ગીરમાં સેલ્ફી-ઘેલાં લોકોથી ઘેરાયો સિંહ, પગલાંની માગ
અમદાવાદ, ચારેબાજુ જીપથી ઘેરાયેલા કિશોર વયના સિંહની એક તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે. જીપમાં બેઠેલા લોકો વિવેક ભૂલીને સિંહને કેમેરામાં કંડારવામાં વ્યસ્ત જાેવા મળી રહ્યા છે. જાેકે, નિષ્ણાતોએ આ તસવીરનું વિશ્લેષણ કરીને તારણ કાઢ્યું છે કે તે જૂની છે કારણકે તસવીરમાં દેખાતા એક ગાઈડ થોડા સમય પહેલા જ નિવૃત્ત થયા હતા.
આ વાયરલ તસવીરને જાેઈને વન્યજીવપ્રેમીઓનું લોહી ઉકળી ઉઠ્યું છે. વાઈલ્ડલાઈફ એક્ટિવિસ્ટોનું કહેવું છે કે, વન વિભાગ દાવો કરે છે કે, તેમણે દરેક જીપમાં જીપીએસ ટ્રેકર લગાવ્યા છે અને પ્રવાસીઓ સિંહ પર હાવી ના થઈ જાય તે માટે દરેક વાહનમાં એક ગાઈડ આપવામાં આવે છે. પરંતુ જાે ખરેખર આવા પગલાં લેવાયા હોત તો કિશોર સિંહ આ પ્રકારે સેલ્ફી-ઘેલાં લોકોના ટોળાથી ઘેરાઈ ના ગયો હોત, તેમ એક્ટિવિસ્ટે ઉમેર્યું.
વાઈલ્ડલાઈફ એક્ટિવિસ્ટ જયદેવ ધાંધલેએ આ તસવીર ટિ્વટ કરીને વન વિભાગના પ્રિન્સિપાલ ચીફ કન્ઝર્વેટર શ્યામલ ટિકેદારને લેખિત રજૂઆત કરી છે. જયદેવ ધાંધલ ઈચ્છે છે કે, જંગલના સિંહની આ પરિસ્થિતિ માટે જવાબદાર અધિકારીઓ, ડ્રાઈવર અને ગાઈડ સામે પગલાં લેવામાં આવે.
જયદેવ ધાંધલે પોતાના ઈ-મેઈલમાં લખ્યું છે કે, સફારી દરમિયાન જીપ ફાળવવામાં આવેલા રસ્તા પર જ જાય અને કોઈપણ ભોગે લાંબા રસ્તા પસંદ ના કરે તે જાેવાની જવાબદારી અધિકારીઓની છે. પરંતુ આ કેસમાં એવું દેખાય છે કે, ઘણા બધાં વાહનો એક જ રૂટ પર હતા.
બીજા એક એક્ટિવિસ્ટ ભૂષણ પંડ્યાએ કહ્યું, “સુખાભાઈ દવે આ તસવીરમાં દેખાઈ રહ્યા છે. થોડા મહિના પહેલા જ તેઓ નિવૃત્ત થયા હતા.” જાેકે, ભૂષણ પંડ્યાનું કહેવું છે કે, શરૂઆતમાં આઠ રૂટ પર એક દિવસમાં માત્ર ૯૦ વાહનોને જવાની પરવાનગી હતી. હવે તો વાહનોની સંખ્યા એક દિવસમાં ક્યારેક ૧૮૦ને પાર થઈ જાય છે.
ગાંધીનગરના એક સિનિયર ફોરેસ્ટ ઓફિસરે કહ્યું, “આ જાેતાં લાગે છે કે વ્યવસ્થા યોગ્ય રીતે નહોતી કરવામાં આવી. ફોટોગ્રાફ જૂનો હોય તો પણ દેખાઈ આવે છે કે, એકસાથે ઘણાં વાહનોને એકઠા થવાની છૂટ અપાઈ હતી.”
આ બીટ ગાર્ડ્સ અને વાહનોની અવરજવર પર નજર રાખતાં કર્મચારીઓની બેદરકારી છે. ડ્રાઈવરો મુસાફરોના જીવને પણ જાેખમમાં મૂકી શક્યા હોત, તેમ એક ઓફિસરે જણાવ્યું.SSS