ગુજરાતના આ ગામની હાલત દયનીય, તમામ પાયાની સુવિધાઓ માટે લોકો મારે છે વલખાં
ગ્રામજનોએ સ્વખર્ચે બોટ વસાવી જીવન જીવવા સંઘર્ષ
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: આધુનિક ટેકનોલોજી અને વિકાસની વાતો કરતા ગુજરાત રાજ્યમાં આઝાદીના સાત દાયકા બાદ પણ એક એવું ગામ છે કે જ્યાં હજુ સુધી કોઈ પ્રાથમિક સુવિધાઓ પહોંચી નથી.ગતિશીલ ગુજરાત અને વાઈબ્રન્ટ ગુજરાતની વાતો વચ્ચે અરવલ્લી જીલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં આઝાદી પહેલાની સ્થિતિ પ્રવર્તી રહી છે ભિલોડા તાલુકાના જુના થોરવાસ ગામ નદીઓ અને ડુંગરની વચ્ચે ઘેરાયેલું હોવાથી સુવિધાઓથી વંચિત છે ચોમાસાની ઋતુમાં તો ગામમાં રહેતા ૩૭૦ લોકો કોરન્ટાઇન રહેતા હોય તેવી સ્થિતિ પ્રવર્તે છે ગ્રામજનો જીવનજરૂરિયાત કામકાજ માટે સ્વખર્ચે વસાવેલ બોટના સહારે જીવનનિર્વાહ કરી રહ્યા છે
પશુપાલનના વ્યવસાય સાથે ગામના ૭૫ પરિવાર રોજીરોટી મેળવી રહ્યા છે દૂધ ભરાવવા સવાર-સાંજ નારસોલી ગામની દૂધની ડેરીમ દૂધ ભરાવવા બોટનો ઉપયોગ કરી રહ્યા છે ગામના બાળકો પરિવારથી દૂર સગા-સંબંધીના ઘરે રહી અભ્યાસ કરી રહ્યા છે.
હાથમતી જળાશય નજીક આવેલા જુના થોરવાસ ગામ આવેલું છે જેમાં ૭૫ પરિવારો મળી ૩૫૦ની આસપાસ વસ્તી છે જ્યાં હજુ સુધી કોઈ સુવિધાઓ પહોંચી નથી.જુના થોરવાસ ગામની એકતરફ નદી આવેલી છે. તો બીજી તરફ અરવલ્લીની ગિરિમાળાઓના ડુંગર હોવાથી વિકાસથી વંચીત છે આ ગામમાં રહેતા પરિવારો આઝાદીના સાત દાયકા બાદ પણ દસમી સદી જેવું જીવન જીવવા મજબુર બનેલા છે. ગામમાં શાળા પણ ન હોવાથી બાળકોને અન્ય જગ્યાએ અભ્યાસ અર્થે મૂકવા પડે છે જેથી બાળકો અભ્યાસથી પણ વંચિત રહે છે
નદી અને ડુંગર વચ્ચે ઘેરાયેલા જુના થોરવાસના પરિવારો બજારમાં ખરીદી કરવા જવું હોય કે પછી દુધ મંડળીમાં દુધ ભરવા કે અન્ય કોઈ કામ માટે નજીકના નરસોલી ગામ સાથે સંપર્ક કરવો હોય તો તેઓને નાવમાં બેસી નદી પાર કરી કાદવ કીચ્ચડ ખુંદયા બાદ સંપર્ક કરી શકે છે. તેમજ ગામમાં આરોગ્ય સુવિધાના નામે મીંડુ છે.
ત્યારે જાે કોઈ બીમાર પડે તો અથવા પ્રસૃતિ માટે મહિલાને હોસ્પિટલમાં લઈ જવાની હોય તો પણ નાવમાં બેસાડી નદી પાર કરાયા બાદ ભારે હાલાકી અનુભવ્યા બાદ હોસ્પિટલ સુધી પહોંચી શકાય છે. ૩૫૦ ની જનસંખ્યા ધરાવતા આ ગામમાં આઝાદી બાદ આજદિન સુધી કોઈ સુવિધાઓ ઉભી કરવામાં આવી નથી અને જેને લઈને ગ્રામજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. તેમજ આ ગામમાં કોઈ નેતા કે કાર્યકરો ડોકીયું કરવા પણ આવતા નથી . જેના કારણે આ ગામ સુવિધાથી વંચીત રહ્યું છે. અને જેને લઈને સ્થાનિક લોકોમાં તંત્ર વિરુદ્ધ આક્રોશ જાેવા મળી રહ્યો છે.