ગીતા અને બબીતા ફોગટની બહેને કુશ્તીની ફાઇનલમાં હારી જતા આત્મહત્યા કરી
નવીદિલ્હી: રેસ્ટલર બબીતા અને ગીતા ફોગાટની કઝિન બહેન રિતિકા ફોગટે કુશ્તીની મેચમાં હારી જતા પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. રિતિકાએ ફાઈનલમાં હાર સહન નહી થતા ફાંસી લગાવીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. રિતિકાએ પોતાના ફુવા મહાવીર ફોગાટના ગામ બલાલી સ્થિત મકાનમાં ફાંસી લગાવી લીધી. પોલીસે પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને પોતાના પરિવારજનોને સોંપી દીધો છે.
રિપોર્ટ્સ પ્રમાણે, રિતિકાએ ૧૨થી ૧૪ માર્ચ સુધી ભરતપુર લોહાગઢ સ્ટેડિયમમાં રાજ્ય સ્તરિય સબ-જુનિયર મહિલા અને પુરુષ કુશ્તી સ્પર્ધામાં ભાગ લીધો હતો. ૧૪ માર્ચના રોજ ફાયનલ મેચ હતી. જેમાં રિતિકા માત્ર એક પોઇન્ટથી હારી ગઇ હતી જેનાથી તે ઘણી જ હતાશામાં હતી.
મળતી માહિતી પ્રમાણે, રિતિકા છેલ્લા પાંચ વર્ષથી પોતાના ફુવા મહાવીર ફોગાટની એકેડમીમાં ટ્રેનિંગ લઈ રહી હતી. આ દરમિયાન ૧૪ માર્ચે ફાઈનલ મુકાબલામાં રિતિકાને હાર મળી હતી.તે મેચમાં દ્રોણાચાર્ય એવોર્ડ વિનર મહાવીર પહેલવાન પણ ત્યા ઉપસ્થિત હતા.રિતિકા આ હારથી આઘાતમાં સરી પડી હતી. રાત્રે લગભગ ૧૧ વાગ્યે મહાવીર ફોગાટના ગામ બલાલી સ્થિત મકાનના રૂમમાં પંખા સાથે લટકીને રિતિકાએ આત્મહત્યા કરી લીધી હતી.