Western Times News

Gujarati News

ગુજરાતના પનોતા પુત્ર લોહપુરૂષ સરદાર સાહેબને કોટિ કોટિ પ્રણામ

તાજમહાલ કરતા વધુ પ્રવાસીઓ ગુજરાતના સ્ટેચ્યુ ઑફ યુનિટીના પ્રવાસે આવી રહ્યા છે.

યુવાનો આગળ આવે અને ભારતને દરેક ક્ષેત્રમાં ટોચ પર લાવીને ભારતીય એકતાની નવી પરિભાષા લખે

અખંડ ભારતના શિલ્પકાર અને ગુજરાતના પનોતા પુત્ર સરદાર પટેલની 147મી જન્મજયંતી પર હું તેમને કોટિ-કોટિ વંદન પાઠવું છું.

આજે જે ભારતને વિશ્વના નકશા પર જોઇને આપણે બધા ગૌરવની અનુભૂતિ કરીએ છીએ, તે નકશાની પ્રત્યેક રેખા સરદાર સાહેબે સ્વયં પોતાના હાથે ઘડી છે.

મારા મતે, જેમ ભારતને સ્વતંત્રતા મળવી આપણા ભારતીય ઇતિહાસની મહત્વપૂર્ણ ઘટના હતી, તેમ સ્વતંત્રતા મળ્યા પછી તે સમયના 562 રજવાડાંઓને એકસૂત્રે સાંકળવા એ પણ આપણા દેશના ઇતિહાસની કદી ન ભૂલી શકાય એવી અદ્ભુત ક્ષણ છે.

ઇતિહાસકારોના મતે વર્ષ 1947ના પહેલા 6 મહિના ભારતના ઇતિહાસમાં અત્યંત મહત્વપૂર્ણ હતા. સામ્રાજ્યવાદી શાસનની સાથે-સાથે ભારતનું વિભાજન પણ તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયું હતું.

પરંતુ, તે વખતે લોહપુરૂષ સરદાર જ હતા જેમણે અડગ રહીને એક ભારત, શ્રેષ્ઠ ભારતનો પાયો નાખ્યો. સરદારે પોતાની દૂરંદેશી, દ્રઢ નિશ્ચયશક્તિ અને ત્વરિત નિર્ણયથી આધુનિક ભારતની રૂપરેખા ઘડી. તેમણે આંતરિક રીતે પણ ભારતને એક બનાવ્યું. સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહમંત્રી તરીકેના તેમના સંપૂર્ણ કાર્યકાળમાં તેમણે ભારતને સામાજિક એકતાના પદાર્થપાઠ શીખવ્યા.

સરદાર સાહેબે એકવાર કહ્યું હતું કે, આપણી આસપાસ ગુલામીની જે ગંદકી ફેલાઈ છે, તેને આપણે જાતે જ સાફ કરવી પડશે. નહીંતર, સ્વતંત્રતા મેળવ્યા પછી પણ આપણે માનસિક રીતે ગુલામ જ બનીને રહીશું.

તેમના આ વિચાર પરસ્પરની એકતાને સુપેરે અભિવ્યક્ત કરે છે. તેઓ માનતા હતા કે આપણી વચ્ચે હજારો વિવિધતાઓ પછી પણ જો આપણે પરસ્પર એકતા સ્થાપિત નહીં કરીએ તો સ્વતંત્રતાનો વાસ્તવિક અર્થ આપણે ક્યારેય નહીં સમજી શકીએ.

સમજ વગરની સ્વતંત્રતા લાંબો સમય સુધી ટકી શકતી નથી. દેશનો પાયો ત્યારે જ મજબૂત બને જ્યારે તેની એકતા અને અખંડિતતા જળવાઈ રહે. એકતા સદૈવ સબળતાને પ્રતિબિંબિત કરે છે.

સરદાર પટેલે તેમના સમગ્ર જીવનમાં ભારતને મજબૂત રાષ્ટ્ર બનાવવાનું કામ કર્યું છે. સરદાર સાહેબની એ જ ઇચ્છા હતી કે ભારત હંમેશાં મજબૂત રહે, હંમેશાં એક રહે, શ્રેષ્ઠ રહે.

