ગીર સોમનાથના ધોકડવા ગામે ગીરગુંજન વિદ્યાલયમાં ૫૦ બેડનું કોવિડ કેર સેન્ટર કાર્યરત કરાયું
દર્દીઓને વિનામૂલ્યે તમામ સારવાર સહિત દરરોજ ઉકાળા, ચા-નાસ્તો અને પૌષ્ટિક ભોજનની વ્યવસ્થા
3 MD, 2 MBBS ડૉક્ટર અને 6 નર્સિંગ સ્ટાફની દેખરેખ હેઠળ કોરોનાગ્રસ્ત દર્દી મેળવે છે સારવાર
સમગ્ર દેશ કોરોનાની બીજી લહેરથી પ્રભાવિત છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા કોરોનાને નાથવા સંવેદનશીલતા અને પ્રતિબદ્ધતા સાથે પ્રયત્ન કરવામાં આવી રહ્યું છે. રાજ્યપાલશ્રી દેવવ્રત આચાર્ય અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા ગુજરાતના ગામો કોરોનામુક્ત ગામો બને તે માટે 15મી મે સુધી ‘મારું ગામ કોરોનામુક્ત ગામ’ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનને સાર્થક કરવા અનેક સેવાભાવી સંસ્થાઓ વર્તમાન પરિસ્થિતિને પહોંચી વળવાના સેવાયજ્ઞમાં જોડાઈ રહી છે. ત્યારે ગીરસોમનાથના ગીરગઢડા તાલુકાનું ધોકડવા ગામ ખાતેના ગીરગુંજન વિદ્યાલય ખાતે 50 બેડ સાથેનું કોવીડ સેન્ટર કાર્યરત કરાયું છે તેમજ નજીકના દિવસોમાં બીજા 20 બેડ આવશ્યક સુવિધા સાથે ઊભા કરવામાં આવશે.
ગીરગુંજન વિદ્યાલયના મેનેજિંગ ટ્રસ્ટીશ્રી દેવાયતભાઇ વાઘમશીએ જણાવ્યું કે ડાયાભાઇ જાલોંધરા, શ્રી ગુજ્જર, પીઠાભાઇ નકુમ, મનુભાઇ રામ, ભગાભાઇ કાછડ સહિતના આગેવાનો દ્વારા સાથે મળીને આ કોવિડ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. આ સેન્ટરમાં 2 મેડિકલ ઑફિસર અને 6 નર્સિંગ સ્ટાફ દ્વારા દર્દીઓને સારવાર અપાઈ રહી છે. ઉપરાંત, 3 એમ.ડી. ડોકટર દરરોજ મુલાકાતે આવે છે. હાલ અહીં 40થી વધુ દર્દી સારવાર લઇ રહ્યા છે. આવનારા સમયમાં વધારે માનવસેવા કરવાની જરૂરિયાત સર્જાશે, તો તેના માટે પણ અમારી ટીમ તૈયાર હોવાનો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
બીજી તરફ, ગામના સમાજસેવક મનીષ જાલોંધરા જણાવે છે કે, અમારું ગામ કોરોનામુક્ત બને એ દિશામાં આગળ ધપી રહ્યું છે. ગીરગુંજન વિદ્યાલયમાં કાર્યરત કરવામાં આવેલા કોવિડ કેર સેન્ટરમાં જે દર્દીઓ સારવાર લેવા આવે છે તેમના માટે સવારે 7 વાગ્યે ઉકાળો, 8 વાગ્યે ચા-નાસ્તો, 10 વાગ્યે જ્યૂસ, હળદરવાળુ દૂધ અને 12 વાગ્ય આરોગ્ય સ્ટાફની દેખરેખ હેઠળ પૌષ્ટિક આહારની સેવા આખો દિવસ નિ:શુલ્ક પૂરી પાડવામાં આવે છે. તદુપરાંત, ગામમાં પણ સેનેટાઇઝેશન, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સની પૂરતી તકેદારી રાખવામાં આવે છે.
આમ, મુખ્યમંત્રીશ્રીના રાજ્યવ્યાપી અભિયાન ‘મારું ગામ કોરોનામુક્ત ગામ’ અભિયાનને સાર્થક કરવા વહીવટીતંત્રને સમાજસેવી આગેવાનો, સંસ્થાઓ અને ગ્રામજનોનો પણ સાથ મળી રહ્યો છે.