ગુજરાતનાં ૨૦૯ તાલુકામાં વરસાદ પડતા ઠંડક થઈ

ગાંધીનગર: રાજ્યમાં અષાઢમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ખેડુતોએ રાહતનો શ્ર્વાસ લીધો છે. રવિવારે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. છેલ્લા ૧૨ કલાકમાં કુલ ૨૦૯ તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ છોટાઉદેપુર અને લોધિકામાં ૭.૨૫ ઈંચ વરસાદ ખાબક્યો છે. તો કાલાવાડ ૬ ઈંચ અને કપરાડામાં ૫ ઈંચથી વધારે વરસાદ પડ્યો છે. આ સાથે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદનાં આંકડાની વાત કરીએ તો છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ છોટાઉદેપુર અને લોધિકામાં ૭.૨૫ ઈંચ, કવાંટમાં ૬.૫ ઈંચ વરસાદ ખાબક્યો છે.
જ્યારે ૪૫ તાલુકામાં ૨ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ૯૪ તાલુકામાં ૧ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ સાથે રાજકોટ જિલ્લાના તમામ તાલુકાઓમાં જેવા કે ગોંડલ, જેતપુર, રાજકોટ શહેર અને મોરબી પંથક મેઘરાજા મન મુકીને વર્ષ્યા છે. અમદાવાદમાં પણ આખો દિવસ ધીમી ધારે વરસાદ નોંધાયો હતો. વરસાદને કારણે રાજકોટ જિલ્લામાં એક સ્ટેટ હાઇવે સહિત કુલ ૫૫ રસ્તા બંધ થયા છે. છોટા ઉદેપુરમાં પંચાયતના ૧૯, તાપીમાં પંચાયતના ૩, વલસાડમાં પંચાયતના ૨૪ અને અન્ય ૧, ડાંગમાં પંચાયતમાં ૨, રાજકોટમાં સ્ટેટ હાઇવે એક અને પંચાયત ૩ અને અન્ય એક માર્ગ તેમજ જૂનાગઢમાં એક પંચાયતનો માર્ગ એમ ૬ જિલ્લામાં કુલ ૫૫ રસ્તા બંધ થયા છે.
ઉર્જા વિભાગનાં જણાવ્યા પ્રમાણે, પીજીવીસીએલ હસ્તકના ૪૧ ગામમાં વીજ પાવર ખોરવાયો હોવાનું જણાવ્યું હતું. હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં વડોદરા, છોટાઉદેપુર અને ભરૂચમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. સાથે જ મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, નર્મદા, નવસારી, તાપી, સુરત, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહીમાં સૌરાષ્ટ્રમાં અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ અને દિવનો પણ સમાવેશ થાય છે.