Western Times News

Gujarati News

ગુજરાતના દરિયા કિનારે બીચ સૉકર ટુર્નામેન્ટના આયોજનની તૈયારી

પ્રતિકાત્મક

બીચ સૉકરઃ દરિયા કિનારે ફૂટબોલઃ ગુજરાત ફૂટબોલનું ભાવિ સોપાન

કચ્છમાં માંડવી કે દક્ષિણ ગુજરાતમાં તીથલ સહિત ઘણાં કિનારાનાં સ્થળો વિકસિત કરીને બીચ સૉકર થકી ધમાકેદાર શરૂઆત કરી શકાય!

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશન (જી.એસ.એફ.એ.)ની ટીમનો ઉત્સાહ કોવિડ મહામારીએ પણ ધીમો કર્યો નથી. જો કે એસોસિયેશન તેની પ્રત્યેક પ્રવૃત્તિઓ વખતે કોવિડ સંબંધી સરકારી દિશા નિર્દેશો અને માર્ગદર્શિકાનું પાલન કરે છે તે અલગ બાબત છે.

આ બધા વચ્ચે જે ઉત્સાહ પ્રેરક બાબત છે તે એ કે જી.એસ.એફ.એ. હેઠળનાં બે જિલ્લા એસોસિયેશનનો આ કપરા સમયમાં પણ બીચ સૉકર ટુર્નામેન્ટ યોજવા અત્યંત આતુર છે. સુરત જિલ્લા ફૂટબોલ એસોસિયેશન અને દેવભૂમિ દ્વારકા જિલ્લા ફૂટબોલ એસોસિયેશન આ માટે લીલી ઝંડીની રાહ જૂએ છે.

દરમ્યાનમાં, ગુજરાતના 16 ફૂટબોલ કોચ દ્વારા તાજેતરમાં ઑલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશને (એ.આઇ.એફ.એફ.) યોજેલા ઑન લાઇન બીચ સૉકર કાર્યક્રમમાં તાલીમ પણ લઇ લીધી છે. બીચ સૉકર ટુર્નામેન્ટ યોજાય તે પહેલાં એક રેફરીઓ માટેનો તાલીમ વર્ગ ગોઠવવાની પણ યોજના છે. જી.એસ.એફ.એ. બીચ સૉકરમાં ગ્રાસ રૂટ માટે પણ પહેલ કરવા ધારે છે.

ગુજરાતમાં બીચ સૉકરની વિપુલ તકો છે. કારણ કે તેની પાસે 1600 કિ.મી.નો વિશાળ દરિયા કાંઠો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાનો શિવરાજપુર બીચ આજકાલ તેના પ્રવાસનના મહત્વને લીધે સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

બીચ સૉકરને લીધે તેનું પ્રવાસન અને રમત-ગમતના કેન્દ્ર તરીકેનુ મહત્વ હજુ વધુ વ્યાપક બની શકે તેમ છે. સુરત પાસે ડુમ્મસ પણ એવું જ એક બીજું રમણીય સ્થળ છે. તે ઉપરાંત પણ કચ્છમાં માંડવી કે દક્ષિણ ગુજરાતમાં તીથલ સહિત ઘણાં કિનારાનાં સ્થળો વિકસિત કરીને બીચ સૉકર થકી ધમાકેદાર શરૂઆત કરી શકાય!