સરદાર પટેલનું વ્યક્તિત્વ એક સ્વાતંત્ર્ય સેનાની અને ભારતના શિલ્પી સુધી જ સીમિત નથી, પરંતુ તેનાથી પણ ઘણું વિશાળ છે. આપણે તેમના જીવન પર એક નજર નાખીએ તો આપણને પ્રતીતિ થાય છે કે જીવનના અલગ-અલગ તબક્કાઓમાં તેમણે અનેક ભૂમિકાઓ સંપૂર્ણ જવાબદારી અને સફળતાથી નિભાવી હતી.

વર્ષ 1924માં અમદાવાદ નગરપાલિકાના અધ્યક્ષના તરીકે તેમણે નિભાવેલી ભૂમિકા તેમની વહીવટીય કાર્યદક્ષતાની પ્રથમ સીડી હતી. તેમના આ કાર્યકાળ દરમિયાન તેમના દ્વારા અમદાવાદ શહેરને સ્વચ્છ અને સુંદર તેમજ સુવ્યવસ્થિત બનાવવા માટેના પાયાના અને મહત્વપૂર્ણ કાર્યો થયા હતા.

હું મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી માનું છું કે મારા સાર્વજનિક જીવનમાં મને પણ અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જનતાની સેવા કરવાનો મોકો મળ્યો છે. મારા આ કાર્યકાળ દરમિયાન મેં સરદારના જીવનને ખૂબ જ નજીકથી જાણ્યું.

આ દરમિયાન મેં એ પણ અનુભવ્યું કે વર્તમાન સમયમાં જ્યારે આપણી પાસે કોઇપણ ક્ષેત્રના વિકાસ માટે નવા પડકારો સામે આવે છે, તો તે સમયે અંગ્રેજોના શાસનકાળમાં સરદાર પટેલ માટે અમદાવાદમાં વિકાસના કાર્યો કરવા કેટલું પડકારભર્યું કામ રહ્યું હશે! એ મેં હંમેશાં મારા માનસપટ પર રાખ્યું છે.

સરદાર સાહેબના વિચારો, તેમની દૂરંદેશી અને તેમનું સંપૂર્ણ વ્યક્તિત્વ પ્રેરણાદાયી છે. એટલા માટે એ જરૂરી છે કે આપણે એવી સામાજિક વ્યવસ્થાનો વિકાસ કરીએ જેમાં વર્તમાન પેઢીની સાથે-સાથે આવનારી નવી પેઢીઓ પણ સરદાર સાહેબના જીવન અને કવન ઉપરથી પ્રેરણા લેતી રહે.

આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પણ આ દિશામાં ઘણા મહત્વના પગલાં લીધાં છે. વર્ષ 2014માં આપણા માનનીય વડાપ્રધાનશ્રીએ સરદાર સાહેબના સન્માનમાં એક નવી પરંપરાની શરૂઆત કરી અને 31 ઓક્ટોબર, 2014થી દર વર્ષે સરદાર સાહેબના જન્મદિવસને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો.

જોકે, સરદાર સાહેબના સન્માનમાં તેમના જન્મદિવસને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે ઉજવવાની શરૂઆત થાય તે પહેલા શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અન્ય એક મોટી પરિકલ્પનાને મૂર્તિમંત કરી હતી.

વર્ષ 2013માં તેમણે ગુજરાતના કેવડિયામાં સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ના નિર્માણનું સ્વપ્ન જોયું હતું.

મને આજે એ કહેતા અત્યંત ગર્વ થઈ રહ્યો છે કે વિવિધ ભૌગૌલિક અને મોસમી પડકારો હોવા છતાં ગુજરાત સરકારે પૂરી નિષ્ઠા સાથે આ વિશાળ પ્રોજેક્ટને ન માત્ર સમયસર પૂર્ણ કર્યો,

પરંતુ તેને વૈશ્વિક આકર્ષણનું કેન્દ્ર પણ બનાવ્યો છે. આજે સ્ટેચ્યુ ઑફ યુનિટીની ખ્યાતિ આખા વિશ્વમાં ઉત્તરોત્તર વધી રહી છે. સ્ટેચ્યુ ઑફ યુનિટીએ જગતભરના સહેલાણીઓને ઘેલું લગાડ્યું છે.

તાજમહાલ કરતા વધુ પ્રવાસીઓ ગુજરાતના સ્ટેચ્યુ ઑફ યુનિટીના પ્રવાસે આવી રહ્યા છે. સરદાર સાહેબના મહાન કાર્યો, તેમના ત્યાગ અને વિચારો વિશ્વના ખૂણેખૂણામાં પ્રસારિત થઈ રહ્યાં છે.

