ગુજરાતના પ્રાકૃતિક કૃષિ જન-અભિયાનને સંતશક્તિના સહયોગ-આશીર્વાદ અને પ્રેરણા નવું બળ આપશે: રાજયપાલ
રાજકોટ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સ્વામીનારાયણ ગુરૂકુળ, રાજકોટ સંસ્થાનના અમૃત મહોત્સવની ઉજવણી સંદર્ભે યોજાયેલી સંતગણની ચિંતન શિબિરમાં સહભાગી થતા જણાવ્યુ હતુ કે સ્વામીનારાયણ ગુરૂકુળ, રાજકોટ સંસ્થાનમાં ગુરૂકુળ શિક્ષા પદ્ધતિ દ્વારા ભારતની શિક્ષણ-સંસ્કારની વૈદિક પરંપરાનું જતન કરી ભાવિ-ભારતના નિર્માણનું કાર્ય થઈ રહ્યું છે.
રાજ્યપાલએ જણાવ્યું હતું કે, આઝાદી બાદ ભારતના ભવ્ય ભૂતકાળની પ્રેરણા સાથે ભાવિ-ભારતના નિર્માણનું સપનું સેવીને શ્રદ્ધેય ધર્મજીવનદાસજી સ્વામીએ સ્વામીનારાયણ ગુરૂકુળ, રાજકોટની સ્થાપના કરી. આજે સમગ્ર ભારત દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે, ત્યારે સ્વામીનારાયણ ગુરૂકુળ, રાજકોટ સંસ્થાન પણ પોતાની સ્થાપનાનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છે.
રાજ્યપાલએ જણાવ્યુ હતુ કે, પ્રાચીન ભારતીય ગુરૂકુળ શિક્ષા પરંપરા ભારતીય જીવન મૂલ્યોની સ્થાપનાનો આધાર હતી. પ્રકૃતિની ગોદમાં તપસ્વી ઋષિ-મુનિઓના સાનધ્યમાં બાળકને જીવન નિર્માણનું શિક્ષણ અપાતું હતું. ગુરૂકુળ વ્યક્તિ નિર્માણનું આદર્શ સ્થાન હતું. ભારતની આ વૈદિક પરંપરાનું જતન સ્વામીનારાયણ ગુરૂકુળ, રાજકોટ દ્વારા થઈ રહ્યું છે. ગુરૂકુળ શિક્ષા પદ્ધતિમાં વિદ્યાર્થીઓ ધર્મ-સંસ્કૃતિ અને જીવન મૂલ્યોના જતન સાથે શિક્ષણ મેળવે છે.
રાજ્યપાલએ પ્રાચીન ભારતની ભવ્યતાનો આધાર ગુરૂકુળ શિક્ષા પદ્ધતિને ગણાવ્યો હતો. રાજ્યપાલએ જણાવ્યુ હતુ કે, સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા માનવ કલ્યાણના ધ્યેય સાથે જે સમાજ ઉત્કર્ષના કાર્યો થઈ રહ્યા છે તે માનવ સમાજ માટે આશીર્વાદરૂપ છે. તેમણે જણાવ્યુ હતું કે, ગુજરાતે પ્રાકૃતિક કૃષિનું જે જન-અભિયાન ઉપાડ્યું છે, તેમાં સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોના આશીર્વાદ મળી રહ્યા છે.
સંતો સ્વયં ખેડૂતો સુધી પહોંચીને પ્રાકૃતિક કૃષિ માટે તેમને પ્રેરિત કરી રહ્યા છે, ત્યારે ગુજરાતના પ્રાકૃતિક કૃષિ જન- અભિયાનને સંતશક્તિના સહયોગ-આશીર્વાદથી અને પ્રેરણાથી નવું બળ મળશે. રાજ્યપાલએ રાજ્યના પ્રત્યેક જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ જન- અભિયાન સાથે એક-એક સંત સહભાગી થઈ આશીર્વાદ પાઠવે તેવી અભિલાષા પણ વ્યક્ત કરી પ્રાકૃતિક કૃષિના કાર્યને માનવ કલ્યાણનું ઈશ્વરીય કાર્ય ગણાવ્યું હતું.
નવસારી ગુરૂકુળ ખાતે યોજાયેલી આ ચિંતન શિબિરમાં શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી, મહંત દેવપ્રસાદદાસજી સ્વામી, ધર્મવલ્લભદાસ સ્વામી સહિત સંતગણ ઉપસ્થિત રહ્યા હતા અને સંસ્થાના અમૃત મહોત્સવના આયોજન સંદર્ભે સામુહિક ચિંતન કર્યું હતું.HS