ગાયને રોટલી ખવડાવવાનું મહિલાને ૭૦ હજારમાં પડ્યું
અમદાવાદ: લોકડાઉન બાદ શહેરભરમાં ગુનાખોરીનો ગ્રાફ વધતો જાેવા મળી રહ્યો છે. સોલામાં એક યુવતી ગાયને રોટલી ખવડાવવા ગઈ ત્યારે તેની પાસે બાઇક પર સવાર ચેઈન સનેચરો આવ્યા અને યુવતીના ગળામાંથી ૭૦ હજારની ચેઈન લૂંટી ફરાર થઈ ગયા હતા. પોલીસે આ મામલે ફરિયાદ નોંંધી તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, સોલામાં આવેલા સ્કાયલાર્ક એપાર્ટમેન્ટમાં રહેતા ૪૦ વર્ષીય વ્યાપ્તિબહેન પટેલ મંગળવારે બપોરે કામ પતાવીને ફલેટ પાસે આવ્યા હતા. ત્યાં ગાયને રોટલી ખવડાવીને તેઓ ઘરે જતા હતા. તેવામાં ભાગવત વિદ્યાપીઠ પાસે જ બે બાઈક સવાર અચાનક તેમની પાસે આવી ગયા હતા.
હજુ તો વ્યાપ્તિબહેન કંઈ જાણે તે પહેલા જ આ બાઈક પર આવેલા બે લોકોએ તેમના ગળામાં હાથ નાખીને ૭૦ હજારની મતાની પેન્ડન્ટ સાથેની સોનાની ચેઇન લૂંટી લીધી હતી.
વ્યાપ્તિબહેન બૂમાબૂમ કરે તે પહેલા જ આ બાઈક પર આવેલા શખશો પુરઝડપે ભાગી ગયા હતા. વ્યાપ્તિબહેને તેમના પરિવારજનોને જાણ કરતા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. સોલા પોલીસે આ મામલે આઇપીસી ૩૭૯ છ(૩), ૧૧૪ મુજબ ફરિયાદ નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.