પોતાના પ્રયાસોથી ભારતને વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ બનાવવાનો પાયો આપણા સરદારે નાખ્યો હતો. એટલે જ હું દ્રઢપણે માનું છું કે, વર્તમાનમાં વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ તરીકે આજનો દિવસ આપણા માટે લોકશાહીને હૃદયપૂર્વક ઉજવવાનો દિવસ છે.

આજનો દિવસ વિભાજનકારી તાકાતો, આતંકવાદી સંગઠનો અને વૈચારિક રીતે ભારતની એકતાને નુકસાન પહોંચાડનારા તત્વો માટે એ સંદેશ પણ છે કે ભારત એક છે અને હંમેશાં એક રહેશે. આપણા મન હંમેશાં આવી રીતે જ મળેલા રહે, આપણે હંમેશાં એકબીજાની સાથે સહયોગ કરીએ અને આપણા સહુમાં રાષ્ટ્ર પ્રત્યે અતૂટ પ્રેમની ભાવના બની રહે તો આપણા દેશની અખંડિતતાને કોઇ ક્યારેય પણ નુકસાન નહીં કરી શકે.

સરદાર સાહેબના એક ભારત, શ્રેષ્ઠ ભારતના દ્રઢ સંકલ્પને કારણે જ આજે આપણે એકસૂત્રે બંધાયેલા છીએ. મારું માનવું છે કે હવે સમય આવી ગયો છે જ્યારે યુવા પેઢીએ આજના સમય પ્રમાણે એકતાની નવી પરિભાષા લખવી જોઇએ.

યુવા પેઢી એ સમજે કે વર્તમાન સમયમાં એકતાનો અર્થ કેવળ વિવિધતામાં એકતા અથવા કોઇ દેશની સરહદો સુધી સીમિત નથી રહ્યો, પરંતુ તેનો સીધો સંબંધ વિવિધ ક્ષેત્રોમાં ભારતની ઉપલબ્ધિઓ સાથે પણ છે.

ઉદાહરણ તરીકે, જ્યારે એક ભારતીય ખેલાડી કોઇ બીજા દેશમાં પોતાનો ખેલ રજૂ કરી રહ્યો હોય ત્યારે જમ્મુથી લઇને કન્યાકુમારી સુધી અને કચ્છથી લઇની કામાખ્યા સુધી પ્રત્યેક ભારતીય તે ખેલાડીની જીત માટે પ્રાર્થના કરી રહ્યો હોય છે.

આ પણ એકતાનું એક અલગ સ્વરૂપ છે. આજના સમયમાં એ જરૂરી છે કે ભારતીય યુવા પોતાની પ્રતિભાને પિછાણીને તેને વધુ નિખારે અને દરેક ક્ષેત્રમાં મા ભારતીને વૈશ્વિક શિખર ઉપર સ્થાપિત કરવાના લક્ષ્યાંકની સાથે જીવન જીવે. મારું આહ્વાન છે કે યુવાનો આગળ આવે અને ભારતને દરેક ક્ષેત્રમાં ટોચ પર લાવીને ભારતીય એકતાની નવી પરિભાષા લખે.

એક સ્વાતંત્ર્ય આંદોલનકારી, નિર્વિવાદ જનનેતા અને કુશળ વહીવટકારના રૂપમાં સરદાર પટેલ સદાય પ્રત્યેક ભારતવાસીના હૃદયમાં બિરાજમાન રહેશે. અખંડ ભારતના શિલ્પીના રૂપમાં શ્રી વલ્લભભાઈ પટેલે ખરા અર્થમાં પોતાની ઉપાધિ ‘સરદાર’ને સંપૂર્ણ રીતે ન્યાય આપ્યો છે.

સરદારના ઉચ્ચ વિચારો અને લોખંડી સંકલ્પોથી પ્રેરિત થઈને આજના દિવસે આપણે તમામે એ સંકલ્પ લેવો જોઇએ કે આપણે આપણા દેશને વિશ્વમાં સૌથી વિકસિત, સૌથી પ્રતિષ્ઠિત અન સૌથી વધુ આત્મનિર્ભર ભારત બનાવીશું. આ જ રીતે ખરા અર્થમાં તેમને આપણે શ્રદ્ધાંજલિ આપી શકીશું.

શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મુખ્યમંત્રી, ગુજરાત 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.