ગિફ્ટ છોડાવવાનાં બહાને રૂપિયા સાડા સાત લાખની છેતરપિંડી
અમદાવાદ સાઈબર ક્રાઈમમાં ફરિયાદઃ મહિલાને લગ્નનો પ્રસ્તાવ મુકી કસ્ટમમાંથી |
અમદાવાદ : સોશીયલ મીડિયા ઊપર મહિલા તથા યુવતીઓ સાથે મિત્રતા કેળવીને તેમની સાથે છેતરપિંડી કરવાનાં બનાવો અવારનવાર પ્રકાશમાં આવી રહ્યાં છે. ખાસ કરીને એકલી રહેતી અથવા માનસિક રીતે પડી ભાંગી હોય એવી મહિલાઓને ઓનલાઈન ઠગાઈ કરતાં ગઠીયા વધુ ટાર્ગેટ કરે છે.
આવી મહિલાઓ સાથે વધુ પડતી લાગણી બતાવીને તેમની સાથે સંબંધો કેળવ્યા બાદ તેમની પાસેથી રૂપિયા પડાવવામાં આવે છે. અને મહિલાને પોતે છેતરિયાની જાણ થતાં સુધીમાં ઘણાં રૂપિયા ગુમાવી ચૂકી હોય છે. આવો જ એક કિસ્સો શહેર સાયબર ક્રાઈમનાં ચોપડે નોંધાવ્યો છે. જેમાં મહિલા સાથે ફેસબુક પર મિત્રતા કેળવી તેને લગ્નનો પ્રસ્તાવ મોકલ્યા બાદ તેને ગિફ્ટો મોકલ્યાનું જણાવી કસ્ટમ પેટે રૂપિયા ભરાવડાવી કુલ રૂપિયા સાડ સાત લાખની છેતરપિંડી આચરવામાં આવી છે.
પ્રવિણાબેન આંણદજીવાલાનાં રહે. અમદાવાદ લગ્ન આશરે દસેક વર્ષ અગાઉ થઇ ગયા હતા. જાકે તેમનો પતિ સાથે મનમેળ ન હતો. પ્રવિણાબેન પોતે ડ્રેસ મટીરીયલનો વ્યવસાય કરે છે અને પોતાનું ગુજરાન ચલાવે ે. આજથી ચારેક મહીના અગાઉ બેન મોરીસ નામની વ્યક્તિ સાથે તેમની ફેસબુર પર મુલાકાત થઇ હતી. જેણે પોતે ઈંગ્લેન્ડમાં રહેતો હોવાનું તથા એક કન્સ્ટ્રક્શન કંપનીમાં સિવિલ એન્જનિયિર તરીકે કાર્યરત હોવાની ઓળખ આપી હતી. મોરીસે પ્રવિણાબેન સાથે વાતો કરીને લગ્ન કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો. જેથી પ્રવિણાબેને વિચારવાનો સમય માંગ્યો હતો. દરમિયાન બેન મોરીસે પોતે ઓગસ્ટ ૨૦૧૯માં છ મહિના માટે ભારત આવતો હોવાનું જણાવ્યું હતું. બાદમાં કેટલીક ગિફ્ટ પણ પ્રવિણાબેન માટે મોકલવાની વાત કરી હતી.
જે બાદ કેટલાંક દિવસ પછી કસ્ટમ ઓફીસર સુમિતા ચૌધરીના નામનો ફોન આવ્યો હતો. જેણે તેમનું મોંઘીદાટ ગિફ્ટનું પાર્સલ આવ્યું હોવાનું જણાવી રૂ.૫૦,૦૦૦ કસ્ટમ ચાર્જ ભરવા જણાવ્યું હતું. જેથી પ્રવિણાબેને એક એકાઉન્ટમાં રકમ ભર્યા બાદ સુમિતાએ ફરી ફોન કરી સ્કેન દરમિયાન પાઊન્ડ તથા અન્ય કિંમતી સામાન હોવાનું ખુલ્યું હોવાથી વધુ ચાર્જ ભરવો પડશે તેમ જણાવી ટુકડે ટુકડે કુલ રૂપિયા સાડા સાત લાખની રકમ ખંખેરી લીધી હતી.
વધુ છ લાખ રૂપિયા માંગતા પ્રવિણાબેને તે ભરવા ઈન્કાર કરતાં સુમિતાએ બેંકના અધિકારી સાથે વાત કરાવી હતી. દરમિયાન બેન મોરીસ પણ સુમિતાનાં જણાવ્યા મુજબ પ્રવિણાબેનને રૂપિયા ભરવાનું દબાણ કરવા લાગ્યો હતો. જેથી તમામ લોકો ભેગાં મળીને પોતાની સાથે છેતરપિંડી કરતાં હોવાની જાણ થતાં પ્રવિણાબેન તુરંત શહેર સાયબર ક્રાઈમની ઓફઈસે પહોંચ્યા હતા જ્યાં તેમણે બેન મોરીસ, સુમિતા ચૌધરી તથા બેંક ઓફીસર તરીકે વાત કરનાર વ્યક્તિ વિરૂદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. સાયબર ક્રાઈમની ટીમે આ ફરિયાદનાં આધારે તપાસ હાથ ધરી છે.