Western Times News

Gujarati News

ગુજરાતના કુંભાર સમુદાય માટે વિદ્યુત ચાક એક અમુલ્ય ભેટ છે

ગાંધીનગર ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીથી આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં કુંભાર સમુદાયના લોકોને વિદ્યુત ચાકનું વિતરણ કર્યું હતું. ‘આત્મનિર્ભર ભારત’ અભિયાન અંતર્ગત કુંભાર સમુદાયના લોકોના સશક્તિકરણ માટે અને તેઓ આત્મનિર્ભર બને તે હેતુસર ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ દ્વારા કાર્યરત ‘કુંભાર સશક્તિકરણ યોજના’ હેઠળ ૧૦૦ જેટલા પ્રશિક્ષિત કારીગરોને આ વિદ્યુત ચાકનું વિતરણ કરાયું હતું.

આ પ્રસંગે અમિત શાહે જણાવ્યું હતું કે, મને આશા છે કે આયોગ વંચિતો અને નબળા વર્ગોના સશક્તિકરણ માટે સાતત્યપૂર્ણ રીતે તેના પ્રયાસો ચાલુ રાખશે અને આ ‘કુંભાર સશક્તિકરણ યોજના’ સમગ્ર કુંભાર સમુદાયને આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.

ભારતીય શિલ્પકલાના વાહક આપણા કુંભાર સમુદાયના ભાઈઓ-બહેનોને વર્તમાન ટેકનિક સાથે જાેડીને તેમનું જીવન સરળ બનાવી શકાય છે અને તેની ઉત્પાદન ક્ષમતા પણ વધારી શકીએ છીએ. ‘કુંભાર સશક્તિકરણ યોજના’ દ્વારા માટીના વાસણો ની પારંપરિક કલાને પુનર્જીવિત કરવાની સાથે સીમાંત કુંભાર સમુદાયને મજબૂત બનાવવાની દિશામાં મહત્ત્વપૂર્ણ કામગીરી થઇ રહી છે, જે આ સમુદાય વિશેષને સશક્ત કરવાની દિશામાં એક મોટું પગલું સાબિત થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતના કુંભાર સમુદાય માટે આ વિદ્યુત ચાક એક અમુલ્ય ભેટ છે.

આ પ્રસંગે અમિત શાહે પાંચ પ્રશિક્ષિત કારીગરો સાથે સંવાદ પણ કર્યો હતો, જેઓને આયોગ દ્વારા માટીના વાસણો બનાવવાની તાલીમ આપીને પ્રશિક્ષિત કરાયા હતા. અમિત શાહે સમગ્ર પ્રજાપતિ સમુદાયને આશ્વાસન આપ્યું હતું કે, તેમના ઉત્પાદનોના વેચાણ માટે રેલવે સાથે સમજૂતી સહિત એક યોગ્ય ચેનલ પ્રણાલિકા સ્થાપિત કરવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ દ્વારા ગાંધીનગર જિલ્લાના ૧૪ ગામડાઓમાં પ્રજાપતિ સમુદાયના ૧૦૦ લોકોને પ્રશિક્ષિત કરવામાં આવ્યા છે અને ૧૦૦ ઇલેક્ટ્રીક મશીન તથા ૧૦ બ્લેઝર મશીનનું વિતરણ કરાયું છે. આ યોજના અંતર્ગત પ્રજાપતિ સમુદાયના કારીગરોની સરેરાશ માસિક ૩૦૦૦ રૂપિયાથી વધીને ૧૨૦૦૦ રૂપિયા પ્રતિમાસ થઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.