ગુજરાતના પ્રવાસન અને મત્સ્યોદ્યોગ વિભાગના મંત્રીએ SoUની મુલાકાત લીધી
રાજપીપલા: ગુજરાતના પ્રવાસન અને મત્સ્યોદ્યોગ વિભાગના મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડાએ ગઇકાલે નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લ્ભભાઇ પટેલ સાહેબની અતિ વિરાટ પ્રતિમાના ચરણોમાં ભાવવંદના કરી હતી. ત્યારબાદ ૪૫ માળની ઉંચાઇએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી પ્રતિમાના હદય સ્થાનેથી નર્મદા ડેમનો નજારો પણ માણયો હતો. તદ્દઉપરાંત વિધ્યાંચળ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળવાની સાથે “મા નર્મદાના” પવિત્ર દર્શન થકી અલૌકિક ઉંચાઇએ પહોંચ્યાની અનુભૂતિ કરી હતી.
ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન, લાયબ્રેરી, સરદાર સાહેબના જીવન કવનને વણી લેતી દસ્તાવેજી ફિલ્મ પણ નિહાળી હતી. તેમણે પ્રોજેક્શન મેપીંગ લેસર- શો પણ રસપૂર્વક નિહાળ્યો હતો. મંત્રીશ્રી ચાવડાની આ મુલાકાત દરમિયાન તેમના ધર્મપત્ની શ્રીમતી નીતાબેન ચાવડા અને તેમના પરિવારજનો પણ જોડાયા હતા. આ પ્રસંગે નાયબ વન સંરક્ષકશ્રી પ્રતિક પંડ્યા, ગુજરાત ટૂરિઝમના મેનેજરશ્રી ડી.જે.ત્રિવેદી, જિલ્લા મત્સ્યોદ્યોગ અધિક્ષકશ્રી એચ.વી.મહેતા વગેરે પણ મંત્રીશ્રીની સાથે રહ્યા હતા.
મંત્રીશ્રી ચાવડાએ સરદાર સરોવર ડેમ, વિશ્વ વન, કેકટસ ગાર્ડન, આરોગ્ય વનની લીધેલી મુલાકાત દરમિયાન સૂર્ય નમસ્કારની બાર મુફઓથી સુશોભિત પ્રવેશદ્વાર, ડિઝીટલ ઇન્ફર્મેશન સેન્ટર, ગાર્ડન ઓફ ફ્લાવર્સ, ઇન્ડોર પ્લાન્ટ, એરોમા ગાર્ડન, યોગા ગાર્ડન, આલ્બા ગાર્ડન, લ્યુટીયા ગાર્ડન સહિત કેરળમાં વપરાતી ઉપચાર પધ્ધતિ મુજબના વેલનેસ સેન્ટરની પણ મુલાકાત લઇ તે અંગેની તેમણે વિસ્તૃત જાણકારી પણ મેળવી હતી.
તેની સાથોસાથ બટરફ્લાય ગાર્ડન તેમજ એકતા નર્સરીની મુલાકાતમાં બામ્બુ ક્રાફ્ટ, એરીયા લીફ, યુટેન્સીલ્સ, ઓર્ગેનિક કુંડા, યાંત્રિક રીતે ઓર્ગેનિક થાળી-વાટકી બનાવટ-ઉત્પાદનની પ્રક્રિયાના નિરીક્ષણ ઉપરાંત હાઇડ્રોપોનિક હેન્ડીક્રાફ્ટ, મધમાખી ઉછેર, કડકનાથ મરઘા, ટ્રાયબલ હટમાં પ્રદર્શિત કરાયેલી ચીજ વસ્તુઓ અને સાધન સામગ્રી પણ રસપૂર્વક નિહાળી હતી. ત્યારબાદ મંત્રીશ્રીએ ઝરવાણી-ઇકો પ્રવાસન કેન્દ્ર તેમજ ખલવાણી ખાતે રિવર રાફટિંગની મુલાકાત લઇ ઉપલબ્ધ સુવિધાઓની તેમણે જાણકારી મેળવી હતી.
મંત્રીશ્રીએ ચાવડાએ નવનિર્મિત ચિલ્ડ્રન-ન્યુટ્રીશન પાર્કના ટ્રાયલ રનની મુલાકાત દરમિયાન એકતા એક્સપ્રેસ જોય ટ્રેનમાં બેસીને ફલ શાકમ ગ્રહમ, પાયોનગરી, અન્નપુર્ણા, પોષણપૂરમ અને સ્વસ્થ ભારતમ જેવા પાંચ જેટલા સ્ટેશનો ખાતે રોકાણ કરીને જે તે સ્ટેશન ખાતે ન્યુટ્રીશન માટે ડિસ્પ્લે કરાયેલી બાબતોની વિશેષ જાણકારી મેળવવાં ઉપરાંત બાળકો માટેની ગેમઝોન, ન્યુટ્રીહન્ટમાં વિવિધ ગેમ્સમાં ફુટબોલ, વર્ચ્યુઅલ બાઇસીકલ રેસીંગ, ભૂલ ભૂલૈયા સિનેમા સહિતના બાળકોના મનોરંજન માટેના નીત નવી અસંખ્ય ગેમ્સના વિભાગોની પણ મુલાકાત લઇ આનંદની લાગણી સાથે પ્રસન્નતા વ્યક્ત કરી હતી.