પહેલાથી જ વિશ્વમાં સૌથી વધુ કૂપોષિત બાળકો ધરાવે છે એવામાં દૂધનો વપરાશ બંધ કરવાથી ભારતમાં વધુ કૂપોષણ થઈ શકે છે. દૂધ એ ગર્ભવતી મહિલાઓ માટે પણ લાભદાયી છે. કોઈપણ અફવામાં આવ્યા વગર વૈજ્ઞાનિક તથ્ય પર ભરોસો કરવો અત્યંત જરૂરી છે.