ગીતા રબારીએ ઘરે કોવિડ વેકસીન લેતા વિવાદ, આરોગ્ય વિભાગનાં કર્મચારીને નોટિસ

ભુજ, પ્રસિદ્ધ લોકગાયિકા ગીતા રબારી કોરોનાની રસી લઇને વિવાદમાં સપડાયા છે. શનિવારે ગાયિકા ગીતા રબારી અને તેમના પતિએ પોતાના ઘરે જ કોરોનાની રસી લીધાની પોસ્ટ મૂકી હતી. જે બાદ ઘણો જ વિવાદ થયો હતો. જેના કારણે તેમણે એ પોસ્ટ ડિલીટ કરવી પડી હતી. કચ્છ ડીડીઓને ફરિયાદ કરવામાં આવતા આરોગ્ય વિભાગનાં કર્મચારીને નોટિસ આપીને આ અંગેનો ખુલાસો માંગ્યો છે.
એકબાજુ લોકોને કોરોના રસી માટે સ્લોટ બૂક કરાવાવમાં ભારે મથામણ કરવી પડી રહી છે ત્યારે બીજી બાજુ નામદાર લોકોને તેમના ઘરે જ રસીની સુવિધા મળતી હોવાની તસવીરો વાયરલ થતા ભારે વિવાદ સર્જાયો હતો.
ગાયિકા ગીતા રબારીએ રસી ઘરે લીધાની પોસ્ટ પોતાના સોશિયલ મીડિયામાં મૂકી હતી તો તેમના પતિએ વ્હોટ્સપ સ્ટેટસમાં આના ફોટા મૂક્યા હતા. જેન સ્ક્રીન શોટ લોકોએ પાડી અને વાયરલ કર્યા હતા. આ વાયરલ તસવીરો જાેતા લોકોએ સ્થાનિક આરોગ્ય વિભાગ પર પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.