ગીતા મંદિર વિસ્તારમાં નજીવી બાબતે યુવકને ઉપરાઉપરી છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો
અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં ગુનેગારો બેફામ બન્યા હોય તેમ એક પછી એક ગુના ને અંજામ આપી રહ્યા છે. પૂર્વ વિસ્તારમાં ૨૪ કલાકમાં હત્યાનો બીજાે એક બનાવ સામે આવ્યો છે. કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં યુવક પર છરીના ઘા મારી ઘાતકી હત્યા કરી દેતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે ચાર યુવક વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગીતા મંદિરમાં કૃષ્ણનગરનાં છાપરાંમાં રહેતાં આરતીબહેન મકવાણાએ અનિલ ખુમાણ, ચિરાગ સિંઘવ, અજય વાઘેલા તેમજ માનવ પરમાર વિરુદ્ધ તેમના દીકરા કૃણાલની હત્યા અંગે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ગઈકાલે આરતીબહેન મજૂરી કામ પર ગયાં હતાં. ત્યારે તેમની દીકરીએ પાડોશીના મોબાઈલથી તેમને ફોન કરીને આખી વાત જણાવી હતી. તેણે કહ્યું હતું કે, હું ઘરે હાજર હતી ત્યારે કૃણાલનો મિત્ર મારી પાસે આવ્યો હતો અને તેણે વાત કરી કે, કૃણાલ અને તેના મિત્ર બહેરામપુરામાં રહેતા અનિલ ખુમાણ સહિત અન્ય ત્રણ મિત્રો સાથે ગીતા મંદિર પાસે આવેલા મારુતિ કુરિયરની બાજુમાં સાર્વજનિક સ્કૂલના ગેટ આગળ ઊભા હતા.
ત્યારે સાંજના પાંચ વાગ્યાની આસપાસ કૃણાલ અને ચિરાગ તથા અજય કોઈ કારણસર બોલાચાલી જાહેર રોડ પર કરી રહ્યા હતા. આ સમયે અનિલ ખુમાણ એકદમ ઉશ્કરાઈ ગયો હતો અને કૃણાલના શરીરના ભાગે છરીના ઉપરા છાપરી ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો.
કૃણાલે બૂમાબૂમ કરતાં આસપાસના લોકો આવી જતાં ચાર યુવકો નાસી ગયા હતા. કૃણાલને લોહીથી લથપથ હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઇ ગયા હતા.
જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. કૃણાલની માતા આરતીબહેને ચાર યુવક વિરુદ્ધ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ગઇ કાલે દાણીલીમડાના બહેરામપુરા વિસ્તારમાં આવેલા સંતોષનગર ચાર માળિયાંમાં યુવકની તલવારના ઉપરાછાપરી ઘા મારી ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી.