ગુજરાતના આ શહેરમાં બપોરે બંધ રહેશે તમામ ટ્રાફિક સિગ્નલ

(એજન્સી) રાજકોટ, આ વર્ષે ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યા છે. રવિવાર સુધી રાજ્યમાં હીટવેવની આગાહી કરાઈ છે. ધોમધખતા તાપમાં બહાર નીકળવુ પણ મુશ્કેલ છે, આવામાં મજબૂરીવશ અનેક લોકોને કામ અર્થે બહાર જવુ પડે છે. આવામાં લાંબી અવધિના ટ્રાફિક સિગ્નલ પર ઉભુ રહેવુ મુશ્કેલ બને છે.
જેમાં રાજકોટમાં હીટવેવને કારણે નાગરિકોને મોટી રાહત આપવામાં આવી છે. રાજકોટમાં બપોરે ૧થી ૪ દરમિયાનમાં ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાનો ર્નિણય લેવાયો છે. આગામી ૪ દિવસ ગુજરાતમાં ગરમીમાંથી કોઈ રાહત નથી મળવાની. તાપમાનનો પારો ૪૫ ડિગ્રી સુધી પહોંચી શકે છે.
હવામાન વિભાગ દ્વારા મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં કાળઝાળ ગરમીની આગાહી કરાઈ છે. તો અમદાવાદ, ગાંધીનગર અને ખેડામાં હીટવેવની આગાહી કરાઈ છે. સુરેન્દ્રનગર અને જામનગરમાં પણ હીટવેવની આગાહી છે. આ ઉપરાંત જૂનાગઢ, અમરેલી અને કચ્છમાં આકરી ગરમી પડશએ. આવામાં તડકામાં બહાર નીકળતા લોકોને ચક્કર આવી જાય છે.
ધોમધકતા તાપમાં ટ્રાફિક સિગ્નલ પર ઉભા રહેતા લોકો રીતસરના શેકાઈ જાય છે. જેટલો સમય ટ્રાફિક સિગ્નલ પર ઉભા રહો છે, તેટલી વાર ચામડી દાઝે છે. આ કારણે રાજકોટમાં બપોરના ૧ થી ૪ કલાક દરમિયાન ટ્રાફિક સિગ્નલ સદંતર બંધ રાખવાનો ર્નિણય લેવાયો છે. વાહનચાલકોને ગરમીની હાલાકી નિવારવા ટ્રાફિક સિગ્નલો બપોરે ૧થી ૪ બંધ રહેશે.