ગુંડાઓની હવે ખેર નથી :ગુંડા એક્ટ લાવવાની સરકારની તૈયારીઓ
ગુજરાત સરકાર નવો કાયદો લાવશેઃ પોલીસને વધઆરે સત્તા અપાશે, યુ.પી.ના “કંટ્રોલ્સ ઓફ ગુંડા” એક્ટ સમાન હશે આ કાયદો
(પ્રતિનિધિ)અમદાવાદ, ગુંડાઓની હવે ખેર નથી ! રાજ્યમાં ગુનાખોરીને ડામવા માટે નવો કાયદો લાવવાની તૈયારીઓ થઈ રહી છે. ઉત્તર પ્રદેશના કંટ્રોલ ઓક ગુંડામી એક્ટ લાગુ થતાં જ પોલીસની સત્તા વધશે. જ્યારે પાસા એક્ટમાં મોટા ફેરફારો થાય તેમ છે. વિધાનસભાના ચોમાસુ સત્રમાં આ અંગે સુધારા વિધેયક આવી શકે છે. ગુંડા એક્ટ હેઠળ માનવ તસ્કરી, ગૌવંશ હત્યા, નાણાંકીય છેતરપિંડી સહિતના ગુનાઓ, જાહેર માલ-મિલ્કતને નુકસાન પહોંચાડવાનો ગુનો, સરકાર વિરૂદ્ધ કોઈ સમાજને ભડકાવવો તથા તેના જેવા કૃત્ય સહિતના ગુનાઓને આવરી લેવાશે.
ગુજરાતમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં લેતા ઉચ્ચ કક્ષાએથી અધિકારીઓને નવો કાયદો અને સુધારિત કાયદો તેમજ અધ્યાદેશ માટેની તૈયારી કરવા જણાવાયું છે. ઉત્તર પ્રદેશના ગુંડા એક્ટની માફક ગુજરાતમાં નવો ગુંડા કંટ્રોલ એક્ટ હશે વળી આ કાયદાથી પોલીસ અને તપાસ એજન્સીઓ પાસે સત્તા આવશે અને તેઓ અસામાજીક તત્ત્વો સામે પગલાં લઈ શકશે. વિધાનસભામાં એક કાયદા તરીકે અથવા અધ્યાદેશ તરીકે રજૂ કરવામાં આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે પાછલા કેટલાંક સમયથી રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની સ્તિતિ કથળી છે. ચોરી-લૂંટફાટની ઘટનાઓ બની રહી છે તો નાણાંકીય છેતરપિંડીના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે તેથી ગુનાખોરીને કાબુમાં લેવા માટે રાજ્ય સરકાર હવે કડક હાથે કામ લેવા સજ્જ થઈ છે. તેથી ઉત્તર પ્રદેશની માફક ગુંડા એક્ટની તૈયારીમાં તંત્ર લાગી ગયું છે. ગુનાખોરીને ડામવા માટે પોલીસને અમર્યાદિત સત્તા આપવામાં આવે તેવી સંભાવના છે. જ્યારે પાસા એક્ટમાં સુધારા-વધારા સાથે ધરખમ ફેરફાર કરાશે. ગુંડા એક્ટમાં અમુક ચોક્કસ પ્રકારના ગુનાઓને આવરી લેવામાં આવશે. કાયદો કે અધ્યાદેશ જાહેર થયા પછી પોલીસ વિભાગ અસામાજીક તત્ત્વો-ગુંડાઓ સામે કડક હાથે કાર્યવાહી કરી શકશે તે પ્રકારના અધિકારી તેમને અપાશે.