Western Times News

Gujarati News

ગાળો બોલી થપાટ મારનાર DYSP સામે તપાસના આદેશ

અમદાવાદ, ગઢડા સ્વામિનારાયણ મંદિર ખાતે ગુંડાગીરી કરનાર ડીવાયએસપી નકુમ સામે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. ડીજીપીએ તપાસનો આદેશ કર્યો છે. આ મામલે હવે ભાવનગર રેન્જ આઈજી તપાસ કરશે. આ મામલે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ તપાસ કરવાનો હુકમ ભાવનગર રેન્જ આઇજીને આપ્યો છે ત્યારે તપાસ બાદ ડીવાયએસપી સામે કોઈ પગલાં લેવામાં આવે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં થોડા દિવસ પહેલાં બે પંથ વચ્ચે વિવાદ થયો હતો. જે બાદમાં ગઢડા પોલીસ સહિત ડીવાયએસપી રાજદીપસિંહ નકુમ ઘટના સ્થળે પહોંચ્યા હતા. અહીં ડીવાયએસપી નકુમે મંદિરનાં સ્વામીઓને ગંદી ગાળો આપી હતી. આ મામલે એસ.પી સ્વામીએ ભાવનગર રેન્જ આઇજીપી અશોક યાદવ અને સરકારને ડીવાયએસપી નકુમની ગેરવર્તણૂક અંગે રજૂઆત કરી હતી.

ગઢડાનું સ્વામિનારાયણ મંદિર સતત ચર્ચામાં રહે છે. અહીં આચાર્ય પક્ષ અને દેવ પક્ષ વચ્ચે ખેંચતાણ ચાલ્યા કરે છે. આ વિવાદમાં ગઢડા ડીવાયએસપી પર ગંભીર આક્ષેપ થયા છે. આ મામલે સીસીટીવી ફૂટેજ પણ રજૂ કરવામાં આવ્યા છે. ગઢડાના એસપી સ્વામીએ ગંભીર આક્ષેપ મૂક્યો છે કે ડીવાયએસપી નકુમે ખૂબ જ ખરાબ વર્તન કર્યું છે અને મંદિરના નવા ચૂંટાયેલા ચેરમેન રમેશ ભગતને કોલર પકડીને ઓફિસ બહાર કાઢ્યાનો આક્ષેપ મૂક્યો છે. આ સાથે જ ચેરમેનને મા-બેનની ગાળો પણ ભાંડવામાં આવી હોવાનો આક્ષેપ થયો છે. મળતી માહિતી પ્રમાણે ગઢડા ગોપીનાથજી મંદિરના આચાર્ય પક્ષના પૂર્વ ચેરમેન એસપી સ્વામીએ ચેરમેનના વિવાદને લઈને વીડિયો વાયરલ કર્યો છે.

૬ઠ્ઠી ડિસેમ્બરના રોજ ગઢડા મંદિરના ટ્રસ્ટી બોર્ડની મળેલી બેઠકમાં દેવ પક્ષના ચેરમેન હરજીવન સ્વામીને હોદ્દા પરથી દૂર કરાયા હતા. તેમના સ્થાને રમેશ ભગતની નિમણૂક કરવામાં આવી હતી. આ દરમિયાન એસ.પી. સ્વામીએ આક્ષેપ મૂક્યો છે કે, રાત્રે આઠ વાગ્યે દેવ પક્ષના ટ્રસ્ટીઓ અને ડીવાયએસપી નકુમ ઓફિસમાં ધસી આવ્યા હતા અને ચૂંટાયેલા ટ્રસ્ટીઓ સાથે ગેરવર્તન કરીને તેમને બહાર કાઢી મૂક્યા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.