ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ ટ્રસ્ટના ૧૧ લાખ વૃક્ષોના વાવેતરના સંકલ્પમાં સહભાગી થતા મુખ્યમંત્રી
મુખ્યમંત્રીશ્રીએ સોમનાથ ટ્રસ્ટની પહેલને આવકારી – ગૌશાળા ખાતે વૃક્ષારોપણ કરતા મુખ્યમંત્રીશ્રી
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગીર સોમનાથ જિલ્લામાં ૭૩માં પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણી બાદ પ્રભાસપાટણમાં સોમનાથ ટ્રસ્ટ સંચાલીત ગૌશાળા અને ચંદનવન ની મુલાકાત લીધી હતી.
રાજ્ય સરકારના પર્યાવરણીય જાગૃતિ અભિયાનમાં સંસ્થાઓની- લોકોની જનભાગીદારી થકી ગુજરાતને હરિયાળુ કરી ‘ગ્રીન ગુજરાત’નુ સૂત્ર મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ ના દિશાદર્શન માં સાર્થક થઇ રહ્યું છે.
સોમનાથ મંદિર ટ્રસ્ટે ગીર સોમનાથ જિલ્લામાં વિશેષ સેવા કીય પ્રવૃત્તિના ભાગરૂપે ૧૧ લાખ વૃક્ષોરોપણનો સંકલ્પ લીધો છે. મુખ્યમંત્રી શ્રી એ સોમનાથ ટ્રસ્ટના આ સેવા યજ્ઞને આવકારી પર્યાવરણ જતનની આ પ્રેરણારૂપ પહેલ બદલ સૌને અભિનંદન આપ્યા હતા.
અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે કે તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પર્યાવરણ સુરક્ષામાં ગુજરાતની અગ્રેસરતા આગળ વધારતા એક દાયકા પૂર્વે સોમનાથમાં હરિહર વનનુ નિર્માણ કરાવ્યું હતું.
સોમનાથ ટ્રસ્ટના ચેરમેન તરીકે પણ હાલ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સોમનાથ ટ્રસ્ટ અનેક સેવાકીય કાર્યો હાથ ધરી રહ્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ ગૌશાળા ચંદન વન ખાતે વૃક્ષારોપણ કર્યું હતું. તેઓશ્રી દ્વારા બોરસલ્લી ની કલમ નું સોમનાથ ગૌશાળા ખાતે રોપણ કરવામાં આવ્યું હતું.
આ તકે તેમની સાથે રાજ્યના મુખ્યસચિવ શ્રી પંકજ કુમાર, પોલીસ મહાનિર્દેશક શ્રી આશિષ ભાટિયા, સોમનાથ ટ્રસ્ટ ના કો-ઓર્ડીનેટર સર્વ શ્રી યશોધરભાઈ ભટ્ટ, શ્રી ભાવેશભાઈ વેકરિયા, સોમનાથ ટ્રસ્ટના મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા.