ગાર્ડનસીટીમાં સિટી સ્કવેરનો પહેલો માળ મલ્ટિપ્લેકસના માલિકે પચાવી પાડયો
(એજન્સી)અમદાવાદ, ગોતાના ગાર્ડન સીટીમાં આવેલ સીટી સ્કવેર નામની સ્કીમમાં પહેલો માળ થીયેટર માટે ભાડે રાખ્યો હતો. ત્યારબાદ શિવરંજની એબી મલ્ટિપ્લેકસના માલિકની કરોડો રૂપિયાની જમીનમાં દાનત બગડી હતી.
જેથી શરૂઆતના તબકકે જમીન માલિકને ભાડુ ચુકવ્યું હતું. ત્યારબાદ ભાડુ આપવાના જુદા-જુદા બહાના કાઢીને જમીન માલિકની સંમતિ વિના ૯પ ટકા ભાગીદારી બતાવી હતી. એટલું જ નહી ભાડાની જગ્યાના માલિક તરીકે ભરત કેશવા અને સીટી પ્લસના માલિક અર્પિત મહેતા હોવાનો કોર્ટમાં દાવો કર્યો હતો. જેના કારણે જમીનના બંને માલિકોએ ચાંદખેડામાં લેન્ડ ગ્રેબિંગનું ગુનો દાખલ કરાયો છે.
કલોલના શાંતિગ્રામ ટાઉનશીપમાં વોટરલીલી એપાર્ટમેન્ટમાં ૪૮ વર્ષીય મેહુલ ચંદ્રકાત શાહ પરીવાર સાથે રહે છે. તેમની જગતપુર ગામની જમીન ઉપર ગોદરેજ ગાર્ડન સીટીના બિલ્ડર પાસેથી સીટી સ્કવેર નામની કોમર્શીયલ સ્કીમમાં પહેલો માળનો અમુક ભાગ ખરીધો હતો. તે જગ્યા મેહુલભાઈ અને તેમના મિત્ર કુમારપાળ શાહે ખરીદી હતી.
તેમની પ્રોપટી શિવરંજની ખાતે એબી મલ્ટિપ્લેકસ થીયેટરના માલિક ભરત મુરલી કેશવાએ મીની થીયેટર બનાવવા ભાડે લીધી હતી. શરૂઆતમાં ભરત કેશવાએ સમયસર ભાડુ ચુકવી દીધું હતું.ર૦ર૦થી ભાડું આપવામાં ધાંધિયા કરતા જગ્યા ખાલી કરવા કહેવાયું હતું.
જાેકે એબી મલ્ટિપ્લેકસના ભરત કેશવા અને સીટી પ્લસના અર્પિત મહેતાની કરોડોની મીલકત પર દાનત બગડી હતી. જેથી તેઓને બંને માલિકોની સંમતિ વગર ૯પ ટકાના ભાગીદાર બની બેઠા હતા. આ ઉપરાંત મેહુલભાઈ અને તેમના મિત્ર કુમારપાળભાઈ શાહને આરોપીએ મીરઝાપુર ગ્રામ્ય કોર્ટમાંથી નોટીસ મોકલી હતી. જેમાં તેના માલિક ભરત કેશવા અને અર્પિત મહેતા બતાવ્યા હતા.