ગુજરાતના દરિયા કિનારે ગુલાબ વાવાઝોડાની અસરને કારણે વધુ એક વાવાઝોડું સક્રિય
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/11/Vava-scaled.jpeg)
નવીદિલ્હી, ગુલાબ વાવાઝોડાની અસરને કારણે હાલ ગુજરાત પર સંકટના વાદળ ઘેરાયા છે ગઈકાલથી આજ સુધીમાં ગુજરાતમાં અનેક જગ્યાએ ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે ગુજરાત પર વધુ એક વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ ગુલાબ વાવાઝોડાની ગુજરાત પર અસરના અણસાર નહિવત દેખાઈ રહ્યા છે પણ ૩૦ સપ્ટેમ્બરે નોર્થ ઇસ્ટ અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન ઉદભવશે તેવુ અનુમાન હવામાન ખાતું લગાવી રહ્યું છે જે કારણે એક ઘાત તો હાલ પુરતી ગુજરાત પરથી ટળી છે પણ તેના કારણે વધુ એક વાવાઝોડું ઉદભવી શકે તેવા એધાણ વર્તાઇ રહ્યા છે.
ગુજરાતના દરિયા કિનારે ગુલાબ વાવાઝોડાની અસરને કારણે વધુ એક વાવાઝોડું સક્રિય થાય તેમ લાગી રહ્યું છે. કચ્છના અખાતમાં ગુલાબ વાવાઝોડાની આંખ ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે. જેથી ગુજરાતના દરિયાકિનારે નવું શાહિન વાવાઝોડું ઉદભવશે. જે ૧ ઓક્ટોબરથી અરબી સમુદ્ર સક્રિય થાય તેવું અનુમાન છે.
પરતું રાહતની વાત એ છે કે શાહિન વાવાઝોડાની દિશા નલિયાથી કરાંચી, ઓમાનની હશે પણ તેની અસર કચ્છ, જામનગર, દ્વારકા સુધી રહેશે જેથી દરિયા કિનારાના વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસસે તેવુ હવામાન નિષ્ણાતો માની રહ્યા છે.એક ઓક્ટોબરે કચ્છના નલિયામાં દરિયાકિનારે શાહિન વાવાઝોડું આકાર લેશે જેથી ૩ દિવસ ભારે વરસાદની સંભાવના સેવાઇ રહી છે.
ગુજરાત પર વરસાદને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. રાજ્યમાં સાવર્ત્રિક વરસાદ પાડવાનું અનુમાન છે સાથે જ વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાત પર મોટી આફત મંડરાઈ રહી છે. હાલ તો ગુલાબ વાવાઝોડાને કારણે સક્રિય થયેલી સિસ્ટમથી ૩ દિવસ મધ્યમથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ તો કચ્છમાં ૨ દિવસ ભારે વરસાદ વરસે તેવા વરતારા છે. હવામાન વિભાગે હાલ સાયક્લોન અંગે કોઇ ખતરો ન હોવાની વાત કરી છે. ગુલાબ વાવાઝોડું સાયક્લોન હાલ ડિપ્રેશન છે જે આગળ જતાં વેલમાર્ક લો પ્રેશન બનશે. પણ આ વાવાઝોડાના કારણે ૩૦ સપ્ટેમ્બરે નોર્થ ઇસ્ટ અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન ઉદભવશે તેવી હવામાન વિભાગ આગાહી છે.