ગાયો પકડવા માટે ઝોનવાઈઝ કામ કરવા મનપાનો નિર્ણય
પ્લાસ્ટીકના વેચાણ-વપરાશ સામે કડક કાર્યવાહી કરવા સુચના |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: સ્માર્ટસીટી અમદાવાદમાં તૂટેલા રોડ અને રખડતા ઢોર મુખ્ય સમસ્યા બની ગયા છે. આ બંને મુદ્દે હાઈકોર્ટની ફીટકાર મળ્યા બાદ પણ કોઈ જ સુધારો આવ્યો નથી. મ્યુનિ. કોર્પોરેશનના પાંચ ઝોનમાં જ રખડતા ઢોર પકડવાની કામગીર ચાલી રહી છે. તમામ ઝોનમાં શરૂ કરવા માટે તેમજ પ્લાસ્ટીક ના વપરાશ અને વેચાણ સામે કડક કાર્યવાહી કરવા માટે જવાબદાર અધિકારીઓને સુચના આપવામાં આવી છે.
મ્યુનિ. હેલ્થખાતા ના ચેરમેન પરેશભાઈ પટેલના જણાવ્યા મુજબ રખડતા ઢોર પકડવા માટે ઝોનવાઈઝ કામગીરી શરૂ કરવામાં આવશે. મ્યુનિ. કોર્પોરેશને છેલ્લા ચાર મહીનામાં પ૯પર ગાયો પકડી છે. જે પૈકી ૮પ૪ ગાયને માલિકો છોડાવી ગયા છે. જયારે ૪૧૬૩ ગાયોને પાંજરાપોળ મોકલી આપવામાં આવી છે. રખડતા ઢોર મામલે રૂ.૬૩.ર૪ લાખનો દંડ કરવામાં આવ્યો છે.
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ૭૯ર૬ ગાયોના રજીસ્ટ્રેશનનું કામ કરવામાં આવ્યું છે. એક અંદાજ મુજબ શહેરમાં ર૮ હજાર જેટલી ગાય છે.મ્યુનિ. કોર્પોરેશનના ડબ્બામાં ૪પ૧ બિમાર ગાય છે. જેમને સારવાર આપવામાં આવી રહી છે. કમીટી બેઠકમાં પ્લાસ્ટીક મુદ્દે પણ સઘન ચર્ચા કરવામાં આવી હતી. શહેરમાં પ્લાસ્ટીકનો વપરાશ બંધ થાય તે માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
પ્લાસ્ટીકના વેપારીઓની દુકાનો સીલ કરવામાં આવી રહી છે. મેલેરિયા ખાતા ને ફોગીંગ ની કાર્યવાહી વધુ સઘન કરવા માટે સુચના આપવામાં આવી છે. ફોગીંગ માટે ખાનગી કોન્ટ્રાકટરો પાસેથી ભાવ મંગાવવામાં આવ્યા હતા જે થોડા વધુ હોવાથી ફરીથી ટેન્ડર જાહેર કરવામાં આવશે. શહેરમાં છેલ્લા એક સપ્તાહ દરમ્યાન મેલેરિયાના ૧૦પ તથા ડેન્ગ્યુ ના ર૯ કેસ નોધાયા છે.
જયારે પ૦ ટાઈફોઈડના ૧૦૦ ઝાડા ઉલટીના ૧૦ર અને કમળાના ૩૯ નવા કેસ નોધાયા છે. મચ્છરોની ઉત્પતી નિયંત્રણમાં લેવા માટે ડોર ટુ ડોર કામગીરી કરવામાં આવી રહી છે. ખુલ્લા મેદાનો અથવા જે સ્થળે વધુ પાણી ભરાતા હોય તેવા સ્થળે ટેન્કર દ્વારા દવા છંટકાવ કરવા માટે પણ વિચારણા ચાલી રહી છે. તળાવોની સફાઈ માટે કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે.
શહેરના કેટલાક તળાવોમાં વરસાદ બાદ ગંદકી થઈ હોવાની ફરીયાદો આવી છે. તેથી તળાવોની સફાઈ કામગીરી વધુ અસરકાર થાય તે જાવા તાકિદ કરવામાં આવી છે. ડોર ટુ ડમ્પની કામગીરી સામે પણ ફરીયાદો આવી રહી છે. નાની ચાલીમાંથી કચરાનો નિકાલ થતો નથી જે અંગે જવાબદાર અધિકારને ધ્યાન રાખવા માટે સુચના આપવામાં આવી હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું.