Western Times News

Gujarati News

ગીચ વિસ્તારમાંથી BRTS હટાવાશે,ફ્રી પાર્કિંગ મળશે: કોંગ્રેસનું વચન

સોસાયટીઓમાં નિયમિત સફાઈ માટે વૈજ્ઞાનિક ઢબે આયોજન, કાયમી સફાઈ કર્મચારીઓની નિમણૂંક, સફાઈકર્મીઓને તેમના ઝોનમાં ક્વાર્ટર આપવાનું, જાહેર જગ્યાઓ પર સ્વચ્છ અને ફ્રી પબ્લિક ટોઈલેટનું નિર્માણ કરવાનું પણ પક્ષ દ્વારા વચન આપવામાં આવ્યું છે.

અમદાવાદ, અમદાવાદ સહિતની રાજ્યની મહાનગરપાલિકાઓ તેમજ પાલિકાઓ અને પંચાયતોની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ દ્વારા ચૂંટણીનો ઢંઢેરો જાહેર કરાયો છે. પક્ષે ચૂંટણી ઢંઢેરાને શપથ પત્રનું નામ આપતા જણાવ્યું છે કે, તે સત્તામાં આવતા જ પોતે આપેલા એકેએક વચનનું પાલન કરશે.

કોંગ્રેસ દ્વારા કરાયેલી મહત્વની જાહેરાતોમાં તમામ શહેરીજનોને સરકારની સુવિધાઓ, સેવાઓ તેમજ સ્કીમ્સ માટે ગુજરાઈટ કાર્ડ આપવાની, સત્તામાં આવ્યાના ચોવીસ કલાકમાં જ કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ કરવાની, કોર્પોરેશનમાં ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી શરુ કરવાની, શહેરના જાહેર માર્ગો પર એર પ્યુરિફાયર લગાવવાની, મફતમાં ઈંગ્લિશ મિડિયમમાં શિક્ષણ આપવાની જાહેરાતોનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં પ્રોપર્ટી ટેક્સમાં ૫૦ ટકા સુધી ઘટાડો કરવા, કોરોના કાળમાં આર્થિક નુક્સાન ભોગવનારા વેપારીઓને ૧ વર્ષ માટે ટેક્સમાં રાહત આપવા, તમામ શહેરોમાં ફ્રી વાહન પાર્કિંગ તેમજ ફ્રી વાઈફાઈ ઝોન શરુ કરવાની પણ જાહેરાતો કરાઈ છે.

મોટાભાગના શહેરોના કેટલાક વિસ્તારોમાં પાણીનો કકળાટ આજે પણ જાેવા મળે છે. તેવામાં કોંગ્રેસે આ સમસ્યાને ઉકેલવાની અને પાણીની બચત કરનારા શહેરીજનોને મફતમાં પાણી આપવાની જાહેરાત કરી છે. નવા વિસ્તારોમાં જ્યાં સુધી નર્મદાનું પાણી ના આપી શકાય ત્યાં સુધી વોટર ટેક્સમાં રાહત અપાશે તેવી પણ પક્ષે જાહેરાત કરી છે.

અમદાવાદ માટે માથાનો દુઃખાવો બનેલા પીરાણાના કચરાના ડુંગરનો આંતરરાષ્ટ્રીય ધારાધોરણ અનુસાર નિકાલ લવાશે તેમ પણ પક્ષે જણાવ્યું છે. શહેર હોય કે ગામડાં, ચોમાસામાં ઘણા રસ્તા ધોવાઈ જતાં હોય છે. આ મુદ્દાને ઉઠાવતા કોંગ્રેસે જાહેરાત કરી છે કે જાે તેને સત્તા મળી તો તમામ તૂટેલા રસ્તાને યુદ્ધના ધોરણે રિપેર કરવામાં આવશે.

તેમજ ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખતા ગીચ વિસ્તારોમાંથી બીઆરટીએસ હટાવાશે તેવું ચૂંટણી વચન પણ પક્ષે આપ્યું છે. આરોગ્ય સેવા માટે પક્ષે દરેક વોર્ડમાં તિરંગા હેલ્થ ક્લિનિક ખોલવાનું વચન આપ્યું છે. આ ઉપરાંત, કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં હ્રદયરોગ, કિડની જેવી ગંભીર બીમારીની સારવાર લેતો દર્દી સામાન્ય ના થાય ત્યાં સુધી તેને ટ્રીટમેન્ટ અપાશે, અને ખાસ તો અમદાવાદ માટે વીએસ હોસ્પિટલને ફરી કાર્યરત કરાશે તેવી પણ પક્ષે જાહેરાત કરી છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સહિતની સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર એમ કુલ છ મહાનગરપાલિકાઓમાં ૨૧ ફેબ્રુઆરીના રોજ મતદાન થવાનું છે. જેની મતગણતરી ૨૩ ફેબ્રુઆરીના રોજ હાથ ધરાશે. જ્યારે ૮૧ પાલિકા, ૩૧ જિલ્લા પંચાયત અને ૨૩૧ તાલુકા પંચાયતની ચૂંટણી ૨૮ ફેબ્રુઆરીના રોજ યોજાશે,

અને તેની મતગણતરી ૦૨ માર્ચના રોજ થશે. બે તબક્કામાં યોજાનારી ચૂંટણીમાં બીજા તબક્કાની ચૂંટણી પહેલા જ પહેલા તબક્કાનું પરિણામ જાહેર કરવા બાબતે હાઈકોર્ટમાં પિટિશન પણ કરાઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.