Western Times News

Gujarati News

ગીરમથા ગામમાં તળાવ ઊંડુ થતાં સિંચાઈ ક્ષમતા વધી, ખેડૂતોને ખેતી-ખર્ચમાં વીઘાએ 4000 રુપિયાની બચત 

????????????????????????????????????

સુજલામ સુફલામ જળસંચય અભિયાન-જળસંચય અભિયાનથી દસક્રોઈ તાલુકાના ગીરમથા ગામની ખેતી બની સમૃદ્ધ 

ગુજરાત સરકારે પાણીના ટીંપેટીપાંને સંગ્રહ કરવાના ઈરાદા સાથે સુજલામ સુફલામ જળસંચય અભિયાન શરુ કર્યુ હતુ. ૧ મે, ૨૦૧૮ના દિવસે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જનતાને જળસંચય અભિયાનમાં જોડાવાની હાકલ કરતા કહ્યું હતું કે પાણી એ વિકાસનો આધાર છે.

આ વાત હવે સાચી ઠરી રહી છે. અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના ગીરમથા ગામમાં ખેતીનું બદલાઈ રહેલું ચિત્ર તેનો પુરાવો છે. આશરે બે હજારની વસ્તી ધરાવતા ગીરમથા ગામમાં સુજલામ સુફલામ જળસંચય અભિયાન હેઠળ ગામ-તળાવને ઉંડુ કરવામાં આવ્યા પછી ખેતી વધુ સમૃદ્ધ થઈ છે. આ ગામનું તળાવ એક સમયે લગભગ પુરાઈ ગયું હતું, પણ ગ્રામજનો અને સરકારના પ્રયત્નોથી આ તળાવ હવે ઊંડુ થતા તેની જળસંગ્રહ ક્ષમતામાં ભારે વધારો છે.

સુજલામ સુફલામ જળસંચય અભિયાન હેઠળ અહીં તળાવ ઊંડુ કરવાની કામગીરી હાથ ધરાતા  ગીરમથા ગામ-તળાવની જળસંગ્રહ ક્ષમતા ૩ મિલિયન ક્યૂબિક ફીટ હતી, તે વધીને  આજે ૭ મિલિયન ક્યૂબિક ફીટ થઈ છે.જેના કારણે ખેડૂતોને સિંચાઈમાં લાભ થયો છે અને આ વિસ્તારમાં ભૂગર્ભજળના સ્તર ઉંચા આવ્યા છે. સિંચાઈની સુવિધાના કારણે આ વિસ્તારમાં ૧૨૫ હેક્ટરમાં રવિ અને ખરીફ પાક લઈ શકાય છે. હાલ અમદાવાદ સિંચાઈ વિભાગના ખારીકટ નહેર સેકશન- ૩ દ્વારા ગીરમથાના તળાવને નર્મદાના પાણીથી ભરવામાં આવે છે.

સિંચાઈની સુવિધાના કારણે ખેતીમાં કેવા ફેરફાર આવ્યા તેની વાત કરતા ગીરમથાના ખેડૂત વિમલભાઈ પટેલ કહે છે કે, ‘નર્મદાના પાણીના કારણે ખેતીમાં ફરક પડ્યો છે અને  પાકનો ઉતારો સારો આવે છે.’ વિમલભાઈ ગીરમથામાં બાવીસ વીઘા જમીન ધરાવે છે. ગામના જ બીજા ખેડૂત મહેશભાઈ.આર.ઠાકોરનો અનુભવ પણ વિમલભાઈ પટેલ જેવો જ છે. તે કહે છે કે ખેતીમાં ભૂગર્ભ જળના બદલે નર્મદાના પાણીથી સિંચાઈ કરતા ડાંગરમાં ફૂટ સારી આવી છે.તેથી આ વખતે પાક સારો થવાની આશા બંધાઈ છે.

ગીરમથાના ડેપ્યુટી સરપંચ મહેશભાઈ ઠાકોર સિંચાઈની સુવિધાના કારણે ખેતીમાં આવેલી સમૃદ્ધિ વર્ણવે છે. મહેશભાઈ કહે છે કે ટ્યૂબવેલના કારણે એક વીઘાએ ૪ થી ૫ હજાર રુપિયા સિંચાઈનો ખર્ચ થતો હતો, તે હવે બચ્યો. વળી, તે ઉમેરે છે કે ટ્યૂબવેલનું પાણી જમીનને હલકું પડે  છે. તેનાથી પિયત કરતા જમીન બીજા –ત્રીજા દિવસે સૂકાઈ જાય છે, પણ નર્મદાનું પાણી અનુકુળ આવે છે.

ગીરમથા સેવા સહકારી મંડળીના ચેરમેન અજીતભાઈ સાધુ કહે છે કે સુજલામ સુફલામ અભિયાન હેઠળ ગામનું તળાવ ઊંડુ કરાવ્યા પછી વસઈ અને ગીરમથા બંને ગામમાં સિંચાઈની સુવિધા વધી છે.

તે જૂના દિવસો યાદ કરતા કહે છે કે ૧૯૭૦ના દાયકામાં તો સ્થિતિ એવી હતી કે ગીરમથાનું આ તળાવ લગભગ પુરાઈ ગયું હતું.પણ બાદમાં ધાર્મિક સંસ્થા અને અમદાવાદ જિલ્લા પંચાયતના સહયોગથી તળાવ પુનજીર્વિત કરવામા આવ્યું. અને હવે નર્મદાના નીર આવતા તે પાણીથી  છલોછલ ભરાયું છે.

સુજલામ સુફલામ અભિયાન હેઠળ તળાવ ઊંડુ થતાં ગામમાં ખેતીના પૂરક એવા પશુપાલન વ્યવસાયને પણ લાભ થયો છે. સરવાળે, ગામના વિકાસનો પાયાનો આધાર પાણી મળતાં ગીરમથા સમૃદ્ધિના માર્ગે આગળ વધી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.