Western Times News

Gujarati News

ગુગલ ફીચર ક્લાસમાં ઓનલાઈન અભ્યાસ કરાવવામાં આવે છે અમદાવાદની આ પ્રાથમિક શાળામાં

શાળામા ધો.પ થી ૮ ના વિધાર્થીઓ માટે ૪ સ્માર્ટ ક્લાસ અને એક ગુગલ ફીચર કલાસ બનાવવામાં આવ્યા

1.38 કરોડના ખર્ચે શીલજ ખાતે સ્માર્ટ સ્કૂલ-અનુપમ પ્રાથમિક શાળાનું નિર્માણ-અમદાવાદના શીલજ ખાતે નવનિર્મિત અનુપમ શાળા -સ્માર્ટ સ્કૂલનું લોકાર્પણ કરતાં શ્રીમતી આનંદીબહેન પટેલ

અનુપમ શાળા- સ્માર્ટ સ્કૂલના વિદ્યાર્થીઓ દેશના શ્રેષ્ઠ નાગરિક બનશે – શ્રી કુબેરભાઈ ડીંડોર, રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી

અમદાવાદના શીલજ ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ દ્વારા સંચાલિત શીલજ ખાતે નવનિર્માણ પામેલી પ્રાથમિક શાળાના લોકાર્પણ પ્રસંગે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબહેન પટેલે જણાવ્યું હતું કે, શિક્ષણ-પ્રક્રિયામાં જનભાગીદારી વધારવાની જરૂરિયાત છે. શ્રીમતી આનંદીબહેન કહ્યું કે, આપણ શિક્ષણને માત્ર સરકારની જવાબદારી ન સમજીએ પણ તે સમગ્ર સમાજની જવાબદારી છે અને તેમાં સર્વજનનની ભાગીદારી અનિવાર્ય છે.

તેમણે આ અવસરે તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળનો ઉલ્લેખ કરતાં કહ્યુ કે, ધોરણ ૧૦ અને ૧૨માં નબળા પરિણામો ધરાવતી શાળાનું ઉત્કૃષ્ટ ખાનગી શાળાઓની મદદથી ઉત્થાન કરવાનો સફળ પ્રયાસ રાજ્ય સરકારે હાથ ધર્યો હતો.

આ અવસરે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો ઉલ્લેખ કરતાં શ્રીમતી આનંદીબહેન કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને તેમની ટીમ દ્વારા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની જે પરિકલ્પના કરવામાં આવી છે, તેને અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સાકાર કરવામાં આવી રહી છે, જે આપણા સૌ માટે આનંદ અને ગૌરવનો વિષય છે.

તેમણે ઉપસ્થિત શિક્ષકમિત્રોને બાળકોમાં રહેલી નૈસર્ગિંક શક્તિઓ વિકસાવવા પર ભાર મૂકતા કહ્યું કે, બાળકમાં શીખવાની ભારે ક્ષમતા રહેલી છે અને આપણે માત્ર તે માટે પ્રતિબદ્ધતા દાખવવાની જરૂર છે.

શ્રીમતી પટેલે આ અવસરે શહેરના સિગ્નલ પર ઉભા રહી ભીખ માગીને જીવનનું ગુજરાત ચલાવતા બાળકોના શિક્ષણ માટે શરુ થયેલા સિગ્નલ સ્કૂલ પ્રોજેક્ટની પણ ભારોભાર પ્રસંશા કરી હતી.

આ પ્રસંગે અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા ૨૦૦ દિવસની પ્રતિબદ્ધતા દર્શાવતી ડોક્યૂમેન્ટરી ફિલ્મનો શુભારંભ પણ કરાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે શીલજ ખાતે નવનિર્મિત અનુપમ પ્રાથમિક શાળામા ધો.પ થી ૮ ના વિધાર્થીઓ માટે ૪ સ્માર્ટ ક્લાસ અને એક ગુગલ ફીચર કલાસ બનાવવામાં આવ્યા છે. આ પ્રકલ્પ અંતર્ગત ગુગલ સાથે ટાઈઅપ કરીને ગુગલ ફીચર ક્લાસમાં વિધાર્થીઓને ઓનલાઈન અભ્યાસ પણ કરાવવામાં આવે છે.

આ ઉપરાંત આ શાળામાં ગણિત અને વિજ્ઞાનના પ્રયોગો માટે વિશેષ લેબોરેટરી પણ બનાવવામાં આવી છે. અહીં પ્રથમ અને બીજા ધોરણના બાળકો જ્ઞાન સાથે ગમ્મત માણી શકે તે માટે જોયફૂલ લર્નિંગના ક્લાસનું પણ નિર્માણ હાથ ધરાયું છે.

આ અવસરે પ્રાસંગિક ઉદબોધનમાં રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોરે કહ્યુ કે, અનુપમ શાળા એ આપણા સૌ માટે ગૌરવની વાત છે અને ભાવિ પેઢી એટલે કે મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ભિક્ષા નહીં, પણ શિક્ષાના સંકલ્પ સાથે ભિક્ષા માંગતા બાળકોના વાલીની ભૂમિકા અદા કરી રહી છે,

જે આપણા સૌ માટે આનંદ અને ગૌરવનો વિષય છે તેમણે ઉમેર્યું કે, આવતીકાલના ભારતનું નિર્માણ આ પ્રકારની શાળાઓ થકી જ થશે. તેમણે ઉમેર્યું કે, આ પ્રકારની વ્યવસ્થા સમાજ વધુ સમૃદ્ધ અને સુરક્ષિત બનશે.

આ પ્રસંગે અમદાવાદ મહાનગરપાલિકા મેયર શ્રી કિરીટકુમાર પરમાર, મ્યુનિ.કમિશનર શ્રી લોચન શહેરા, ડે.મ્યુનિ.કમિશનરશ્રી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી હિતેશભાઈ બારોટ સહિતના પદાધિકારીઓ, શિક્ષકો અને વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. -મનિષા પ્રધાન


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.