ગાય માતાના સંરક્ષણ માટે સરકાર કટિબદ્ધ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/03/In-the-cow-mother.jpg)
પ્રતિકાત્મક
અમદાવાદ: ગૌમાંસ અને ગૌવંશ સંદર્ભે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તર આપતા ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ ગાય માતાના નામે મતોના ધૃવીકરણની રાજનીતિ બંધ કરે, ગાય માતાના રક્ષણ માટે અમારી સરકાર હરહંમેશ માટે કટીબધ્ધ છે.
ગાય માતામાં ૩૬ કરોડ દેવી-દેવતાઓનો વાસ છે અને ગાય માતા અમારી આસ્થા અને શ્રધ્ધાનું પ્રતિક છે. એટલે જ અમારી સરકાર ગૌવંશ રક્ષણ બાબતે સહેજ પણ ઢીલાશ ચલાવી લેવા માંગતી નથી. જાડેજાએ ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની આ સંવેદનશીલ સરકારે ગૌ-હત્યા સાથે સંકળાયેલા લોકો જ નહી પરંતુ તેની મદદગારી કરતા લોકોને પણ કડક સજા થાય તે માટે પશુ સંરક્ષણ અધિનિયમમાં ફેરફાર કરી કાયદો વધુ કડક બનાવ્યો છે.
ગૌ હત્યા અટકાવવા અમારી સરકારે પશુ સંરક્ષણ અધિનિયમમાં ફેરફાર કરી કાયદો મજબૂત બનાવી આ કૃત્ય સાથે સંકળાયેલા લોકોને (૧) આજીવન કેદની સજા પરંતુ ૧૦ વર્ષથી ઓછી નહી તેટલી મુદતની કેદની સજા અને રૂપિયા એક લાખથી રૂપિયા પાંચ લાખ સુધીના દંડની જોગવાઇ કરવામાં આવેલ છે. (૨) ગૌવંશની હત્યા માટે કે ગેરકાયદેસર હેરફેર માટે વપરાશમાં લેવાયેલ વાહનો રાજ્યસાત કરાશે (૩) ગૌવંશ હત્યાના તમામ ગુનાઓ બિન જામીનપાત્ર બનાવવામાં આવ્યા છે.
(૪) ગૌવંશના પશુઓની હેરફેર માટે પરમીટ મેળવેલી હશે તેવા કિસ્સામાં પણ સાંજના ૭ઃ૦૦ વાગ્યાથી સવારના ૫ઃ૦૦ વાગ્યા સુધી પશુઓની હેરફેર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, આ ધરતી પર જેને ગાયમાતા ઉપર દયા આવતી નથી તેના પર આ સરકારને પણ હરગીઝ દયા નહી આવે. સરકારે કાયદામાં કરેલા સુધારા બાદ હવે અગાઉની સાપેક્ષમાં ગૌ-હત્યાની પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. મંત્રીએ પૂરક પ્રશ્નના પ્રત્યુત્તરમાં જણાવ્યું કે, તમે ગાયો કાપવા વાળા લોકો સાથે છો કે ગાયો બચાવવા વાળા લોકો સાથે છો ? કોંગ્રેસ માત્ર મતોના તૃષ્ટીપકરણની રાજનીતિ કરે છે.