Western Times News

Gujarati News

ગીરના સિંહો ફરતા બાબરા સુધી પહોંચતાં ભારે ફફડાટ

ખેતી પાકની સિઝન ચાલતી હોવાથી ખેતરોમાં મોડે સુધી ખેડૂતો કામગીરી કરે છે જેથી સુરક્ષાને લઇ ચિંતાનું મોજુ
અમદાવાદ,  ગીરના સિંહો આંટા ફેરા મારતા અમરેલીના બાબરામાં રેવેન્યુ વિસ્તાર સુધી પહોંચતા સાવજાના આંટાફેરાથી ખેડૂતો સહિત સ્થાનિક ગ્રામજનોમાં ભારે ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. તો, લાઠી બાબરાના કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુમ્મરે રાજય સરકાર અને વન વિભાગને પત્ર પાઠવી આ અંગે જાણ કરી છે અને ખેડૂતો સહિત સ્થાનિક ગ્રામજનોની સુરક્ષાને લઇ પગલાં લેવા માંગણી કરી છે.

કારણ કે, હાલ ખેતરોમાં ખેતી પાકની સીઝન પૂરજોશમાં ચાલી રહી પાકના રક્ષણ અને રખોપુ કરવા ખેડૂતો અને શ્રમિકો રાતભર ઉજાગરા કરી રહ્યા છે. તેવા સમયે બાબરા પંથકમાં જંગલના રાજા સિંહના આંટાફેરા વધતા ખેડૂતા સહિત સ્થાનિક ગ્રામજનોની સુરક્ષાને લઇ ગંભીર સવાલો ઉભા થયા છે. જેને પગલે લાઠી બાબરાના ધારાસભ્ય વીરજીભાઈ ઠુમ્મર દ્વારા રાજ્યના વનવિભાગને પત્ર પાઠવી સિંહનું લોકેશન તાત્કાલિક અસરથી શોધી પાંજરે પૂરી ખેડૂતોને ભયમાંથી મુક્ત કરવા માંગણીઓ કરી છે.

બાબરા તાલુકાના પાંચાળ વિસ્તારના કરીયાણા, તાઈવદર, ખાખરીયા સહિતના સીમ વિસ્તારમાં સિંહના સગડ મળ્યા છે તેમજ સિંહના ફોટા પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે પણ હજુ સુધી વન વિભાગ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. તેથી વન્યપ્રાણીઓ ખેડૂતોના માલ-ઢોર અને જાનમાલને નુકશાન કરે તે પહેલાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રબળ માંગ ધારાસભ્ય વીરજીભાઈ દ્વારા કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.