ભારત સરકાર, વિભિન્ન રાજ્ય સરકારો અને ઘણાં ખેલકૂદ સંગઠનો દ્વારા જે રીતે રમત-ગમતને પ્રોત્સાહન અપાઇ રહ્યું છે તેનાથી એક વાત તો નિશ્ચિત છે કે દેશમાં ખેલકૂદ અને ખેલાડીઓનું ભાવિ ઉજ્જવળ છે. બી.સી.સી.આઇ. અને આઇ.પી.એલ.ને લીધે દેશમાં ક્રિકેટનો આજે દબદબો છે. એ.આઇ.એફ.એફ. અને આઇ.એસ.એલ. ને લીધે દેશમાં ફૂટબોલ તરફ આપણા યુવાધનનો ઝોક વધી રહ્યો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ, જ્યારે તે ગુજરાતમાં મુખ્ય મંત્રી હતા ત્યારે પણ, ખેલ મહાકુંભ જેવી પહેલ કરીને આપણને માર્ગ ચીંધ્યો છે. રાજ્યમાં સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ગુજરાત (એસ.એ.જી.)નું વિસ્તૃત સંસ્થાકીય સાધન સુસજ્જ માળખું છે. તેમાં ઘણા રમતવીરો અધિકારીઓ છે. તેઓ રમત-ગમતના ઉત્થાન માટે ઉત્સાહિત છે. રાજ્યમાં સંખ્યાબંધ ફૂટબોલ કલબો અને સંસ્થાઓ છે. રાજ્ય સરકારના ટેકાથી સૌ ભેગા થઇને ચમત્કાર સર્જી શકે.

ગુજરાતે ગોવા પાસેથી શીખવું જોઇએ અને ધડો લેવો જોઇએ. સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ગોવા અને ગોવા ફૂટબોલ એસોસિયેશને વર્ષ 2020માં જ ગોવા બીચ સૉકર પ્રોજેક્ટ શરૂ કરી દીધો છે. તેમણે તો પોર્ટુગલના એલિન્ટન આંદ્રાદે નામના ગોલકીપર ખેલાડીને રાખી લીધા છે કે જેમણે બીચ સૉકર વર્લ્ડ કપમાં ત્રણ વખત શ્રેષ્ઠ ગોલકીપર તરીકેનો ખિતાબ મેળવ્યો છે.

એટલું જ નહિ, ગોવા પાસે પૂર્વ ભારતીય ફૂટબોલ કેપ્ટનો અને અર્જુન એવોર્ડ વિજેતા બ્રહ્માનંદ શંખવાલકર અને બ્રુનો કાઉન્ટીનો જેવા અનુભવીઓ છે. ગોવા નસીબદાર છે કે તેમને બ્રુનો, કેવિન અરાજુઓ અને એન્ટોનિયો પ્રેસ્લી જેવા ભારતીય રાષ્ટ્રીય ખેલાડીઓની સેવા ઉપલબ્ધ છે; કે જેઓ 2007માં આંતર્ રાષ્ટ્રીય બીચ સૉકર રમી ચૂક્યા છે.

ગુજરાતમાં જી.એસ.એફ.એ. દ્વારા એક વિનમ્ર શરૂઆત થઇ ચૂકી છે. ગુજરાત સરકાર પોતાની સ્પોર્ટ્સ ઑથોરિટી દ્વારા આગળ ધપે, તેના નિષ્ણાતો અને માળખાકીય સુવિધાઓનો ઉદાર હાથે ઉપયોગ થવા દે અને રાજ્યમાં વ્યાપક રીતે ફૂટબોલ તથા ખાસ કરીને બીચ સૉકર માટે જી.એસ.એફ.એ. દ્વારા કરાતી પહેલને સબળ ટેકો આપે.

જો ગુજરાતમાં બીચ સૉકર દરિયાઇક્ષેત્રોમાં રમાતી થાય તો લાંબે ગાળે રાજ્યના દરિયા કિનારાના ક્ષેત્રમાં પ્રવાસન અને અન્ય વિકાસને પણ ગતિ પ્રદાન થશે. ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશન તો તેના અદમ્ય જોમ અને જોશથી એ.આઇ.એફ.એફ.ની રેન્કિંગમાં ગુજરાતનું ધોરણ ઊંચું લાવવા કટિબદ્ધ છે; કોરોના હોય કે ન હોય! (શ્રી પરિમલ નથવાણી ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશનના પ્રમુખ છે તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સ ડાઇરેક્ટર તેમજ રાજ્ય સભા સાંસદ છે.)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.