ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી

Files Photo
અમદાવાદ, ગુજરાતમાં ચોમાસાનું આગમન તો થઈ ગયું છે, પરંતુ રાજ્યના કેટલાક ભાગો હજુ પણ વરસાદની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યાં છે. અગાઉ સૌરાષ્ટ્રમાં જ કૃપા વરસાવીને મેઘરાજાએ વિરામ લીધો છે, ત્યારે હવે હવામાન વિભાગે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે.
બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યૂલેશનની અસરના પગલે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં બુધવારે વેધર વાૅચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. જેમાં જણાવાયું હતું કે, “અત્યાર સુધી રાજ્યમાં સિઝનનો ૪૧ ટકા વરસાદ વરસ્યો છે. બંગાળની ખાડીમાં સક્રિય થયેલા સાયક્લોનિક સર્ક્યૂલેશનની અસરથી ગુજરાતમાં આગામી શુક્રવારથી ભારે વરસાદ વરસી શકે છે.
જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ ઉપરાંત સૌરાષ્ટ્રના પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ અને ગિરસોમનાથ જિલ્લાના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. અન્ય જિલ્લાઓમાં પણ હળવાથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.”