ગુજરાતના નકલી રેમડેસિવિર ઇન્જેક્શનથી મધ્યપ્રદેશના ૯૦ ટકા કોરોનાના દર્દીઓ સાજા થયા
ઇન્દોર: કોરોના વાયરસના સંક્રમણના કેસોમાં વધારો થવાને કારણે રેમડેસિવિર ઈન્જેક્શનની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે અને નકલી રેમડેસિવિર ઇન્જેક્શનનું બ્લેક માર્કેટિંગ પણ ચાલી રહ્યું છે. જ્યારે, મધ્યપ્રદેશ પોલીસે નકલી રેમડેસિવિર ઇંજેક્શન અંગે ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ૯૦ ટકા કોવિડ-૧૯ દર્દીઓ જેમણે પોતે નકલી રેમડેસિવિરના ઇન્જેક્શન લીધાં હતાં, તેઓ સંક્રમણથી સાજા થયા છે અને કોરોનાને પરાજિત કર્યો છે.
હાલમાં જ ઈન્દોર અને જબલપુરમાં નકલી રેમડેસિવિર ઇન્જેક્શનવાળી ગુજરાતની એક ગેંગનો પર્દાફાશ થયો હતો. આ પછી મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ધરપકડ કરવામાં આવેલ ગેંગના લોકોની સામે હત્યાનો ગુનો નોંધવા અને કેસની તપાસ કરવા સૂચના આપવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ, નકલી રેમડેસિવિરના ઇન્જેક્શન લેનારા લોકોમાં કોઈને દફનાવવામાં આવ્યા ન હતા.
ઈન્દોરમાં આ ગેંગ પાસેથી નકલી રેમડેસિવિર ઇન્જેક્શન લઈને દર્દીને આપતા દસ દર્દીઓનું મોત નીપજ્યાં હતા, જ્યારે ૧૦૦થી વધુ કોવિડ-૧૯ દર્દીઓ સાજા થયા હતા. જે લોકો મૃત્યુ પામ્યા છે તેમના મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે, તેથી નકલી રેમડેસિવિરથી તેમના મૃત્યુની તપાસ પોલીસ માટે મુશ્કેલ બની છે.
પોલીસ અધિકારીઓ તપાસ દરમિયાન નકલી ઇન્જેક્શન લેનારા દર્દીઓના જીવિત રહેવાના દરની તુલના અસલી ઇન્જેક્શન લેનારા સાથે કરીને આશ્ચર્યચકિત થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે બનાવટી ઈન્જેક્શનમાં સામાન્ય ગ્લુકોઝ પાણી ભર્યું હતું. આ ગેંગે મધ્યપ્રદેશમાં આશરે ૧૨૦૦ નકલી રેમડેસિવિરના ઇન્જેક્શન વેચ્યા હતા. તેમાંથી જબલપુરમાં ૫૦૦ અને ઇન્દોરમાં ૭૦૦ ઇન્જેક્શન વેચાયા છે. નકલી ઈન્જેક્શન વેચવાના આરોપમાં એક ખાનગી હોસ્પિટલના સંચાલક સહિત ચાર લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો.