Western Times News

Gujarati News

ગિલ ૨૦૨૩માં ODIનો સૌથી વધુ સ્કોરર: કોહલી અને રોહિત શર્મા અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને

આ વર્ષે વનડેમાં આ ૧૦ ખેલાડીઓનો રહ્યો દબદબો

ટોપ-૩ માં તમામ ભારતીય

 નવી દિલ્હી, ચાલુ વર્ષ એટલે કે ૨૦૨૩ તેના અંત તરફ આગળ વધી રહ્યું છે. આ વર્ષે ભારતીય બેટ્‌સમેન શુભમન ગિલનું બેટ ODIમાં જોરદાર ચાલ્યું છે. ગિલ આ વર્ષે કુલ ૨૯ ODI મેચ રમ્યો છે. આ સિવાય જો આપણે ૨૦૨૩માં સૌથી વધુ રન બનાવનાર ટોપ-૩ બેટ્‌સમેન પર નજર કરીએ તો ત્રણેય ભારતીય જ જોવા મળે છે. શુભમન ગિલ નંબર વન પર છે. આ પછી વિરાટ કોહલી બીજા અને રોહિત શર્મા ત્રીજા ક્રમે છે. એટલે કે ભારતીય બેટ્‌સમેનોએ વનડેમાં ઘણા રન બનાવ્યા છે.

ત્યારબાદ આ યાદીમાં આગળ વધીને ન્યુઝીલેન્ડનો ડેરીલ મિશેલ ચોથા સ્થાને અને શ્રીલંકાના પથુમ નિસાંકા પાંચમા સ્થાને આવે છે. આ પછી પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન બાબર આઝમ છઠ્ઠા, પાકિસ્તાનના વિકેટકીપર બેટ્‌સમેન મોહમ્મદ રિઝવાન સાતમા, ઈંગ્લેન્ડના ડેવિડ મલાન આઠમા, દક્ષિણ આફ્રિકાના એડન માર્કરામ નવમા અને કેએલ રાહુલ સંયુક્ત રીતે નવમા સ્થાને છે પરંતુ વધુ મેચ રમવાના કારણે તે દસમા સ્થાને દેખાય છે.

નંબર વન પર રહેલા શુભમન ગીલે ૨૯ મેચની ૨૯ ઇનિંગ્સમાં ૬૩.૩૬ની શાનદાર એવરેજથી ૧૫૮૪ રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન, તેણે ૫ સદી અને ૯ અડધી સદી ફટકારી છે, જેમાં તેનો ઉચ્ચ સ્કોર ૨૦૮ રન છે. આ દરમિયાન ગિલ ખાતું ખોલાવ્યા વિના માત્ર એક જ વાર આઉટ થયો છે.

આ પછી બીજા નંબર પર રહેલા વિરાટ કોહલીએ આ વર્ષે ૨૭ ODI મેચોની ૨૪ ઇનિંગ્સમાં બેટિંગ કરતા ૭૨.૪૭ની એવરેજથી ૧૩૭૭ રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન, કોહલીએ ૬ સદી અને ૮ અડધી સદી ફટકારી હતી, જેમાં તેનો ઉચ્ચ સ્કોર ૧૬૬* રન હતો.ત્યારબાદ ત્રીજા નંબર પર રહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ૨૭ મેચની ૨૬ ઇનિંગ્સમાં ૫૨.૨૯ની એવરેજથી ૧૨૫૫ રન બનાવ્યા હતા. આ દરમિયાન ભારતીય કેપ્ટનના બેટમાંથી ૨ સદી અને ૯ અડધી સદી આવી છે.

ત્રણ ભારતીય બેટ્‌સમેનોમાં, રોહિત શર્માએ સૌથી વધુ ૬૭ સિક્સ ફટકારી છે. તમને જણાવી દઈએ કે રોહિત શર્મા, વિરાટ કોહલી અને શુભમન ગિલ સહિત ત્રણેય ભારતીય બેટ્‌સમેનો આ વર્ષે વધુ વનડે મેચ નહીં રમે. ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર ત્રણ મેચની વનડે શ્રેણી રમશે, જેમાં ત્રણેય બેટ્‌સમેન ભારતીય ટીમનો ભાગ નથી.

૨૦૨૩ વનડેમાં સૌથી રન બનાવનાર ટોપ-બેટ્‌સમેન
શુભમન ગિલ- ૧૫૮૪ (૨૯ મેચ)
વિરાટ કોહલી- ૧૩૭૭ (૨૭ મેચ)
રોહિત શર્મા- ૧૨૫૫ (૨૭ મેચ)
ડેરીલ મિશેલ- ૧૨૦૪ (૨૬ મેચ)
પથુમ નિસાંકા- ૧૧૫૧ (૨૯ મેચ)
બાબર આઝમ- ૧૦૬૫ (૨૫ મેચ)
મોહમ્મદ રિઝવાન- ૧૦૨૩ (૨૫ મેચ)
ડેવિડ મલાન- ૯૯૫ (૧૮ મેચ)
એઇડન માર્કરામ- ૯૮૩ (૨૧ મેચ)
કેએલ રાહુલ- ૯૮૩ (૨૪ મેચ).


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.