ગીરના ગામમાં ઘૂસેલો સિંહ અડધો કલાક બાદ ભાગી ગયો

અમરેલી, ગીર-સોમનાથ જિલ્લાના ઈકો સેન્સેટિવ ઝોનમાં આવતા ગામમાં સોમવારે રાત્રે સાવજ દેખાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. આ સિંહ લગભગ અડધો કલાક જેટલો સમય ગામમાં રહ્યો હતો અને તેને ગામની બહાર કાઢવા માટે લોકો ટોર્ચ અને લાકડીઓ લઈને એકઠા થઈ ગયા હતા. આમ લોકોના ટોળા જાેઈને ભયભીત થયેલો સિંહ ત્યાંથી ભાગી ગયો હતો. બનાવ અંગે જાણ થતા વન વિભાગનો સ્ટાફ પણ ગામમાં પહોંચ્યો હતો અને ગ્રામજનો સાથે સિંહ દેખાયાની ઘટના અંગે વાત કરી હતી અને વિડીયો પણ જાેયા હતા.
ગીર નેશનલ પાર્કથી ૪૦ કિલોમીટરના અંતરે આવેલા વડવિયાળા ગામમાં સિંહ દેખાવાની ઘટના બની છે. ગામમાં આવી ચઢેલા સિંહના વિડીયો ગ્રામજનો દ્વારા ઉતારવામાં આવ્યા હતા જેમાં દેખાય છે કે લોકો કઈ રીતે ટોર્ચ અને લાકડીઓ લઈને સિંહને ગામમાંથી બહાર ભગાડવા માટે પ્રયાસ કરી રહ્યા છે.વિડીયોમાં દેખાય છે કે એક જગ્યા પર સિંહ પહોંચ્યા પછી ત્યાંથી બહાર નીકળવાનો રસ્તો ના મળતા એક શખ્સ પથ્થર લઈને સામો થાય છે, પરંતુ લોકો તેને સિંહને પથ્થર મારતા અટકાવે છે અને પછી તે શખ્સ ત્યાંથી દૂર થઈ જાય છે.
આ દરમિયાન એક શખ્સ પોતાના મોટર સાઈકલની લાઈટ જે ગલીમાં સિંહ ઉભો છે ત્યાં પાડી રહ્યો છે. સિંહને આગળ જવાનો રસ્તો ના મળતા તે ગલીમાં અટવાઈ ગયો હતો આ દરમિયાન બીજા છેડે લોકોના ટોળા અને બૂમાબૂમ થતી હોવાથી સિંહ ત્યાંથી બહાર નીકળતા ડરી રહ્યો હતો.ગીર-ગઢડા તાલુકાનું વડવિયાળા ગામ ઈકો સેન્સેટિવ ઝોનમાં આવતું હોવાથી અહીં તથા આસપાસના વિસ્તારમાં સિંહ સહિત દીપડા અને અન્ય વન્યપ્રાણીઓ જાેવા મળતા હોય છે.
સિંહની સંખ્યા વધતી હોવાથી અને પાણી તથા ખોરાકની શોધવામાં સિંહ જંગલની બહાર આસપાસના વિસ્તારોમાં પહોંચી જતા હોય છે. રોડ પર તથા ગામની આસપાસ આવેલી સીમમાં સિંહ દેખાતા તેની પજવણીના ઘણાં કિસ્સા બનતા હોય છે.વડવિયાળામાં પણ સિંહ ગામની એક શેરીમાં અટવાઈ જતા લોકો તેનો વિડીયો ઉતારવા અને તેને જાેવા માટે એકઠા થઈ ગયા હતા. આવામાં હાથમાં પથ્થર અને લાકડીઓ હોવાથી સિંહ ગભરાયેલો દેખાતો હતો. ગામમાં સિંહ આયો હોવાની વાત વાયુવેગે પ્રસરી જતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.SS3KP