ગુજરાતના ખાણ અને ખનીજ ખાતાએ આ હેતુસર 2018 થી ડ્રોન દ્વારા વિજિલન્સ
ગુજરાતના ખાણ અને ખનીજ ખાતાએ આ હેતુસર 2018 થી ડ્રોન દ્વારા વિજિલન્સ
વડોદરા, શનિવારના રોજ સાવલી તાલુકાના પોઇચા પાસે મહી નદીમાં થી સાદી રેતી ખનીજ ની જે દાણચોરી ખાણ અને ખનીજ ખાતાની વડોદરા કચેરી એ ઝડપી,તે આ વિસ્તારમાં લગભગ એક સપ્તાહ પહેલાં ડ્રોન ની મદદ થી કરવામાં આવેલા સર્વેક્ષણ નું પરિણામ હતી.
આ અંગે જાણકારી આપતાં ભૂસ્તશાસ્ત્રી શ્રી નીરવ બારોટે જણાવ્યું કે ખાતાની રાજ્ય કચેરીએ એક એજન્સી સાથે વિજિલન્સ અને સર્વેક્ષણ માટે ડ્રોન ની સેવાઓ લેવાનો કરાર કર્યો છે.તેના હેઠળ રાજ્યના પ્રત્યેક જિલ્લાને સમયાંતરે વારાફરતી ક્રમાનુસાર ડ્રોન ટીમ ફાળવવામાં આવે છે.
જો કે કોઈ જિલ્લો ખાસ કારણોસર માંગણી કરે તો ખાસ કિસ્સામાં અગ્રતા ક્રમે તે મોકલવામાં આવે છે. હાલ જે ખનીજ ચોરી ઝડપાઈ એના થોડા દિવસ અગાઉ વડોદરા જિલ્લાના ડ્રોન પાઇલોટ સહિત ઉપકરણ ફાળવવામાં આવ્યું હતું.તેની મદદ થી કરજણ,ડભોઇ અને સાવલી તાલુકાઓના નદી કાંઠાના વિસ્તારોમાં સર્વે કરવામાં આવ્યો,જે દરમિયાન પોઇચા પાસે વહેલી સવારે આણંદ જિલ્લામાં આવેલા સામાં કાંઠા તરફ થી કરવામાં આવેલા શૂટિંગ માં શંકાસ્પદ હિલચાલ જણાઈ હતી.
એટલે દરોડા ની પૂર્વ તૈયારી રૂપે જે તે ગામ વિસ્તારમાં ,તેની પ્રકૃતિ,માથાભારે પણું ઇત્યાદિ ના આકલન ને આધારે દરોડા ની કાર્યવાહી દરમિયાન પીઠબળ માટે કેટલી પોલીસ કુમક જોઈશે તેનો અંદાજ બાંધી ને પોલીસની મદદ લઈને આ કાર્યવાહી કરવામાં આવી જેને સફળતા મળી.
આ ડ્રોન સામાન્ય કરતાં થોડું એડવાન્સ હોય છે અને એક ઊડાણમાં 2 થી 2.5 કિમી વિસ્તારનો સર્વે કરી શકે છે. ખાતા એ નાઈટ વિઝન ડ્રોન નો પણ ઉપયોગ કરી જોયો હતો પરંતુ એમાં ખર્ચની સરખામણી માં ઝાઝી સફળતા ના મળતા, એ વિકલ્પ પડતો મૂક્યો.
રાજ્યમાં અને વડોદરા જિલ્લામાં લગભગ 2018 થી ખનીજ ચોરી અટકાવવાની તકેદારીના રૂપમાં ડ્રોન ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે.વડોદરા જિલ્લાને અત્યાર સુધીમાં લગભગ 15 ફ્લાઇટ એટલે કે 15 વાર ડ્રોનની સેવાઓ મળી છે.
ડ્રોન દ્વારા સર્વે ની બીજી એક વિશેષતા એ છે એનું શૂટિંગ ખનીજ ચોરીના બોલતા પુરાવા તરીકે કામ આવે છે.ડ્રોન ની ટીમ સાથે રાખીને જ બહુધા રેડ કરવામાં આવે છે.આમ,ખનીજ ચોરી ઝડપવા અને રોકવામાં ડ્રોન નો વિનિયોગ અસરકારક હથિયાર જેવો બની રહ્યો છે.